તમામ ગીતો રાગ આધારિત ધરાવતું સંગીત પીરસ્યું, ફિલ્મ નહીં, સંગીત જ યાદગાર બન્યુંં...




ડી વી પળુસ્કર અને ઉસ્તાદ અમીર ખાન (ફિલ્મ બૈજુ બાવરા)

શંકર જયકિસનના ભૈરવી અને શિવરંજની પર આધારિત ગીતોની ઝલક આપણે માણી. બીજા રાગો પર આધારિત ગીતોની વાત કરવા પહેલાં તમને આપેલો એક વાયદો પૂરો કરવાનો છે. ૧૩મી ડિસેંબરે આપણે વાત કરેલી કે બૈજુ બાવરાનું સંગીત અને ફિલ્મ બંને સુપરહિટ નીવડયાં એટલે ચોમેર 'નૌશાદ નૌશાદ'ના જયજયકારનો અતિરેક થયો. માનવ સહજ કમજોરી કહો કે જે કહો તે, અન્ય સંગીતકારો સાથે શંકર જયકિસનને પણ માઠું લાગ્યું કે આ શું ગોકીરો માંડયો છે ? શાસ્ત્રીય સંગીત કોઇનો ઇજારો થોડો જ છે ?

 આ બંને દોસ્તોએ એવી એક ફિલ્મ કરવાનો વિચાર કર્યો જેમાં તમામ ગીતો રાગ આધારિત હોય. કામ થોડું જોખમી હતું પરંતુ કરવા જેવું તો હતુંજ.એવી તક એમને આર ચંદ્રાના ટૂંકા હુલામણા નામે જાણીતા એક ફિલ્મ નિર્માતાએ આપી. વિશ્વ ભારતી પ્રોડક્શન્સના નેજા તળે બસંત બહાર બની. બૈજુ બાવરામાં ઇતિહાસ થોડો અને કલ્પના  વધુ હતી. બીજી બાજુ બસંત બહાર સંપૂર્ણપણે કાલ્પનિક કથા પર આધારિત ફિલ્મ હતી.


એક અભિપ્રાય મુજબ એ સમયના પ્રસિદ્ધ કન્નડ લેખક તાલુકુ રામસ્વામી સુબ્બારાવ(તારાસુ)ની નવલકથા 'હંસગીતી' પર આ ફિલ્મની કથા આધારિત હતી. બૈજુ બાવરા સાથે હંસગીતીનું માત્ર એક સામ્ય હતું. બંનેમાં ઉત્તમ ગાયકો વચ્ચે સ્પર્ધાત્મક જુગલબંધી હતી. 

બૈજુ બાવરામાં બૈજુ (ભારત ભૂષણ) અને તાનસેન (ગાયક અભિનેતા સુરેન્દ્ર) વચ્ચે સ્પર્ધાત્મક જુગલબંધી હતી જ્યારે આ કથામાં પાડોશમાં રહેતા બે યુવાનો વચ્ચેની સ્પર્ધા હતી. તટસ્થતાથી જોઇએ તો બસંત બહાર ફિલ્મને બૈજુ બાવરા જેટલો ધીકતો બિઝનેસ ન કર્યો કે સુવર્ણ જયંતી ઊજવાઇ, પરંતુ એનું સંગીત એવરગ્રીન બની રહ્યું. શંકર જયકિસનને સંતોષ એ વાતનો રહ્યો કે સંગીતને ધારી સફળતા મળી.

