અમદાવાદમાં
હાલ ચાલી રહેલા ૪૦ મા સપ્તક સંગીત સમારોહમાં કોલકાતાથી પધારેલા
પતિયાલા-કાસુર ઘરાનાના દિગ્ગજ પંડિત અજય ચક્રવર્તીએ આપેલી મુલાકાત યાદગાર
બની રહી. કારકિર્દીના સર્વોચ્ચ શિખર પર બિરાજતા હોવા છતાં એમના ચરણ
વાસ્તવિક ધરતી પર ટકી રહ્યા છે. સફળતાને એ પચાવી ગયા છે. ભારતીય સંગીતના
શાસ્ત્ર અને મંચ પ્રસ્તુતિ બંનેમાં માહિર એવા અજયદાદા સાથેની વાતચીતની
પ્રસ્તુત છે ઝલક
પ્રશ્ન-
આપે ભારતીય સંગીતના તદ્દન જુદા જુદા ઘરાનાની તાલીમ લીધી છે. પ્રસિદ્ધ
હાર્મોનિયમ-તબલાંનિપુણ પંડિત જ્ઞાાન પ્રકાશ ઘોષ (ફરુખાબાદ ઘરાના), હીરાબાઇ
બડોેદેકર (કિરાના ઘરાના), પંડિત નિવૃત્તિબુઆ સરનાઇક (જયપુર અતરૌલી ઘરાના),
લતાફત હુસૈન ખાન (આગ્રા ઘરાના), કર્ણાટક સંગીતના દિગ્ગજ ડૉક્ટર બાલ મુરલી
કૃષ્ણન અને અલબત્ત મુનવ્વર અલી ખાન (પતિયાલા-કાસુર ઘરાના) આ સૌ પાસે તમે
ભારતીય સંગીત શીખ્યા. સૌથી વધુ અસર તમારા પર કોની પડી ?
ઉત્તર-
આ દરેક ગુરુનો હું ઋણી છું. ભારતીય સંગીતના હાર્દને સમજવા અને પામવામાં આ
સૌએ મને મબલખ શીખવ્યું છે. મને દરેક ઘરાનાની એક યા બીજી વિશેષતા ગમી છે.
પરંતુ સાચું કહું તો મારી ગાયકી પર પતિયાલા ઘરાનાના ઉસ્તાદ બડે ગુલામ અલી
ખાનનો બહુ મોટો પ્રભાવ છે. સ્વરોને ભાવ કે સંવેદન દ્વારા જીવંત કરવાની અખૂટ
પ્રેરણા મને ઉસ્તાદ બડે ગુલામ અલી ખાને આપી છે. એ મારા દાદાગુરુ થાય. હું
એમના પુત્ર મુનવ્વર અલી ખાનનો શિષ્ય છું.
તમને એક સરસ વાત કહું. મને મારા
ગુરુઓએ હંસવૃત્તિ શીખવી છે. વિદ્યાની દેવી સરસ્વતીનું વાહન હંસ છે અને હંસ
માટે એમ કહેવાય છે કે તમે દૂધમાં પાણી નાખીને આપો તો એ ફક્ત દૂધ પી જાય,
પાણી રહેવા દે. મને ગુરુજનોએ શીખવ્યું કે તમે દરેક ગુરુ-શિષ્ય પરંપરામાંથી
ક્ષીર (દૂધ) ગ્રહણ કરી લો. બાકીનું બધું જતું કરો. હું પહેલીવાર સ્ટેજ પર
પર્ફોર્મ કરવા બેઠો ત્યારે મારા કલ્પના ચક્ષુ સમક્ષ ઉસ્તાદ બડે ગુલામ અલી
ખાનસાહેબ હતા.
પ્રશ્ન-
ઉસ્તાદ બડે ગુલામ અલી ખાન તો ગાવાની સાથે ખાવાના પણ શૉખીન હતા. એ કહેતા કે
પહલે ખાના, બાદ મેં ગાના... આપની બાબતમાં કેવું છે ?
ઉત્તર- મને ખાવાનો બહુુ શૉખ નથી. સાદું ભોજન મળે તો ચાલે. મારો ખોરાક પણ બહુ બધો નથી. તમે મને મિતાહારી કહી શકો.
