મૌસમ ખીલ ઊઠા હૈ મૌસિકી કા.. કડકડતી ટાઢ ઊડાડતા સંગીત સમારોહોની ઝલક


                                
દુનિયામાં થતા ચિત્રવિચિત્ર વિશ્વવિક્રમોની નોંધ લેતા ગિન્નેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડઝ્માં નોંધાયા મુજબ દુનિયાનો સૌથી મોટો અને સૌથી લાંબો સમય ચાલનારો વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિક ફેસ્ટિવલ અમેરિકાના વીસ્કોન્સીનમાં સમરફેસ્ટ તરીકે યોજાય છે. એ અગિયાર દિવસનો હોય છે અને એમાં પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતના દિગ્ગજો વચ્ચે રસાકસી થાય છે. ભારતીય શાસ્ત્રીય સંગીતનો સૌથી મોટો સમારોહ બાંગ્લા દેશના ઢાકાના આર્મી સ્ટેડિયમમાં ૨૦૧૨થી નિયમિત યોજાતો થયો છે. અહીં કેટલીક વાર તો ત્રીસથી પાંત્રીસ હજારથી પણ વધુ સંગીતરસિકો હાજરી આપે છે.

 જો કે હવે બાંગ્લા દેશ સ્વતંત્ર અલગ રાષ્ટ્ર હોવાથી એ બેંગોલ મ્યુઝિક કોન્ફરન્સના નામે વધુ ઓળખાય છે. વિદેશમાં ભારતીય સંગીતનો સૌથી સમારોહ પણ અમેરિકામાં ક્લીવલેન્ડમાં યોજાય છે. એ સમારોહ ક્લીવલેન્ડ ત્યાગરાજ આરાધનાના નામે ઓળખાય છે. આ સમારોહ બાર દિવસનો હોય છે. આ બધાંમાં આપણે ગુજરાતીઓ ક્યાં એવો સવાલ તમને કદાચ થાય તો આગળ વાંચો. 

શિયાળો શરુ થાય એટલે દેશના વિવિધ વિસ્તારોમાં શાસ્ત્રીય સંગીત સમારોહો યોજાવા માંડે. જલંધરમાં હરિવલ્લભ સંગીત સમારોહ, ગ્વાલિયરમાં તાનસેન સંગીત સમારોહ, હૈદરાબાદમાં પંડિત મોતીરામ સંગીત સમારોહ, પૂણે (મહારાષ્ટ્ર)માં સવાઇ ગંધર્વ સંગીત સમારોહ, વારાણસીમાં યોજાતો સંકટ મોચન સંગીત સમારોહ, આપણો પોત્તાનો તાનારીરી સંગીત સમારોહ... બસ, બસ. અહીં યાદી આપવાનો હેતુ નથી.


 ગિન્નેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડઝ્ને જે કહેવું હોય તે, સૌથી લાં...બો અને સૌથી પ્રતિષ્ઠિત સંગીત સમારોહ ગુજજાતના અમદાવાદમાં યોજાય છે. છેક ૧૯૮૦-૮૧થી યોજાતો સપ્તક સંગીત સમારોહ બે-ચાર નહીં, તેર તેર રાત્રિઓ સુધી યોજાય છે અને એમાં પોતાના માનીતા કલાકારોને સાંભળવા છેક અમેરિકા, ઇંગ્લેંડ, કેનેડા અને ઓસ્ટ્ર્ેલિયાથી સંગીત રસિકો ઉમટી પડે છે. 

પહેલીવાર કોઇ સાંભળે તો કદાચ માની પણ ન શકે એેવો આ સંગીત સમારોહ ધીમે ધીમે સુવર્ણ જયંતી ઊજવવા તરફ આગળ વધી રહ્યો છે. ભગીરથ સ્વર્ગમાંથી ગંગાને પૃથ્વી પર લઇ આવ્યો એવી પુરાણ કથા છે. આપણા માટે પુરાણકથા એટલે હજારો વરસ પહેલાંની વાત. 'સપ્તક' તો આજની વાત છે, સૌની સામેની વાત છે. ખરેખર ભગીરથ કાર્ય છે. કારણ, ધુરંધર કલાકારોને નોતરવા સહેલા છે, પરંતુ એક કલાકારનો અહં બીજા કલાકાર સાથે ટકરાઇ ન જાય એની તકેદારી ક્ષણે ક્ષણે રાખવી પડે. આ સંદર્ભમાં ફિલ્મ સંગીતકાર કલ્યાણજીભાઇ (કલ્યાણજી આનંદજી ફેમ)ને યાદ કરવા જેવા છે. ફિલ્મ સૃષ્ટિમાં સૌ કોઇને, અરે સગ્ગા મોટાભાઇને હુલ આપતા કિશોર કુમારની વાત નીકળી ત્યારે કલ્યાણજીભાઇએ કહ્યું, કલાકારો નાનાં બાળક જેવાં હોય છે. એમનો અહં પંપાળો તો તમે માગો તે આપે. અમને કિશોર કુમારનો કદી કોઇ ખરાબ અનુભવ થયો નથી...

તો બાત યહ હૈ... ગાયન,વાદન અને નર્તનના દિગ્ગજ કલાકારો હાજર હોય ત્યારે તલવારની ધાર પર ચાલવા જેવી પરિસ્થિતિ આયોજકોની હોેય. દરેક કલાકારના માન-આદર જળવાઇ રહે એ રીતે પ્રત્યેક પળે જાગ્રત અને સાવધ રહેવું પડે. તેર તેર રાત સુધી રોજની સરેરાશ ત્રણ બેઠકોના હિસાબે ૩૯ મુખ્ય કલાકારો અને રોજના સરેરાશ બે (હાર્મોનિયમ અને તબલાં) સંગતકારો એટલે ૨૪ બીજા- આમ ૬૦થી ૬૫ કલાકારોની ઝીણામાં ઝીણી સગવડ સાચવવી અને સંગીત રસિકો રીઝે એ રીતે પ્રસ્તુતિ થાય એ લોઢાના ચણા ચાવવા જેવો પ્રયોગ થયો. આજે ચચ્ચાર દાયકાથી એ પરંપરા જળવાઇ રહી છે એ જેવી તેવી સિદ્ધિ નથી.

એક સમય હતો જ્યારે એમ કહેવાતું કે ઉત્તમ ગાના, મધ્યમ બજાના ઔર કનિષ્ઠ નાચના. આજે એવું રહ્યું નથી. સંગીતની ત્રણે ત્રણ શાખામાં આજે ટોચના કલાકારો મોજુદ છે અને પોતપોતાના ક્ષેત્રમાં દિગ્ગજ પુરવાર થયા છે. અવતારી સાધકો ગણાય એવા આ કલાકારોને ગુજરાત અને ગુજરાતના સંગીતરસિકો લાડ લડાવે છે. એેના દ્વારા ભારતીય સંગીતનું સંવર્ધન કરે છેે. એ માટે દરેક ગુજરાતીએ ગૌરવ અનુભવવું જોઇએ.
--------------  

Comments