કારકિર્દીના પહેલા દાયકાના અંતે નવા પ્રયોગો કરવાજેટલો આત્મવિશ્વાસ કેળવાઇ ગયો હતો



તમે સંગીતના શૉખીન હો અને ટીવી ચેનલ્સ પર આવતા ફિલ્મ સંગીતના કાર્યક્રમો માણતા હો તો તમારા ધ્યાનમાં આ ઘટના જરુર આવી હશે. દર શનિ-રવિવારે 'ઇન્ડિયન આઇડોલ' કાર્યક્રમ આવે છે. ઓક્ટોબરના, ઘણું કરીને બીજા કે ત્રીજા સપ્તાહમાં સંગીતકાર પ્યારેલાલે પત્ની સુનીતા સાથે આ પ્રોગ્રામમાં હાજરી આપેેલી. એક ગીતના સંદર્ભમાં એન્કર આદિત્ય નારાયણે ડબ્બુ ઉર્ફે રણધીર કપૂરનો અભિપ્રાય ટાંક્યો એ પછી પ્યારેલાલે ડબ્બુનો આભાર માનતાં શંકર જયકિસનને 'ગુરુઓં કે ગુરુ' કહીને સંબોધ્યા હતા.

છસો જેટલી ફિલ્મોમાં માતબર સંગીત પીરસનારા સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલ જોડીના આ પીઢ સંગીતકાર તરફથી શંકર જયકિસનને અપાયેલી આ અજોડ શબ્દાંજલિ હતી. આ શબ્દો પાછળ શંકર જયકિસન પ્રત્યેના આદર ઉપરાંત એમની પ્રતિભાને બિરદાવવાનો વિરલ પ્રયોગ હતો. અગાઉ પણ એક ઇન્ટરવ્યૂમાં પ્યારેલાલજીએે કહેલું કે અમે શંકર જયકિસન સાથે સાજિંદા તરીકે તાલીમ શરુ કરેલી અને એમની પાસે શીખ્યા કે આમ આદમીને આકર્ષે એવી સરળ અને મધુર તર્જો બનાવવી.

માનવ જીવનના પ્રત્યેક પ્રસંગને અનુરુપ સંગીત શંકર જયકિસને સહજતાથી આપ્યું. એલ વી પ્રસાદ સાઉથના માતબર ફિલ્મ સર્જક ગણાયા છે. શંકર જયકિસને તેમની સાથે બે ફિલ્મો કરી. પહેલી ફિલ્મ છોટી બહન અને બીજી ફિલ્મ બેટી બેટે. બંને ફિલ્મો વચ્ચે પાંચ સાત વર્ષનો ગાળો હતો. બંને ફિલ્મો પારિવારિક કથા ધરાવતી હતી. છોટી બહનમાં આ બંનેએ પહેલું 'રાખડી' ગીત આપ્યું.

'ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના...' ઘેઘુર કંઠ અને દાદુ અભિનય પ્રતિભા ધરાવતા બલરાજ સાહની ઉપરાંત નંદા અને રહેમાન આ ફિલ્મમાં ચમક્યાં હતાં. જરાક ધ્યાનથી આ ગીત ભૈયા મેરે રાખી કે બંધન...ગીતને સાંભળી જુઓ. જ્યુથિકા રૉય માટે સ્વરબદ્ધ કરાયેલા અને પાછળથી ડી વી પળુસ્કર તથા લતાજી સહિત અનેક ગાયકોના કંઠમાં ગૂંજેલા મીરાંના એક ભજનની તર્જ યાદ આવશે. 'પાયો જી મૈંને રામ રતન ધન પાયો...'

છોટી બહનની વાત વચ્ચેથી કરવાનો એક ખાસ ઉદ્દેશ છે. ૧૯૪૭-૪૮માં પોતાની  કારકિર્દી શરુ કરનારા શંકર જયકિસને દસ વર્ષમાં સંગીતકાર તરીકે સારો એવો અનુભવ મેળવી લીધો હતો. એટલે જરા હટ કે કહેવાય એવા પ્રયોગ કરતાં અચકાતા નહોતા. એમના પુરુષાર્થને પ્રારબ્ધનોે સાથ હતો એટલે પ્રયોગો સફળ પણ થયા.

છોટી બહનમાં એમણે એક પ્રયોગ કરેલો. સરખામણી નથી કરવી પરંતુ એક યોગાનુયોગ નોંધવો છે. ગુજરાતી ફિલ્મ દીવાદાંડીનું તારી આંખનો અફિણી.. ગીત દિલીપ ધોળકિયાએ ગાયું હતું. સંગીત રસિકો એમ સમજતા રહ્યા કે મુકેશે ગાયું છે. એવુંજ અવિનાશભાઇના રાખનાં રમકડાં ગીત સાથે થયેલું. આ ગીત  એ આર ઓઝાએ ગાયું છે. મૂકેશના ચાહકોને લાગતું કે મૂકેશે ગાયું છે. 

છોટી બહનમાં એવો એક પ્રયોગ શંકર જયકિસને કર્યો છે. હેમંત કુમાર જેવો કંઠ ધરાવતા બંગાળી ગાયક સુબીર સેન પાસે એક ડયુએટ ગવડાવ્યું. 'મૈં રંગીલા પ્યાર કા રાહી, દૂર મેરી મંજિલ, શોખ નજર કા તીર તૂને મારા, દિલ હુઆ ઘાયલ...' આમ તો હેમંત કુમાર બીજા સંગીતકારો માટે પોતાનો કંઠ આપતા જ રહેલા એટલે એમાં કશી નવાઇ નહોતી.

સાંભળનારા ઘણાએ શરુમાં એમ માની લીધેલું કે આ ગીત હેમંત કુમારે ગાયું છે. પરંતુ આ ગીત લતાજી સાથે સુબીર સેને ગાયું હતું. ત્યારબાદ પણ શંકર જયકિસને ફિલ્મ કઠપૂતલીમાં સુબીરને અજમાવેલા. 'મંજિલ વહી હૈ પ્યાર કી, રાહી બદલ ગયે... 'ગીતમાં સુબીરનો કંઠ લેવાયો હતો. 
બસ, આ બે ફિલ્મો માટે  શંકર જયકિસને સુબીરને લીધા. એ પછી જો કે બીજા સંગીતકારોએ સુબીરને તક આપી ખરી. પણ હિન્દી ફિલ્મ સંગીતમાં સુબીરની ઇનિંગ બહુ લાંબી ન ચાલી. હિન્દી ફિલ્મો માટે સાવ નવોદિત કહેવાય એવા ગાયકને લેવાનો આ પ્રયોગ હતો જે હિટ નીવડયો.

આમ તો છોટી બહનનાં બધાં ગીતો હિટ સાબિત થયાં હતાં. દરેક ગીત વિશે કંઇક કહી શકાય. આપણે માત્ર ઝલક માણીએ છીએ. આ ફિલ્મમાં મૈં રિક્શાવાલા..., મૈં રંગીલા પ્યાર કા રાહી અને ભૈયા મેરે રાખી કે બંધન કો... ત્રણે ગીતમાં રાગ પહાડીનો આધાર લેવાયો હોવા છતાં ત્રણે ગીતો અલગ છટા ધરાવે છે. એ આ સંગીતકારોની ખૂબી છે. 

Comments

  1. વાહ જી વાહ. સુબ્બીરસેને આસકા પંછી ફિલ્મ માટે પણ એક ગીત ગાયું હતું :
    " દિલ મેરા એક આસ કા પંછી, ઉડતા હૈ ઊંચે ગગન પર ..."

    ReplyDelete

Post a Comment