પ્રશ્ન- પંડિત જ્ઞાાન પ્રકાશ ઘોષ કને તમે તાલીમ લીધી તો પંડિત જસરાજજી કે પંડિત શિવકુમાર શર્માજીની જેમ તમે તબલાં પણ વગાડો છો ?
ઉત્તર-
હું હાર્મોનિયમ, તબલાં, સિતાર વગેરે વાદ્યો પર કોઇ પ્રોફેશનલ કલાકાર જેવો
કમાન્ડ ધરાવું છું, પણ ગાયકી મારો ફર્સ્ટ લવ છે, ગાયકી દ્વારા હું સંગીતને
જીવું છું. ઉસ્તાદ બડે ગુલામ અલી ખાનની જેમ ગાયનમાં સંવેદન પ્રગટાવવાનો સતત
પુરુષાર્થ કરું છું.
પ્રશ્ન- વર્તમાન સમયના કલાકારો ગાયનમાં ઉસ્તાદ અમીર ખાનને અનુસરે છે એવો એક અભિપ્રાય છે.
ઉત્તર-
સાવ સાચી વાત છે. ઉસ્તાદ અમીર ખાને ખયાલ ગાયકીને નવો રંગ આપ્યો. બડે ગુલામ
અલી ખાન ભક્તિના અર્થમાં રોમાન્સરંગી ગાયક હતા તો ઉસ્તાદ અમીર ખાન તો
જાહેરમાં કહેતા કે મારી ગાયકીજ મારી ઇબાદત (પ્રાર્થના કે બંદગી) છે. આ બંને
જણ એવું કામ કરી ગયા કે પછીની પેઢીઓના કલાકારો એમને અનુસર્યા વિના ન
રહે.
પ્રશ્ન- આપે સ્થાપેલી શ્રુતિનંદન સંસ્થા વિશે કંઇક કહો.
ઉત્તર-
શ્રુતિનંદન સરળ શબ્દોમાં કહું તો એક ગુરુકૂળ છે. મારી દ્રષ્ટિએ એ એક
કન્સેપ્ટ છે. એમાં સંગીત શીખવા ઉત્સુક બાળકોને સંગીત ઉપરાંત સારા માનવી
બનવાની સર્વાંગી તાલીમ અપાય છે. અલ્ટ્રા મોડર્ન ટેક્નોલોજી અમે ત્યાં વસાવી
છે,
સંગીત શીખવું એટલે માત્ર ગાવું કે વગાડવું એમ નહીં, વિશ્વનું
ઉત્તમોત્તમ સંગીત સાંભળવું એ પણ તાલીમનો એક ભાગ છે. માઇક્રોફોનમાં શી રીતે
ગાવું, પતિયાલા ઘરાનાની શૈલીથી આકાર કેવી રીતે કરવો, ખુલ્લો છતાં મધુરતા
જળવાઇ રહે એ રીતે સ્વરલગાવ કરવાની કળા, ઇત્યાદિ બાબતો અમે ત્યાં શીખવીએ
છીએ. ગરીબમાં ગરીબ પણ પ્રતિભાવાન બાળકોને પણ ત્યાં પૂરતી તક આપવામાં આવે
છે.
પ્રશ્ન- તમે ન્યૂ ઓર્લિયન્સમાં જાઝ સંગીતકારો સાથે પણ ગાયું છે. એ ફ્યૂઝન મ્યુઝિકનો કોઇ પ્રકાર હતો ?
ઉત્તર-
ના. એ લોકો પોતાનું સંગીત છેડતા અને હું ભારતીય સંગીત છેડતો. એ બંનેના
સંયોજન માટે અલગ મ્યુઝિક એરેંજર્સ હતા, અલ્ટિમેટ આઉટપુટમાં એવી સરસ રીતે
પૂર્વ-પશ્ચિમનું સંયોજન થતું કે આપણે સાંભળીને આભા થઇ જઇએ. એ લોકો આપણા
સંગીતને દિવ્ય માને છે અને આપણા સંગીતકારો પ્રત્યે એમની જોવાની દ્રષ્ટિ જ
અલગ છે.
આજના ટીનેજર્સને કંઇ કહેવાની ઇચ્છા ખરી ?
કોઇ
ઉપદેશ આપવો નથી. ફક્ત એક વાત કહીશ. તમારા ચોવીસે કલાક મોબાઇલને ન આપો.
