
જુદા જુદા દેશોમાં કેટલીક એનજીઓ પણ પેડલબોર્ડિંગ નામની સ્પોર્ટ પ્રવૃત્તિ દ્વારા આ કાર્ય કરી રહી છે
---------------------------------------------------------------------------------------------------
બહુ દૂરની વાત નથી. ચાલુ વર્ષના સપ્ટેંબરમાં મુંબઇના જુહૂ વિસ્તારના
સમુદ્રતટને સ્વચ્છ કરવા અક્ષય કુમાર, સોનાક્ષઈ સિંહા અને શાહિદ કપૂર જેવા
ફિલ્મ સ્ટાર્સ હાથમાં લાંબા હાથાવાળું ઝાડુ લઇને નીકળી પડયા હતા. એમને
જોઇને દેખાદેખીથી થોડાક નાગરિકો પણ બહાર પડયા હતા. પ્રિન્ટ અને
ઇલેક્ટ્રોનિક મિડિયામાં રિપોર્ટ પ્રગટ-પ્રસારિત થઇ ગયા બાદ આખીય વાતને
સગવડપૂર્વક ભૂલી જવામાં આવી. આજે માત્ર મુંબઇ નહીં, દેશભરના કોઇ પણ બીચ પર
જાઓ તો તૈયાર સ્નેક્સની પ્લાસ્ટિકના પાઉચ, પાણીની બોતલો અને થેલીઓના ઢગલા
દેખાશે. વિદેશોમાં હરિયાળા લેતા આસમાની સમુદ્ર તટને જોઇને મોંફાટ વખાણ
કરનારા આપણે ઘરઆંગણે બીચને સ્વચ્છ રાખી શકતા નથી.
એવા
સમયે લીઝ્ઝા કાર નામની એેક બ્રિટિશ મહિલા એકલપંડે બ્રિટિશ વોટરવેય્ઝને
સ્વચ્છ કરવા નીકળી છે. પેડલબોર્ડ તરીકે ઓળખાતા તરાપા પર એ અણીદાર સળિયો
લઇને નીકળી છે. ત્રણથી ચાર સપ્તાહમાં એ સાડા ત્રણસોથી ચારસો કિલોમીટર જેટલો
વોટરવેય્ઝ સાફ કરવાનો પ્રયાસ કરવાની છે. સાવ એકલી નીકળી પડી છે. સાથે
પીવાનું પાણી, ખોરાક, કેટલીક દવાઓ અને રાતવાસો કરવા કોઇ કિનારે ઊતરવું પડે
તો કેનવાસનો તંબુ મળીને ૩૦ કિલો જેટલો સામાન સાથે લીધો છે.
મોટા
ભાગના બ્રિટિશ અખબારોએ આ વાતની નોંધ લીધી છે. અહીં એેક વાત સમજવા જેવી છે.
મોટા ભાગના પાશ્ચાત્ય દેશોમાં દરિયાઇ મેવા તરીકે ઓળખાતી માછલીઓ પણ રોજિંદા
આહારનો એક ભાગ છે. દરિયામાં ફેંકાયેલા પ્લાસ્ટિકના કચરાને આ માછલીઓ પણ ખાઇ
જાય છે. એ માછલી ઘરઘરાઉ ખોરાકના ભાગ રુપે આવી જાય ત્યારે માણસના પેટમાં
જાય છે અને બીમારી નોતરે છે.

દરિયામાં
એટલું બધું પ્લાસ્ટિક આવ્યું ક્યાંથી એવો સવાલ નહીં પૂછતા. લગભગ દુનિયા
આખીના દેશોમાં તરતા રાજમહેલ જેવી લક્ઝરી ક્રૂઝના હુલામણા નામે ઓળખાતી તરતા
રાજમહેલ જેવી ફાઇવ સ્ટાર સ્ટીમર્સ બારે માસ ફરતી હોય છે. એ દરેકની
ઉતારુ-ક્ષમતા પાંચસો સાતસોથી માંડીને પાંચ હજાર પર્યટકોને લઇ જવાની હોય છે.
એમાંથી રોજ હજારો ટન પ્લાસ્ટિક દરિયામાં ફેંકાય છે. (એક ટન એટલે એક હજાર
કિલો.)
હવે તમેજ ગણતરી કરો. રોજ હજારો ટન પ્લાસ્ટિક
દરિયામાં ફેંકાતું હોય દરિયાઇ જીવસૃષ્ટિ પર કેવી વીતે ? એ દરિયાઇ મેવેા
આરોગનારા લોકોના આરોગ્ય પર કેવી ઝેરી અસર થાય ? લીઝા કાર આ મિશનરી કાર્યમાં
એકલી નથી. જુદા જુદા દેશોમાં કેટલીક એનજીઓ પણ પેડલબોર્ડિંગ નામની સ્પોર્ટ
પ્રવૃત્તિ દ્વારા આ કાર્ય કરી રહી છે. પેડલ અગેઇન્સ્ટ પ્લાસ્ટિક, પ્લાસ્ટિક
ટાઇડ્સ, એચટુઓ ટ્રાશ પેટ્રોલ, જેવાં નામ ધરાવતી આ એનજીઓ ગાંઠના પૈસે
સ્વાર્થ (ખરેખર તો સ્પોર્ટ ) સાથે પરમાર્થ જેવું કામ કરી રહી છે.
દિલ્હી કે અમદાવાદ જેવા વિસ્તારોમાં હવામાં જે પ્રદૂષણ છે એની વાતો
બધાં જાણે છે. દરિયાઇ પ્રદૂષણ વિશે ઝાઝું લખાતું નથી એટલે એ વિશે લોકોને
જાગૃત કરવાનું એક આંદોલન પણ યૂરોપના દેશોમાં ચાલી રહ્યું છે. એ તરફ વધુ ને
વધુ લોકોનું ધ્યાન ખેંચાય તો જળ પ્રદૂષણ અટકાવવાની દિશામાં માતબર કામ થઇ
શકે. વિચારવા જેવું છે.
આ આંદોલન કરતી વિદેશી એનજીઓ જાતે
પોતાનો ખર્ચ ઉપાડે છે. જો કે હવે તો હોલિવૂડના મેગાસ્ટાર લિયોનાર્દો દ
કેપ્રિયો જેવા કલાકારો પણ આ દિશામાં પ્રવૃત્ત થયા છે અને તન-મન-ધનથી સહાય
પણ કરી રહ્યા છે. માત્ર મોડેલિંગ દ્વારા વિડિયો ક્લીપથી અટકતા નથી. પોતાના
ટાઇટ શૂટિંગ શિડયુલમાંથી થોડો સમય કાઢીને આ લોકોની સાથે પેડલબોર્ડિંગ કરવા
પણ જાય છે.
માત્ર મુંબઇના જુહૂ બીચને જ નહીં, ડુમસ,
દ્વારકા, દીવ દમણ વગેરે બીચને પણ કાયમ માટે સ્વચ્છ રાખવાનું ભગીરથ કાર્ય
આપણે ત્યાં ઉદ્યોગપતિઓ અને લોકપ્રિય ખેલાડીઓ ઉપાડી લે તો એ પણ સ્વાર્થ સાથે
પરમાર્થ જેવું ગણાશે. ભારતમાં પણ દરિયાઇ મેવાને રોજિંદા આહારમાં લેતા
લોકોની કમી નથી. બીચ સ્વચ્છ થતાં સહેલાણીઓ ઉમટે અને પ્રવાસ પર્યટન ઉદ્યોગને
પણ માતબર લાભ થઇ શકે. જોઇએ, કોના હૈયે રામ વસે છે...!
Comments
Post a Comment