અહીં ઔર એક વાત સમજવા જેવી છે. બૈજુ બાવરામાં એ સમયના બે ધુરંધર શાસ્ત્રીય ગવૈયાએ કંઠ ઊછીનો આપેલો. ઇંદોર ઘરાનાના યુગસર્જક ગાયક ઉસ્તાદ અમીર ખાન અને ગ્વાલિયર ઘરાનાના લિવિંગ લેજન્ડ પંડિત વિષ્ણુ દિગંબર પલુુસ્કરનો તેજસ્વી યુવાન પુત્ર દત્તાત્રય વિષ્ણુ (ડી વી) પલુસ્કર. ભારત ભૂષણને ખપ પૂરતો સંગીતનો અભ્યાસ હતો અને એમણે ડી વી પલુસ્કરની નમ્રતા જાતે અનુભવી હતી એટલે એમની ઇચ્છા તો ડી વી પલુસ્કરનેજ બસંત બહારમાં સહભાગી કરવાની હતી. પરંતુ કુદરતને એ વાત મંજૂર નહીં હોય.
 ભીમસેન જોશી અને મન્ના ડે બસંત બહારના રેકોર્ડિંગ વખતે

 ૧૯૫૫માં એક પ્રતિનિધિમંડળ સાથે ડી વી ચીનના પ્રવાસે ગયેલા. સંગીતના તેમના કાર્યક્રમો ત્યાં ધૂમ સફળતાને વર્યા પરંતુ એ પોતે યલો ફિવરનો શિકાર થઇ ગયા અને ચીનથી પાછા પાછા ફર્યા અને એજ વરસે (૧૯૫૫)ના ઓક્ટોબરની ૨૬મીએ માત્ર ૩૪ વર્ષની વયે અવસાન પામ્યા. (મેડિકલ રિપોર્ટ મુજબ એમનુ નિધન એન્સીફિલાઇટિસને કારણે થયેલું.) વયોવૃદ્ધ પિતાએ એને કાંધ આપવી પડી.

શંકર જયકિસનને પણ ઉસ્તાદ અમીર ખાન સાથે સારી આત્મીયતા હતી. જયકિસને લતાજીના સૂચનથી મુંબઇના મોટા મંદિરના વલ્લભબાળ ગોસ્વામી મુકુંદ રાયજીનો સંપર્ક સાધ્યો. મુકુંદરાયજી દક્ષિણની વીણા વગાડતા અને એના પર ઉસ્તાદ અમીર ખાનની ગાયકી ઊતારવાના પ્રયાસ કરતા હતા. એ ઉસ્તાદ અમીર ખાનના જિગરી દોસ્ત જેવા શિષ્ય હતા. 

જયકિસને ઉસ્તાદજીની સલાહ માગી. ઉસ્તાદજીએ પ્રેમથી સલાહ આપી કે હું હવે વયસ્ક કહેવાઉં. વળી, તમારી ફિલ્મમાં મારો કંઠ લેશો તો લોકો નૌશાદના સંગીત સાથે તુલના કર્યા વિના નહીં રહે. એના કરતાં આજના તાનસેન જેવા કિરાણા ઘરાનાના પંડિતભીમસેન જોશીને લ્યો. હું એમને તમારી વાત કરી રાખીશ. 

ભીમસેન ખરા અર્થમાં 'તાન'સેન હતા. કાચી વયે સખ્ખત કસરત કરીને રોજ નિયમિત લોટો ભરીને ગાયનું કાચું દૂધ પી પીને એમણે કાયાની સાથોસાથ કંઠ કસ્યો હતો. મધ્યલય તીનતાલના આઠ આઠ દસ દસ આવર્તન સુધી એ સપાટ તાન મારી શકતા. અહીં એક રસપ્રદ વાત કરું. પંડિત ભીમસેન જોશી જાહેરમાં કહેતા, લોકો મને સાંભળે છે, હું મારી ગાયકીને સર્વરંગી બનાવવા ઉસ્તાદ અમીર ખાનને સાંભળું છું... જયકિસને પંડિતજીનો સંપર્ક સાધ્યો અને ઉસ્તાદ અમીર ખાનની સલાહનો હવાલો આપ્યો. બીજી ક્ષણે બાત બન ગઇ...  (વધુ રસપ્રદ વાતો હવે પછી...)

Comments