સંગીત માર્તંડ પંડિત જસરાજનું વિરલ વ્યક્તિત્વ

પત્રકાર હોવાનો એક સૌથી મોટો લાભ એ કે જીવનના લગભગ દરેક ક્ષેત્રના મહાનુભાવોને મળવાની તક મળે. એમાંય તમે લલિત કલા સાથે સંકળાયેલા હો તો જગવિખ્યાત કલાકારો સાથે વાતો કરવાનો અમૂલ્ય લ્હાવો મળે. એ દ્રષ્ટિએ અમારા બંને પર પરમાત્માની કૃપા છે. ફિલ્મ સંગીત, સુગમ સંગીત અને શાસ્ત્રીય સંગીતના ઉપાસકો સાથે કલાકો સુધી વાતો કરવાની તક મળી છે. ગઇ કાલે ગુરૂવાર બીજી જાન્યુઆરી 2020ની રાત્રે અમદાવાદમાં ચાલી રહેલા સપ્તકના 40મા સંગીત સમારોહમાં સંગીત માર્તંડ પંડિત જસરાજજીનું ગાયન હતું. 90 વર્ષની ઉંમરે શારીરિક મર્યાદાઓ નડે એ સ્વાભાવિક છે. પરંતુ જસરાજજીએ ધીરગંભીર રાગ દરબારી ગાવા માટે માત્ર ષડ્જ (સા ) લગાડ્યો ત્યાં સભાગૃહની હવા  પલટાઇ ગઇ. પંડિતજીનો કસાયેલો કંઠ વાતાવરણમાં અનેરી આભા સર્જી ગયો. વીસેક વર્ષ પહેલાં ચિત્રલેખા-જી સામયિક માટે એમની સાથે સંગીત સાધના વિશે વાત કરવાનો મોકો મળ્યો હતો. ત્યારની યાદગીરી રૂપ તસવીર અત્રે પ્રગટ કરી છે. પંડિતજીના આશીર્વાદ સાંપડ્યા છે એ અમારા બંને માટે મહામૂલી મૂડી છે.

Comments