ગયા શુક્રવારે આપણે ફિલ્મ બસંત બહારનાં ગીત
સંગીતની વાત શરુ કરી હતી. ઉસ્તાદ અમીર ખાનનો હવાલો આપીને જયકિસને કિરાના ઘરાનાના
દિગ્ગજ પંડિત ભીમસેન જોશીની સંમતિ મેળવી લીધી. ખરી મૂંઝવણ અહીંથી શરુ થઇ. વિજય
ભટ્ટની બૈજુ બાવરા વખતે સંગીતકાર નૌશાદે જે પ્રકારની દુવિધાનો સામનો કરેલો, ડિટ્ટો
એવીજ મૂંઝવણ અહીં પણ સર્જાઇ. શું થયેલું
બૈજુ બાવરા વખતે ? ફિલ્મનું દ્રશ્ય એવું હતું કે શહેનશાહ
અકબરના દરબારમાં બૈજુ અને તાનસેન વચ્ચે સ્પર્ધાત્મક જુગલબંદી થાય છે. વરસો પહેલાં
બૈજુના પિતા ભગવાનનું ભજન ગાતાં આવી રહ્યા હતા ત્યારે તાનસેન સિવાય કોઇએ ગાવું
નહીં એવા હુકમના પગલે બૈજુના પિતાને અકબરના સિપાઇઓએ હણી નાખ્યા હતા. એ હુકમને રદ
કરાવવા બૈજુ સ્વામી હરિદાસ પાસે જ સંગીત શીખ્યો અને અકબરના દરબારમાં તૈનસેન સાથે
સ્પર્ધા કરવા હાજર થયો.
આ જુગલબંદી માટે નૌશાદે ડી.વી.પળુસ્કરનો સંપર્ક
સાધ્યો ત્યારે પળુસ્કર એ જાણીને ચોંક્યા કે પોતે ઉસ્તાદ અમીર ખાનને પરાજિત કરવાના
છે. પળુસ્કરે ઘસીને ગાવાની ના પાડી. ખુદ અમીર ખાને એમને સમજાવ્યા કે તમારે મને
નહીં, ફિલ્મના તાનસેનના પાત્રને હરાવવાનો છે. તમારા કંઠમાં યૌવન ગૂંજે છે જ્યારે
મારા કંઠમાં પ્રૌઢિ ગૂંજે છે. એટલે તમે નિઃશંક જુગલબંદીની હા પાડો. એ સમજાવટના
પગલે પળુસ્કર રાજી થયા અને વિલંબિત તુમ્હરે ગુણ ગાઉં... તથા મધ્યલય આજ ગાવત મન
મેરો..(રાગ દેશી) જેવું યાદગાર ગીત સર્જાયું.
બસંત બહાર વખતે શંકર જયકિસને મન્ના ડેને કેતકી
ગુલાબ જુહી ચંપક બન ફૂલે (રાગ બસંત બહાર) ગીતની વાત કરી ત્યારે પોતાને ભીમસેન જોશી
સાથે ગાવાનું છે એવું સાંભળીને મન્ના ડે ચોંક્યા. ક્યા બાત કર રહે હો, એમણે
પૂછ્યું. સામે ભીમસેન જોશી હતા. એમાં
પાછું ભીમસેનજીને 'પરાજિત' કરવાના
હતા. મન્ના ડેનો આત્મવિશ્વાસ થોડોક ડગી ગયો હશે. એ આખીય વાતને ટાળતા રહ્યા. હવે
ભીમસેન તો એ દિવસોમાં ખૂબ બીઝી કલાકાર હતા. મહિનામાં વીસથી બાવીસ દિવસ એ દેશ-વિદેશમાં
ગાતાં હોય. કેતકી ગુલાબ જુહી..નું રેકોર્ડિંગ લંબાતું ગયું. પંડિતજીએ જયકિસનને
પૂછ્યું આખિર બાત ક્યા હૈ ? જયકિસને મન્ના ડેની અવઢવ વિશે
વાત કરી. ભીમસેનજી તો ઉમદા ઇન્સાન પણ ખરા.
