શંકર જયકિસને ઉત્તર-દક્ષિણના જુદા જુદા રાગરાગિણી સહજતાથી અજમાવ્યા હતા



ફિલ્મ સંગીતના સુવર્ણયુગ તરીકે ઓળખાતા બે અઢી દાયકા દરમિયાન લગભગ દરેક ફિલ્મ સંગીતકારે યથાશક્તિ શાસ્ત્રીય સંગીત પર આધારિત ગીતો રચ્યાં. કોઇ કહેતાં કોઇ સંગીતકાર એમાં બાકી નહોતા. પરંતુ પેલી લોકોક્તિ છે ને, દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહિયે... વિજયભાઇ ભટ્ટની ફિલ્મ 'બૈજુ બાવરા' આવી, સુપરહિટ નીવડી કે તરત ચોતરફ સંગીતકાર નૌશાદની વાહ્ વાહ્ થઇ ગઇ. ખરી કે ખોટી એવી હવા સર્જાણી કે શાસ્ત્રીય સંગીત તો ભૈ નૌશાદનું. બીજાનું એમાં બહુ ઉપજે નહીં.

એમાંય બૈજુ બાવરામાં બબ્બે ધુરંધર ગવૈયાનો કંઠ અજમાવાયો હતો- ઉસ્તાદ અમીર ખાન (આમીર ખાન નહીં ભૈ, આમિર ખાન પોતાના નામના સ્પેલિંગમાં બબ્બેે એ લગાડે છે-  AAMIR KHAN.) અને પંડિત ડી વી પળુસ્કર. બૈજુ બાવરાએ સુવર્ણ જયંતી ઊજવી હતી એટલે કે પચાસ સપ્તાહ સુધી ફિલ્મે તગડો બિઝનેસ કર્યો હતો. દેખીતી રીતેજ એક ચોક્કસ લૉબી  દ્વારા સંગીતકાર નૌશાદ ગણતરીપૂર્વકનો જયજયકાર કરાતો હતો.

વાસ્તવમાં દરેક સંગીતકાર અથવા એમ કહો કે દરેક સંગીત રસિકને પોતાને ગમતો કે માનીતો કોઇ રાગ હોય છે. એમ તો નૌશાદ પોતે પણ કહેતા કે બાળપણમાં મારા મામા સાથે એક લોકમેળામાં જતો ત્યાં એક વાંસળીવાળો વાંસળી પર કોઇ ધૂન વગાડતો, એને સાંભળીને હું સ્થળ-કાળ ભૂલી જતો. સંગીત સમજતો થયો ત્યારે ખ્યાલ આવ્યો કે એ ભૈરવી છેડતો હતો. બસ, મને પણ ભૈરવી પ્રિય થઇ પડયો. સાચી વાત છે.

 નૌેશાદ સાહેેબે પણ ભૈરવીમાં ઘણાં યાદગાર ગીતો આપ્યાં. સાથોસાથ સી રામચંદ્ર, ઓ પી નય્યર, મદન મોહન, એસડી બર્મન, ચિત્રગુપ્ત, કલ્યાણજી આનંદજી, લક્ષ્મીકાંત પ્યારેલાલ વગેરે બીજા સંગીતકારોએ પણ આ રાગિણીની સાધના કરેલી. લગભગ બધાએ  ભૈરવીમાં અદ્ભુત ગીતો આપ્યાં છે. વેલ વેલ, વાત થોડી આડે પાટે ચડી ગઇ. મુખ્ય વાત પર પાછાં ફરીએ.    

નૌશાદ સાહેબની વધુ પડતી વાહ્ વાહ્થી કદાચ, યસ્સ કદાચ જ, શંકર જયકિસનને ઓછું આવી ગયું. આખરે તો મારા તમારા જેવા માણસ હતા. ઓછું તો આવે જ ને ! એમને ઓછું આવ્યું એમાં આપણને બહુ મોટો લાભ મળી ગયો. લાગણી દૂભાવાના આ સંવેદને એમને ફિલ્મનાં તમામ ગીતો રાગ આધારિત હોય એવી અને રાગદારી આધારિત ગીતો આપી શકાય એવી ફિલ્મો કરવાની પ્રેરણા આપી. એટલુંજ નહીં, એમાં શાસ્ત્રીય સંગીતના કોઇ ધુરંધરને અજમાવવા એવું પણ આપસમાં નક્કી થઇ ગયું.

એ વિશે વધુ વિગતે વાત કરવા અગાઉ અન્ય એક મુદ્દાની છણાવટ જરુરી જણાય છેે. શંકર જયકિસનનું નામ આવે એટલે ખરીખોટી એવી માન્યતા મનમાં આવે કે ભૈરવી અને શિવરંજની પર આ બંનેએ મબલખ સર્જન કર્યું. આ વાત સાચી ખરી પણ અડધી. માત્ર ભૈરવી અને શિવરંજની પર આ બંને પચીસ ત્રીસ વર્ષ ટક્યા નથી. બેશક, ભૈરવી અને શિવરંજનીમાં પણ એમણે વિપુલ વૈવિધ્ય પીરસ્યું છે. આ બે રાગ-રાગિણીમાં વિવિધ સંવેદનો પ્રગટ કર્યાં છે. 

બીજા પણ કેટલાક એવા પ્રયોગો કર્યા છે જે એમની આગવી ઓળખ ઊભી કરે છે. સાથોસાથ એ વાતની પણ નોંધ લેવી રહી કે આ બંનેએ યમન, પીલુ, માલકૌંસ, શુદ્ધ કલ્યાણ, નટભૈરવ, ભૂપાલી, ગારા, બસંત મુખારી, જયજયવંતી, ઝિંઝોટી, જોગિયા, હમીર, બાગેશ્રી, રાગેશ્રી, કીરવાણી, મિયાં મલ્હાર, બસંત-બહાર, ચારુકેશી, મિયાં કી તોડી, દરબારી, કલાવતી, બિહાગ અને પહાડી રાગો પણ અજમાવ્યા હતા. 

આ રાગોમાં કીરવાણી, ચારુકેશી, કલાવતી વગેરે સાઉથના એટલે કે કર્ણાટક સંગીતના રાગો છે. શંકર જયકિસને બંને તરફના રાગો અજમાવ્યા છે. આ યાદીમાં હજુ બેચારનો ઉમેરો કરી શકાય. માત્ર પોણા બસો ફિલ્મો, તેરસો ચૌદસો ગીતો અને છતાં આટલા બધા રાગ અજમાવ્યા, એ જેવી તેવી સિદ્ધિ ન ગણાય ! રાગ આધારિત ગીતોમાં પણ કેટલાક તો અદ્ભુત પ્રયોગ હતા જેનો આસ્વાદ હવે પછી આપણે માણવાના છીએ.  


Comments