મોબાઇલમાં કે સોશ્યલ મિડિયામાં આખી દુનિયા સમાઇ જતી નથી. એમાંથી તમને કશું
મળવાનું નથી. એને બદલે એવું કંઇક કરો કે દુનિયા વિસ્મયસૂચક દ્રષ્ટિથી તમને
નિહાળતી થઇ જાય.
ઔર એક વાત, સામાન્ય
રીતે હોય છે એના કરતાં કંઇક જુદી રીતે મારા વિશે એક ફિલ્મ બની રહી છે.
એમાં વિવિધ ક્ષેત્રના વિદ્વાનોએ મારા વ્યક્તિત્વ અને સંગીત વિશે કંઇક
કહ્યું છે. ચીલાચાલુ વખાણ એમાં નથી. ઊગતી પેઢીને કશુંક નવું જાણવા મળે એ
રીતે એમાં આપણા સદ્ગત રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામ અને દેશના ટોચના
સંગીતકારોએ પોતપોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
ગુજરાતમાં આવો ત્યારે ગુજરાતની કોઇ ખાસ વાનગી ખાવાની ઇચ્છા થાય એવું ખરું ?
ઉત્તર
- તમને કદાચ હસવું આવશે પરંતુ મને ગુજરાતના મસાલેદાર ખાખરા બહુ ભાવે. હું
જ્યારે જ્યારે અહીં આવું છું ત્યારે સંદીપભાઇ (એમના યજમાન)ને કહીને
મસાલેદાર ખાખરાનું મોટું પેકેટ સાથે લઇ જાઉં છું. અહીંથી કોઇ દોસ્ત કોલકાતા
આવતા હોય તો એની પાસે પણ ખાખરા મંગાવી લઉં.
દેશ
આઝાદ થયા પછી પાકિસ્તાને આમંત્રિત કર્યા હોય એવા તમે પહેલા શાસ્ત્રીય ગાયક
હતા. ૧૯૮૪માં તમે પાકિસ્તાન ગયેલા. તમારો પાકિસ્તાનનો અનુભવ કેવો હતો ?
ઉત્તર
- કાયમ માટે યાદગાર બની જાય એવો એ અનુભવ હતો. પાકિસ્તાનના પ્રતિષ્ઠિત
અખબાર સમૂહ ડૉનના માલિક અબ્દુલ્લા હારુનનો હું મહેમાન હતો. મને ૩૦ ફૂટ બાય
૩૦ ફૂટનો એક અલાયદો ઓરડો ફાળવ્યો હતો અને સતત સાત રાત સુધી મારા કાર્યક્રમો
યોજાયા હતા. મારા પુરસ્કાર ઉપરાંત એ સમયના પચાસ હજાર પાકિસ્તાની રુપિયા
અલગ રાખેલા, મને કહે કે તમારે અહીંથી જે ખરીદવું હોય તે આ રકમમાંથી ખરીદજો.
તમારા ખિસ્સામાંથી એક રુપિયો પણ કાઢવાનો નથી. આપ હમારે મહેમાન હો. આપ કી
મહેમાંનવાઝી હમારા ફર્જ હૈ...એ દિવસોમાં હું સિગારેટ પીતો.
મારી પસંદગીની
સિગારેટના બે જાયન્ટ બોક્સ મારા રુમમાં રખાવેલા. અને ત્યાંના સંગીત રસિકોએ
મારો જે આદર-સત્કાર કરેલો એ હું કદી ભૂલી નહીં શકું. એ લોકોની શાસ્ત્રીય
સંગીત સાંભળવાની ભૂખ એટલી બધી ઊઘડી હતી કે રાત્રે નવ-સાડા નવ વાગ્યે હું
ગાવાનું શરુ કરું તે છેક બીજી સવાર સુધી ચાલતું. મારા ગાયનનાં ત્યાં પાંચ
વોલ્યુમ જેટલાં તો આલ્બમ રિલિઝ કર્યાં. મારા પાછા ફરવાના આગલા દિવસે ડૉનના
અબ્દુલ્લા હારુને અજોડ ભરતકામ કરેલાં પાંચસો કૂર્તા લાવીને મારી સામે મૂકી
દીધા. મને કહે કે આમાંથી તમને જે ગમે એ તમારા.
Comments
Post a Comment