ભૈરવી સર્વદા સુખદાયિની...! નો વાસ્તવિક અહેસાસ રસિકજનોને શંકર જયકિસને પહેલીવાર કરાવ્યો...



સંગીતશાસ્ત્રમાં ભલે ભૈરવીને પ્રાતઃકાળની રાગિણી ગણાવવામાં આવી હોય. મ્યુઝિક કોન્ફરન્સીઝમાં મોટે ભાગે ભૈરવી પરાકાષ્ઠા રુપે છેલ્લે રજૂ થાય છે. જોગસંજોગ તો જુઓ. આજે ૨૦૧૯નો છેલ્લો શુક્રવાર છે. આપણે આજે શંકર જયકિસનનાં ભૈરવી આધારિત થોડાંક  ગીતોની વાત કરીને ભૈરવીને વિદાય આપવાનાં છીએ. ગયા શુક્રવારે આપણે ભૈરવી આધારિત ગીતોનો આસ્વાદ શરુ કર્યો હતો. આજે એને માણીને વિદાય આપીએ. 

જ્યારે જ્યાં તક મળી ત્યાં શંકર જયકિસને ભૈરવી અજમાવી છે. ફિલ્મોમાં મોટે ભાગે પ્રણયની વિવિધ સંવેદના પર આધારિત ગીતો રચવાની તક વધુ ઊભી થતી હોય. એટલે સાહિત્યમાં વર્ણવાયેલા નવે નવ રસ પર આધારિત ગીતો ન પણ બને. જો કે શંકર જયકિસનની બાબતમાં ક્યારેક તો એવું પણ બન્યું કે ફિલ્મનાં ૯૦ ટકા ગીતો ભૈરવીમાં હોય. ભૈરવી સંગીતકારની રગેરગમાં વ્યાપ્ત હોય ત્યારેજ એવું શક્ય બને.

ભૈરવી આધારિત ગીતોમાં શંકર જયકિસને ઔર એક અલગ પ્રકારનો પ્રયોગ કર્યો છે. એ તરફ તમારું ધ્યાન ગયું કે નહીં ? બે ત્રણ દાખલા લઇને વાતને સ્પષ્ટ કરીએ. મોબાઇલમાં ઇન્ટરનેટ કનેક્શન હોય તો આ ગીતો યુ ટયુબ કે ગાના ડૉટ કોમ પર સાંભળી પણ શકો. 'તુમ આજ મેરે સંગ હંસ લો તુમ આજ મેરે સંગ ગા લો...' (ફિલ્મ આશિક), 'મેરા નામ રાજુ ઘરાના અનામ, બહતી હૈ ગંગા જહાં મેરા ધામ...,' (ફિલ્મ જિસ દેશ મેં ગંગા બહતી હૈ), 'મેરે મન કી ગંગા ઔર તેરે મન કી જમુના કા બોલ રાધા બોલ સંગમ...' અને 'હર દિલ જો પ્યાર કરેગા, વો ગાના ગાયેગા..'  ( બંને ગીતો સંગમ).
તો હવે વાંચજો ધ્યાનથી. આ ચારે ગીતમાં રાજ કપૂર, મૂકેશ, ભૈરવી રાગિણી અને શંકર જયકિસન ઉપરાંત તમને કોઇ વિશિષ્ટતા ધ્યાનમાં આવી કે ? ન આવી હોય તો કહી દઉં. 'તુમ આજ મેરે સંગ'માં મૂકેશ ગાતાં ગાતાં ઢોલકનો અવાજ પોતાના કંઠ દ્વારા રજૂ કરે છે. ઢોલકના તાલના બોલ નહીં, માત્ર હમીંગ જેને શબ્દોમાં વ્યક્ત કરવાનું અઘરું છે.
 'મેરા નામ રાજુ ઘરાના અનામ'માં ડફ વાગે છે. 'મેરે મન કી ગંગા, ઔર તેરે મન કી જમુના...' ગીતમાં (સામાન્ય રીતે ભારતીય લશ્કરના બેન્ડમાં જોવા સાંભળવા મળતી) બેગપાઇપ વાગે છે. 'હર દિલ જો પ્યાર કરેગા' રાજ કપૂર એકોર્ડિયન વગાડતો દેખાય છે. આવ્યું ધ્યાનમાં ? શંકર જયકિસને ભૈરવી આધારિત ગીતોના ઓરકેસ્ટ્રેશનમાં પણ કેવું વૈવિધ્ય સર્જ્યું છે ! 'સજન રે જૂઠ મત બોલો...' ગીતમાં એક તંતુવાદ્ય દ્વારા લય જળવાતો અનુભવાય છે. અરાઉન્ડ ધ વર્લ્ડના ટાઇટલ ગીતમાં વિદેશી લયવાદ્યો ગૂંજે છે. 

આમ માત્ર એક રાગિણી પર આધારિત ગીતોની બંદિશ અલગ અલગ હોય એટલાથી આ બંનેને સંતોષ થતો નથી. એ તો બીજી કોઇ રીતે પણ ગીતને અન્ય ગીતથી અલગ અને વિશિષ્ટ બનાવવાનો પ્રયાસ કરે છે. અગાઉ તમને કહેલું, ફિલ્મ સૂરજમાં 'કૈસે સમજાઉં...' ગીતમાં રાજેન્દ્ર કુમારને શરણાઇ વગાડતો દેખાડયો છે. 
એકવાર ગીતનું રેકોર્ડિંગ થઇ જાય પછી ડાયરેક્ટર સાથે એના ફિલ્માંકનની ચર્ચા પણ શંકર જયકિસન જરુર કરતાં હશે. ગીતને માત્ર સ્વરોથી સજાવીને આ બંને સંતોષ માનતા નથી એવું ફાઇનલ રિઝલ્ટ જોયા પછી આપણને સમજાય છે. 

રાજ કપૂર ઉપરાંત શમ્મી કપૂરનાં ઘણાં ગીતોમાં પણ આવા પ્રયોગો થયા છે. તમે દિલ તેરા દિવાનાનું ટાઇટલ ગીત સાંભળો કે ફિલ્મ જંગલીનું ટાઇટલ ગીત સાંભળો. બંને ભૈરવી હોવા છતાં બંનેની છટા નિરાલી છે, બંનેની મસ્તી અલગ છે એ તરત પરખાઇ જાય છે. ભૈરવીનાં ગીતોની આ ઝલક બહુ ટૂંકી છે પરંતુ આપણે બીજા રાગો પર આધારિત ગીતોનોે આસ્વાદ પણ લેવાનો છે. એટલે ક્ષમસ્વ મે...

Comments

  1. Thanks, Ajitbhai for sharing BHAIRAVI'S nice interpretation regarding Shankar-Jaykishan and Rajkapoor's film.

    ReplyDelete

Post a Comment