'સિદ્ધિ તેને જઇ વરે, જે પરસેવે ન્હાય', શાસ્ત્રીય સંગીતના ટોચના કલાકારોનો સંઘર્ષ પ્રેરણાદાયી ....



 અમદાવાદમાં ચાલી રહેલો તેર દિવસનો સપ્તક સંગીત મહોત્સવ આજે મળસ્કે પૂર્ણ થયો. રાજકોટમાં ચાલતો સાત દિવસનો સપ્તક સંગિતી નવમી જાન્યુઆરીએ પૂરો થયો. બંને મહોત્સવમાં એક વિરલ સંજોગ સર્જાયો. નેવું વર્ષની વયે પણ પંડિત જસરાજે રસિકોને ભાવવિભોર કર્યા. શારીરિક મર્યાદા આવી ગઇ છે. પરંતુ કંઠની બુલંદી અને મધુરતા હજુ અકબંધ રહી છે. અગાઉ એવી બુલંદી અને મધુરતા ૯૦-૯૧ વર્ષની વયે પણ અડીખમ રહેલાં કિરાના ઘરાનાના વિદૂષી ગંગુબાઇ હંગલમાં અનુભવી હતી. આવરદાના નવમા દાયકામાં એવી જ ઊર્જા પંડિત ભીમસેન જોશીના કંઠમાં માણી હતી. જો કે આજે વાત થોડી જુદી કરવી છે.  
 આ કલાકારોએ કારકિર્દીનું પહેલું સોપાન આદર્યું ત્યાર પહેલાં કરેલા સંઘર્ષની વાતો વાંચીએ ત્યારે રુંવાડાં ખડાં થઇ જાય. સુનીતા બુદ્ધિરાજાએ લખેલું પંડિત જસરાજનું જીવન ચરિત્ર (પુસ્તકનું નામ 'રસરાજ') વાંચીએ કે શ્યામ બેનરજીએ લખેલું પંડિત અજય ચક્રવર્તીનું જીવન ચરિત્ર (પુસ્તકનું નામ 'પંડિત અજય ચક્રવર્તીઃ સીકર ઑફ મ્યુઝિક વિધિન') વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે આ લોકાએ આજના સ્થાને પહોંચવા કેવો અથાક પુરુષાર્થ કર્યો છે. સાવ નાનકડા બે દાખલા લઇએ. પંડિત જસરાજજીએ માત્ર ત્રણ વર્ષની વયે પિતા ગુમાવ્યા હતા.


 કોલકાતામાં રહેતા ત્યારે કેટલીકવાર બબ્બે ત્રણ ત્રણ દિવસ સુધી ટંક ભોજનનાય સાંસા પડતા. એમાંય એકવાર તબલાંવાદક તો મરેલા ઢોરના ચામડાં પીટે છે એેવી ટીકા થતાં તબલાંવાદન છોડયું ત્યારે એક સંગીત વર્ગમાં મહિને વીસ રુપિયા પગારના મળતા એ પણ બંધ થઇ ગયેલા. પુત્ર જસરાજને ગાયક બનાવવા એમનાં માતુશ્રી સવારે સાડા ત્રણ ચાર વાગ્યે ઊઠાડી દેતાં અને કહેતાં, ચલો રિયાઝ શરુ કરો.... 

 પંડિત અજય ચક્રવર્તીને આજે કોલકાતામાં સૌથી પોશ એરિયામાં રહેતાં જોઇને કોઇને કલ્પના સુદ્ધાં ન આવે કે એ કૂમળી વયે કાલીઘાટ પાસે કાચા ગારમાટીના ઝૂંપડામાં રહેતા. અજયજી જન્મ્યા ત્યારે તેમના મુખમાં બે ટીપાં મધના ચટાડવાની તેમના ગાયક પિતા અજિતજીની ઇચ્છા હતી. પરંતુ મધ લેવાના માત્ર બે પૈસા પણ સોંઘવારીના એ દિવસોમાં એમની કને નહોતા.


 ભીમસેન જોશીની વાત કરીએ તો એને ખરેખર સંગીત શીખવું છે એ વાતની પરીક્ષા કરવા એમના ગુરુ પંડિત સવાઇ ગંધર્વ (પંડિત રામભાઉ કુંદગોળકર)એ ભીમસેનને ઘરનોકર તરીકે રાખેલા. ઝાડુ-પોતાં, વાસણ-કપડાં કરવા ઉપરાંત દોઢ બે ગાઉ દૂર જઇને આખાય પરિવાર માટે પાણી ભરી લાવવાનું.  

ભીમસેનજી તમામ કામ કરતા પરંતુ એમના કાન ગુરુજીના ઓરડા તરફ હોય. ગુરુજી બીજાં શિષ્યોને શીખવે એ ભીમસેન ચૂપચાપ સાંભળે અને આત્મસાત કરે. આ આખીય વાત ભીમસેનજીના ગુરુબહેન શ્રીમતી ગંગુબાઇ હંગલે કરેલી. આ રીતે એક વર્ષ પરસેવો પાડયા પછી એક દિવસ ગુરુજીએ સામેથી બોલાવીને સંગીત શીખવવાનો આરંભ કર્યો...

લગભગ દરેક કલાકાર પછી એ ગાયક હોય, વાદક હોય કે શાસ્ત્રકાર હોય, દરેકે પ્રખર સંઘર્ષ કર્યો છે. હિન્દુસ્તાની સંગીતને દસ થાટમાં વહેંચીને રાગના સમયચક્રને વિકસાવવાનો પ્રયાસ કરનારા પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેએ ગાંઠના પૈસે દેશ આખાનો પ્રવાસ કરેલો અને જુદા જુદા સ્વરસાધકોને મળીને સેંકડો રાગરાગિણીની પ્રાચીન બંદિશો એકઠી કરેલી. એ અગાઉ કોઇએ આવો પ્રયાસ નહોતો કર્યો. 
 
એમાંય રામપુરના નવાબને ત્યાં થયેલો અનુભવ તો આપણને સૌને રમૂજી લાગે એવો હતો. એ સમયના બડા બડા ઉસ્તાદો પોતાના અંગત સ્વજનો સિવાય કોઇને પોતાની વિદ્યા આપવા તૈયાર થતા નહોતા. એવા સંજોગોમાં ભાતખંડેેજીએ નવાબને સમજાવ્યા કે પેાતે મિશનરી કાર્ય લઇને નીકળ્યા છે. નવાબ આખીય વાત સમજ્યા. પછી એવું નક્કી થયું કે નવાબસાહેબના સિંહાસન પાછળ એક પરદો નાખવો. એ પરદાની પાછળ બેસીને ઉસ્તાદજી જે ગાય એ બધું સ્વરલિપિ (નોટેશન રુપે ) ભાતખંડેજી લખી લે. 


 ભાતખંડેજીની પરીક્ષા કરવા નવાબે કહ્યું કે તમે શું લખ્યું છે, જરા કહો તો. ભાતખંડેજીએ પોતે લખેલા નોટેશનના આધારે આખોય રાગ ગાઇ સંભળાવ્યો. ત્યારે ઉસ્તાદજી નારાજ થઇ ગયા કે આણે મારું સંગીત ચોરી લીધું. વધુ ફરી ક્યારેક.
----------------  


Comments