ભીમસેનજીએ જયકિસનને કહ્યું કે ચાલો, આપણે
બંને મન્ના ડેને સમજાવવા જઇએ. બંને મન્ના ડેના ઘેર પહોંચ્યા. ત્યાં ભીમસેનજીએ
કહ્યંુ કે હું તો તમારા ચાહકોમાં એક છું. મને તમારી સાથે ગાવાની તક મળે છે એને
મારું સદ્ભાગ્ય સમજું છું...વગેરે. મન્ના ડેએ પોતાની આત્મકથામાં નોંધ્યું છે એમ 'મારાં પત્નીએ મને સમજાવ્યો કે આ શું ગાંડીઘેલી વાત કર્યા કરો છો...?
પંડિત ભીમસેન જોશી સાથે ગાવાની તક મળે એ કોઇ ફિલ્મી પ્લેબેક સિંગર
કદી જતી કરે કે ? હા પાડી દો...તમને શંકર અને જયકિસન બંને
જરુરી પ્રેક્ટિસ કરાવશે...' ત્યારે થોડાક કચવાટ સાથે મન્ના
ડે રાજી થયા અને આપણને આ અદ્ભુત ગીત મળ્યું 'કેતકી ગુલાબ
જુહી ચંપક બન ફૂલે...'
તમે માર્ક કર્યું હશે કે મન્ના ડેની સાદી સીધી
ગાયકી સામે ભીમસેનજી વીજળીના ઝબકારા જેવી સપાટ તાન મારે છે ત્યારે આફ્રીન થઇ જવાય
છે. ગીતનું સૌથી મહત્ત્વનુંં પાસું એનો લય છે. બૈજુબાવરામાં બે કે અઢી પંક્તિ
વિલંબિત એેકતાલમાં ગવાઇ ન ગવાઇ ત્યાં ઠીક ઠીક દ્રુત કહેવાય એવા તીનતાલમાં આજ ગાવત
મન મેરો શરુ થઇ જાય છે. અહીં શંકર જયકિસને જુદી રીતે બાજી મારી. શાસ્ત્રીય સંગીતના
સાધકોમાં એવી માન્યતા છેે કે દ્રુત એકતાલમાં ઉત્તમ રીતે ગાવાનું થોડું મુશ્કેલ છે.
ધીં ધીં ધા ત્રક તુન્ના,
કત્તા ધા ત્રક ધીંના... આ એકતાલ
ઝડપથી તબલાં પર કે પખવાજ પર વાગતો હોય ત્યારે ગાનારનો પોતાના કંઠ પર પૂરો
કાબુ ન હોય તો ફિયાસ્કો થઇ જાય.
બાય
ધ વે,
બસંત અને બહાર બંને મોસમી રાગ છે. બે ઋતુકાલીન રાગનંુ ગજબનું સંયોજન
કરીને શંકર જયકિસને આ તર્જ બનાવી. તમને
શાસ્ત્રીય સંગીતનો સહેજ પણ અભ્યાસ હોય તો આ ગીત સાંભળ્યા પછી તમે એને ભૂલી શકો
નહીં. આ એક જ ગીત બનાવ્યું હોત તો પણ બસંત બહારનું આ ગીત એવરગ્રીન બની ગયું હોત.
જો કે શંકર જયકિસને તો આ ફિલ્મનાં બધાં ગીતો રાગ આધારિત બનાવ્યાં અને લગભગ દરેક
ગીત હિટ પણ નીવડયું. આજે પણ ઇન્ડિયન આઇડોલ કે સા રે ગા મા જેવી ટીવી ચેનલ પર
સંભળાયા વિના રહેતું નથી. (ક્રમશઃ)
Comments
Post a Comment