જનરલ બિપિન રાવતની ટકોરનું તોડીમરોડીને કરાઇ રહેલું વિકૃત અર્થઘટન ગેરવાજબી ...



----------------------------------------------------------------------------------------------------
આફત આવે ત્યારે નાગરિકોની વહારે લશ્કરના જવાનોજ આવે છે  
------------------------------------------------------------------------------------------------------
 
*વિદાય લઇ રહેલા ૨૦૧૯ના જુલાઇની ૩૧મીએ વડોદરામાં બાર કલાકમાં પચાસ ઇંચ વરસાદ પડયો અને અભૂતપૂર્વ પૂર આવ્યાં. લાખો લોકોના જીવ તાળવે ચોંટયા. દિવસ રાત કે ભૂખ-તરસની પરવા કર્યા વિના ભારતીય લશ્કર આમ આદમીની વહારે ચડયું. ઘડિયાળની સામે જોયા વિના જવાનો સતત રાહતકાર્ય કરતા રહ્યા...

*વિદાય લઇ રહેલા વર્ષ દરમિયાન પાકિસ્તાને સીમાડા પર ૩૨૦૦ (બત્રીસસો વખત) નાયુદ્ધ કરારનો ભંગ કર્યો અને સતત તોપમારો તથા ગોળીબાર કર્યા. આંખોમાં તેલ આંજીને ભારતીય લશ્કરના જવાનો સતત સીમાડા સાચવતા રહ્યા. બે ચાર જવાન શહીદ પણ થઇ ગયા...

* છેક ૧૯૮૯થી કોઇ પૂર્વ ઉશ્કેરણી વિના જમ્મુ કશ્મીરમાં કહેવાતા જિહાદી આતંકવાદીઓ સતત લોહી રેડી રહ્યા છે. ગૂમરાહ થયેલા કેટલાક ટીનેજર્સ એમને સાથ આપીને સિક્યોરિટી દળો પર સતત પથ્થરમારો કરતા રહ્યા. વીતેલા વર્ષના ઑગસ્ટની ૫મીએ જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી ૩૭૦મી કલમ રદ કરાઇ ત્યારથી લગભગ બે અઢી મહિના ભારતીય લશ્કરના જવાનો ખડે પગે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં વહીવટી તંત્રને મદદ કરતા રહ્યા...


આ ત્રણ ચાર ઘટનાઓ ચોક્કસ હેતુપૂર્વક અહીં રજૂ કરાઇ છે. બીજી પણ કેટલીક ઘટનાઓ રજૂ કરી શકાય. કોમી રક્તપાત, પૂર કે ધરતીકંપ જેવી કુદરતી આપત્તિ, ગંભીર અકસ્માત કે અન્ય કટોકટી પ્રસંગે ભારતીય લશ્કર સદા નાગરિકોની વહારે દોડયું છે. 

પોતાના જાનમાલની પરવા કર્યા વિના આમ આદમીની વહાર કરી છે. ક્યારેક સતત ત્રીસ બત્રીસ કલાક સુધી ખાધાપીધા વિના કે ઊંઘ આરામની પરવા કર્યા વિના મુલકી (સિવિલ ) કામગીરી કરી છે. ભારતીય લશ્કર સદૈવ ખરા અર્થમાં 'ભારતીય' પુરવાર થયું છે.

આટલી પૂર્વભૂમિકા પછી મુખ્ય વાત કરીએ. ગયા અઠવાડિયે ભારતીય લશ્કરના વડા જનરલ બિપિન રાવતે એક ચોક્કસ સંદર્ભમાં કહ્યું કે ટોળાને આગજની અને હિંસા તરફ વાળે એ નેતા ન કહેવાય... આ વિધાનને પકડી લઇને કેટલાક બોલકણા નેતાઓ તૂટી પડયા. '

લશ્કરના અધિકારીએ રાજકીય નિવેદનો ન કરવાં જોઇએ' એવી સૂફિયાણી સલાહ આપવામાં આવી. આપણે કોઇનાં નામ નથી લેવાં પરંતુ આવી સલાહ આપનારા નેતાઓ ભીડને ભડકાવવ માટે પંકાયેલા છે. હકીકત એ છે કે જનરલ રાવતે કડવું સત્ય ઉચ્ચાર્યું એ આ લોકોને મરચાં જેવું લાગી ગયું.

૧૯૮૪ના ઓક્ટોબરની ૩૧મીએ ત્યારના વડા પ્રધાન ઇંદિરા ગાંધીની તેમના શીખ અંગરક્ષકો દ્વારા હત્યા થઇ એ પછી ફાટી નીકળેલા શીખ વિરોધી હત્યાકાંડ કે સાબરમતી એક્સપ્રેસના કારસેવકોના ડબ્બાને બાળી નખાયો ત્યાર પછી થયેલો ગોધરાકાંડ- બંનેમાં જે તે શાસક પક્ષના નેતાઓ સંડોવાયા હતા એ અદાલતોમાં પુરવાર થઇ ચૂક્યું છે. તો પછી જનરલ રાવતના નિવેદનને મારી મચડીને રાજકીય નિવેદન ગણાવવાની નિર્લજ્જ-નફ્ફટ કવાયત શા માટે ? 

હિંસા થાય કે કુદરતી આફત આવે ત્યારે નાગરિકોની વહારે લશ્કરના જવાનોજ આવે છે. લશ્કરનું કામ શત્રુ સામે લડવાનું અને સીમાડા સાચવવાનું છે, સિવિલ વહીવટી તંત્રને મદદ કરવા માટે દુનિયાનો કોઇ દેશ લશ્કર રાખતો નથી. સિવિલ કામગીરી માત્ર રાષ્ટ્રીય કટોકટી વખતે કરવાની આવે છે. 
તમામ રીતે તટસ્થ અને નિષ્પક્ષ એવા લશ્કરને બિરદાવવાને બદલે લશ્કરી વડાના નિવેદનના મુદ્દે પોલિટિક્સ ખેલવાની આ રમત બહુ જોખમી છે. દુનિયાના જે જે દેશોમાં લશ્કરી બળવા થયા છે એનો ઇતિહાસ નેતાલોગે વાંચી જવા જેવો છે. 

ગમે ત્યારે ગમે તે મુદ્દે બફાટ કરવા આપણા નેતાઓ જગમશહૂર છે. એમનાં વિધાનો નર્યો બકવાસ હોય છે એ હવે તો નાગરિકો પણ સમજી ગયા છે. ઉંમર ગમે તેટલી હોય અને શૈક્ષણિક યોગ્યતા ગમે તેટલી હોય, અંતે તો બોલનારની વાણી એના અસલી વ્યક્તિત્વને પ્રગટ કરે છે. થોડામાં કહ્યું છે, ઝાઝું કરીને વાંચજો વીરા...


Comments