માઇક્રોફોન નહોતા ત્યારે સંગીત સમ્રાટ તાનસેન યા બૈજુ બાવરા શી રીતે મહેફિલ ગજાવતા હશે ?


 ફતેહપુર સિક્રીનું અનુપ તળાવ
-----------------------------------------------------------------------------------------------------
ગીતસંગીતના કાર્યક્રમ યોજાય ત્યારે ઉત્તમ ગુણવત્તાવાળા માઇક્રોફોન જોઇએ. ગુણવત્તા નબળી હોય તો વચ્ચે વચ્ચે માઇક્રોફન સિસોટી વગાડવા માંડે. આજે તો વિશ્વના ઉત્તમોત્તમ માઇક્રોફોન સહેલાઇથી ઉપલબ્ધ છે. પરંતુ માઇક્રોફોન નહોતા ત્યારે સંગીત સમારોહ કેવી રીતે યોજાતા હશે એ કલ્પનાનો વિષય છે. જૂની રંગભૂમિનાં નાટકો જોનારા વડીલો જાણતા હશે કે જયશંકર 'સુંદરી' કે માસ્ટર કાસમભાઇ યા મોતીબાઇ એવો બુલંદ કંઠ ધરાવતાં હતાં કે થિયેટરની છેલ્લી હરોળના બંને બાજુના ખૂણાની બેઠક સુધી તેમના સંવાદો કે ગીતો સંભળાય. એમ તો  ભારતીય સંગીતની ખૂબી દર્શાવતી એક ઘટના પણ ખૂબ જાણીતી છે. લાહોરમાં રાવી નદીના કિનારે ૧૯૨૮-૨૯માં યોજાએલી ગાંધીજીની સભામાં વીસથી પચીસ હજાર લોકો હાજર હતા. પંડિત વિષ્ણુ દિગંબર પળુસ્કર લાહોરમાં છે એે જાણીને ગાંધીજીએ એમને વંદે માતરમ ગાવા નોતર્યા. પંડિતજી આવ્યા એટલે ગાંધીજીએ એમની તરફ માઇક ખસેડયું. ગ્વાલિયર ઘરાનાના ધુરંધર એવા પંડિત વિષ્ણુ દિગંબરે માઇક્રોફોન બાજુ પર ખસેડીને વંદે માતરમ એવી બુલંદીથી ગાયું કે હજારો લોકોએ મન ભરીને માણ્યું હતું.

પરંતુ સંગીત સમ્રાટ તાનસેન, બૈજુ બાવરા કે ગોપાલ નાયક પોતાના જમાનામાં માઇક્રોફોન વગર શી રીતે મહેફિલો ગજાવતા હતા ? એ સવાલનો અત્યંત રસપ્રદ જવાબ તાજેતરમાં પરોક્ષ રીતે મળ્યો. શ્યામ બેનરજીએ લખેલા પતિયાલા કાસુર ઘરાનાના દિગ્ગજ પંડિત અજય ચક્રવર્તીના જીવનચરિત્રના પુસ્તકમાં એક અદ્ભુત ઘટના વર્ણવાઇ છે. આગ્રા નજીક ફતેહપુર સિક્રીમાં અનુપ તળાવ નામે એક સરોવર છે. વરસો પહેલાં આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયાની આગોતરી પરવાનગી લઇને ત્યાં પંડિત ભીમસેન જોશીનું ગાયન યોજવામાં આવેલું. એ પછી એક વાર પંડિત અજય ચક્રવર્તીનું ગાયન ત્યાં યોજાયું. ત્યારબાદ આવા પ્રોગ્રામ્સ યોજાતાં બંધ કરાયા. આ બે કલાકાર સિવાય અનુપ તળાવ વિસ્તારમાં કોઇએ ગાયું નથી. 


 પંડિત અજય ચક્રવર્તીનું ગાયન હતું એ સાંજે એમને કહેવામાં આવેલું કે અહીં બાદશાહ અકબર બિરાજતા અને અનુપ તળાવની પેલી કોર બેસીને સંગીત સમ્રાટ તાનસેન ગાતા. એ સાંભળીને અજયજીને એક અદ્ભુત વિચાર આવ્યો. એમનું ગાયન શરદ પૂર્ણિમાની રાત્રે હતું. એકાદ ખયાલ ગાયા પછી તેમણે આયોજકોને વિનંતી કરી કે મારે એક પ્રયોગ કરવો છે. તમે થોડીવાર માટે વીજ પુરવઠો અને માઇક્રોફોન બંધ કરી દો. થોડાક ખંચકાટ સાથે આયોજકોએ વીજ પુરવઠો બંધ કર્યો. માઇક પણ મૂંગું થઇ ગયું. એ પછી અજયજીએ ફરી ગાવાનો આરંભ કર્યો. સામે દસેક હજાર સંગીત પ્રેમીઓ બેઠાં હતા. અજયજીએ સ્વાભાવિક સાદે પૂછ્યું, તમને મારું ગાયન સંભળાય છે ? 'હા જી...' છેક છેવાડે બેેઠેલા લોકોએ હા પાડી.


 અજયજીએ પોતાના મનોભાવો રજૂ કરતાં જે કંઇ કહ્યંુ એે લેખકડાના શબ્દોમાં અહીં વ્યક્ત કર્યું છે -'વગર માઇક્રોફોને હજારો લોકો મારું ગાયન સાંભળી શક્યા એેનો યશ આ સરોવર અને એની આસપાસનાં શિલ્પ-સ્થાપત્યની વિશેષતા છે. આ સ્થાપત્ય બાંધનારા આજના સાઉન્ડ એંજિનિયર્સને હંફાવે એવી બાંધકામ કલાના માહિર હોવા જોઇએ... એ સિવાય મારો સ્વાભાવિક કંઠ હજારો લોકો કેવી રીતે સાંભળી શકે ? મારા માટે આ એક અદ્વિતીય સાંગીતિક અનુભવ હતો... આ અનુભવ હું કદી વિસરી નહીં શકું. તાનસેનનું ગાયન આ રીતે અહીંના સ્થાપત્યની દિવાલોમાં પડઘાઇને રસિકોના કાન સુધી પહોંચતું હશે એવી કલ્પના મને આવી...'

ખરેખર આ એક અદ્ભુત કહી શકાય એવો વિરલ અનુભવ છે. આપણને સૌને વિચારતાં કરી દે એવો અનુભવ. ગુજરાત રાજ્યમાં પણ કેટલીક પ્રાચીન વાવની આસપાસ આવા સંગીત સમારોહ યોજાતા હોય છે. એવા કોઇ સમારોહમાં માઇક વિના આ પ્રકારના પ્રયોગો કરીને ધ્વનિ તરંગોનાં વહેણની દિશા અને એનાં વધઘટ (વોલ્યુમ) વિશે સંશોધન કરી શકાય. વાવના રચનારાઓ પણ આવી કોઇક કલા જાણતા હોવા જોઇએ. જરુર છે પ્રયોગ કરનાર સંશોધકોની. એક નવી વિદ્યાશાખા ઊઘડી શકે... છે કોઇ બીડું ઝડપી લેનાર ?
--------------

Comments

  1. Thanks for sharing your knowledge. In those ancient days architects are very intelligent.

    ReplyDelete

Post a Comment