પાંદડાં, ફળ કે ડાળી તોડતાં પહેલાં વૃક્ષને નમન કરીને કદી આગોતરી પરવાનગી માગો છો ખરા ?




'અરે ગુણુ, દોડ દોડ જલદી, જો પેલો મોગરાનો છોડ ચીસો પાડે છે કે મા મને બચાવો, મા મને બચાવો... માળીને રોકી દે..કોમળ છોડ પર ધારદાર ઓજાર ન ચલાવે...' માએ પોતાના વિશ્વાસુ ચાકરને દોડાવ્યો. કંઇ યાદ આવે છે ? અધ્યાત્મમાં રસ હોય તો આ ઘટના તમને તરત યાદ આવશે. સંસારી જીવનમાં નિર્મલા (પિતા બિપિન બિહારી ભટ્ટાચાર્ય અને માતા મોક્ષદાની પુત્રી) અને અધ્યાત્મ જીવનમાં માતા આનંદમયી તરીકે જાણીતા વિશ્વવિખ્યાત સંતના જીવનની આ ઘટના છે. માતા આનંદમયીનું જીવન ચરિત્ર વાંચ્યું હોય તો આ ઘટનાથી તમે જરુર પરિચિત હશો. 

આશરે દોઢસો વર્ષ પહેલાં યોગાનુયોગે ઔર એક બંગાળી મહાનુભાવ-વૈજ્ઞાાનિક ડૉક્ટર જગદીશ ચંદ્ર બસુ (કે બોઝ)એ ક્રેસ્કોગ્રાફ નામે યંત્ર શોધ્યું હતું જે વૃક્ષ-વનસ્પતિના મનોભાવોની અલ્ટ્રાસોનિક સાઉન્ડવેવ્સ દ્વારા નોંધ કરતું હતું. ન સમજાયું હોય તો ફરી વાંચો આ વાક્ય. 'વૃક્ષ-વનસ્પતિના મનોભાવો'. ડૉક્ટર બસુએ પહેલીવાર આખી દુનિયા સમક્ષ જાહેર કર્યું હતું કે અધ્યાત્મના અભ્યાસીઓ સાચું કહે છે, આ સૃષ્ટિમાં કશું નિર્જીવ નથી, દરેક નિર્જીવ ગણાતી ચીજોમાં સૂક્ષ્મ સ્વરુપે જીવ હોય છે.
આપણી મોટા ભાગની પુરાણકથાઓમાં એવી વાત આવે છે કે ઋષિ મુનિઓે કોઇ વૃક્ષનું પાન, ફળ કે ડાળી તોડતાં પહેલાં એ વૃક્ષને નમસ્કાર કરીને એની રજા માગતા કે હું તમારું એકાદ અંગ ખોરવી રહ્યો છું માટે મને ક્ષમા કરજો.. મને અમુક તમુક કાર્યવિધિ માટે તમારા આ અંગ (પાન-ફળ-મૂળ, થડની છાલ કે ડાળી)ની જરુર પડી છે... ગયા ગુરુવાર ૧૨ ડિસેંબરનાં અખબારોમાં એક સમાચાર પ્રગટ થયા હતા. એનો સાર એેવો હતેા કે તેલ અવીવની કોઇ યુનિવર્સિટીએ સંશોધન કર્યું છે કે વૃક્ષ-વનસ્પતિ પર ઘા થાય ત્યારે એ પણ ચીસો પાડે છે જે ૨૦ કિલોહર્ટઝ્ અલ્ટ્રાસોનિક ફ્રિકવન્સી પર ઝીલાયું હતું. આજની પેઢીનાં બાળકોેને આવા સમાચાર વાંચીને વિસ્મય થાય.

પરંતુ આ વાત ડૉક્ટર જગદીશ ચંદ્ર બસુએ દોઢસો વર્ષ પહેલાં કરી હતી. રહી આપણા સાધુ-સંતોની વાત. ગૂઢ વિદ્યા તરીકે ઓળખાતા અધ્યાત્મનો સાર એટલેા જ છે કે સમગ્ર સૃષ્ટિમાં માણસ એકલો નથી. બીજા અસંખ્ય જીવો છે. ઉમાશંકર જોશીની કવિતા છે, તમને યાદ હોય તો- 'વિશાળે જગ-વિસ્તારે નથી એકજ માનવી...પશુ છે, પંખી છે ને વૃક્ષોની છે વનસ્પતિ...' (શબ્દફેર હોય તો માફ કરજો.) ઘણું કરીને સંત તુકારામના જીવનનો એક પ્રસંગ છે કે એક માણસ એના બળદને આર ભોંકતો હતો એને અટકાવીને તુકારામે એ આરના જખમ પોતાના શરીર પર થયેલા દેખાડયા હતા. આવી વાતો કાલ્પનિક હોતી નથી. 

સમગ્ર વૈશ્વિક ચેતના સાથે એકરુપ થઇ ગયેલા સાધુસંતો આ પ્રકારના સૂક્ષ્માતિસૂક્ષ્મ અનુભવ કરી શકતા. રોજ લાખ્ખો વૈષ્ણવો તુલસીનું પાન તોડે છે. કેટલા વૈષ્ણવો તુલસીની પરવાનગી માગે છે ? શાકભાજી કે ફળોના બગીચા ધરાવતા કેટલા લોકો શાક કે ફળ તોડતાં પહેલાં જે તે વૃક્ષની ક્ષમા માગે છે ? આજે સમગ્ર વિશ્વમાં અનાજ, શાકભાજી અને ફળોની તંગી પ્રવર્તી રહી છે ત્યારે આ પ્રયોગ કરવા જેવો છે. સૌરાષ્ટ્રના કેટલાક ગોપાલકોએ પોતાની ગૌશાળામાં ઉસ્તાદ બિસ્મીલ્લા ખાનની શરણાઇ કે પંડિત પન્નાલાલ ઘોષના બાંસુરીવાદનની ટેપ મૂકીને ગાયો નોર્મલ કરતાં વધુ દૂધ આપે છે એવા સફળ પ્રયોગો કર્યા છે. ખેતીવાડીમાં પણ આવા પ્રયોગો થયા છે. માત્ર ઉત્પાદન વધે છે એમ નહીં, સંગીત સંભળાવવાથી જે ઉત્પાદ્ય મળે છે એની ગુણવત્તા પણ ચડિયાતી નીવડી હોવાનું આ પ્રયોગોમાં જાણી શકાયું હતું.

વાંચીને વિચારજો. રોજબરોજના જીવનમાં કામ લાગે એવી વાત છે. માતા આનંદમયી જેવી ઘટના ઘણા સાધુસંતો સાથે બની હતી. એનો અલગ ઇતિહાસ છે. માત્ર સાધુ સંતોની વાત નથી. ગામડાગામમાં ઘણા ગોપાલકો પોતાની ગાય કે ભેંસ સાથે વાત કરતા હોય છે અને ગાય કે ભેંસ પણ એ વાત સાંભળતી અને સમજતી હોય એવા પ્રતિભાવ આપે છે. વસુધૈવ કુટુંબકમ્નો સાચો અર્થ આ છે.
----------------------      

Comments