મારા તમારા જેવા સંગીતપ્રેમીઓ દ્રઢપણે માને છે કે સુવર્ણ યુગના ફિલ્મ સંગીતે શાસ્ત્રીય સંગીતનું પોષણ અને સંવર્ધન બંને દિલથી કર્યાં. આજે પંડિત શિવકુમાર શર્મા કે પંડિત હરિપ્રસાદ ચૌરસિયાને માણવા હજારો લોકોની જે ભીડ થાય છે એની પાછળ ફિલ્મ સંગીતનંુ આ ક્ષેત્રે મબલખ પ્રદાન છે. બીજો મુદ્દો નહેરુ યુગના એક પોલિટિશ્યનની મૂર્ખાઇનો છે.
૧૯૫૨માં ત્યારના માહિતી-પ્રસારણ પ્રધાન બી વી કેસકરે આકાશવાણી પર ફિલ્મગીતો રજૂ કરવા પર પ્રતિબંધ લાદી દીધેલોે. કેમ ? તો કહે, ફિલ્મ સંગીત ઊગતી પેઢીને બગાડે છે... લો કર લો બાત... ખરું પૂછો તો એ એમની વાહિયાત માન્યતા હતી. એમના આ ટૂંકી દ્રષ્ટિ ભરેલા નિર્ણયે બિનાકા ગીતમાલાને જન્મ આપ્યો અને એ સ્ટેશને ફિલ્મ સંગીતને અનોખું પ્રોત્સાહન આપ્યું. આકાશવાણીએ જાહેરખબરની અઢળક આવક ગુમાવી અને સરકારી વાજું ગણાઇ ગઇ એ લટકામાં.
આજે શંકર જયકિસનના અખૂટ પ્રદાનની વાત કરીએ ત્યારે આવા મુદ્દા તરત યાદ આવે. ચાલો હવે આગળ. નાયક-નાયિકાના ભાવવિશ્વને શિવરંજની રાગ દ્વારા રજૂ કરવાની જે કમાલ શંકર જયકિસને દાખવી એ બહુ ઓછા સંગીતકારોએ દાખવી છે. આ ગીતો કોઇ વિદેશી સંગીતકારોની ઊઠાંતરી નથી, ભારતીય સંગીતની અમૂલ્ય વિરાસત છે. પોતાને ટટળાવતા કે રીસાઇ જઇને મળવાથી દૂર રહેતા પ્રિય પાત્રને મનાવવા માટે પણ શિવરંજનીએ સંનિષ્ઠ પ્રયાસો કર્યા.
શમ્મી કપૂરની ફિલ્મ પ્રોફેસરનું આ ગીત તમને યાદ આવ્યા વિના નહીં રહે- 'આવાઝ દે કે હમેં તુમ બુલાઓ, મુહબ્બત મેં ઇતના ન હમ કો સતાઓ...' આ ગીતની ઔર એક વિશેષતા છે- શાસ્ત્રીય સંગીતમાં સહજ વપરાતા દસ માત્રાના ઝપતાલ (ધીં ના, ધીં ધીં ના, તીં ના, ધીં ધીં ના)માં આ ગીત તાલબદ્ધ કરાયું છે. એના પહેલા (અભી તો મેરી જિંદગી હૈ પરેશાં...) અને છેલ્લા (ન હોંગે અગર હમ તો રોતે રહોગે..) અંતરાના શબ્દો યાદ કરો તો તમને ખ્યાલ આવી જાય કે કેવી કુમાશથી હીરો પોતાની મનોદશા તાદ્રશ કરે છે !
હીરોના જ મનોભાવોને થોડા જુદા સંદર્ભમાં રજૂ કરતું શિવરંજની આધારિત ઔર એક ગીત એટલે રાજ કપૂરનાં યાદગાર અને સદાબહાર ગીતોમાંનું એક- 'જાને કહાં ગયે વો દિન, કહતે થે તેરી રાહ મેં નજરોં કો હમ નજરોં કો હમ બિછાયેંગે...' પોતાના જીવનમાં આવી ગયેલી અને ઊછળતી-કાચી ઉંમરમાં સદા સાથ આપવાના વાયદા કરી ગયેલી યુવતીઓને સંબોધીનેે જોકર ગાય છે. એના શબ્દોમાં ફરિયાદ છે પણ કડવાશ નથી, થોડીક નિરાશા છે પરંતુ નફરત નથી. એ આ ગીતની કમાલ છે.
ઠીક ઠીક ઊંચા સ્વરે મૂકેશે ગાયેલું અને છ માત્રાના દાદરા તાલમાં લયબદ્ધ આ ગીત ગાયક મૂકેશ અને રાજ કપૂર બંનેનાં માનીતાં ગીતોમાં સ્થાન પામ્યું હતું.
અહીં સંગીતપ્રેમીઓમાં થતી મીઠ્ઠી ખેંચતાણનને યાદ કરવી જોઇએ. આ બંનેમાં કોણે કયું ગીત સ્વરબદ્ધ કર્યું હતું એ વિશે છેક ૧૯૬૦ના દાયકાથી મનઘડંત વાતો વહેતી રહી છે. હકીકતમાં એ નરી અફવા હોવી જોઇએ. લડે લશ્કર અને યશ કે અપયશ સેનાપતિને મળે એવી આ વાત છે.
ફિલ્મગીતોની સ્ટાઇલમાં કહીએ તો આ શંકર જયકિસન બંને 'દો જિસ્મ મગર એક જાન' જેવા હતા. એક એવી ટીમ હતી જેમાં મૈં મૈં તૂ તૂ બિલકુલ નહોતું. એ સમયના કેટલાક અદેખા મિડિયામેને આ બંને વચ્ચેના કહેવાતા મતભેદોની વાતોને આસમાનમાં ચગાવી. કાઠિયાવાડી લહેકામાં કહીએ તો શો કાંદો કાઢ્યો ? જયકિસન હયાત હતા ત્યાં સુધી બંનેએ અદ્ભુત સહિયારું સર્જન કર્યું જે આજ સુધી અજોડ રહ્યું છે.
Comments
Post a Comment