સંગીતકાર નૌશાદની એ નમ્રતા કેમ કરીને ભૂલાય ?


નમસ્કાર દોસ્તો, ક્યારેક ન ધારેલું અને અણચિંતવ્યું બની જતું હોય છે. એવો એક ફોટોગ્રાફ સરોજની સતર્કતાથી હાથે ચડ્યો. થેંક્યુ સરોજ. વાત 1992ના ફેબ્રુઆરીની છે. પંચાવન સાઠ વર્ષની કારકિર્દીમાં માત્ર 60-65 ફિલ્મોમાં યાદગાર સંગીત સર્જનારા સંગીતકાર નૌશાદના જીવનનાં સભારણાં લખવાની તક મળી. અહીં એક આડવાત. માત્ર 60-65 ફિલ્મોમાં સંગીત પીરસ્યું. દરેક ફિલ્મના દસ ગીતો પકડો તો 650 ગીતો માંડ થયાં. પરંતુ આજે પણ સંગીતકારના વારસોને છ આંકડામાં રૉયલ્ટી મળે છે, બોલો ! 

 આ સંભારણાંને રાજકોટના મર્દ પટેલ ગોપાલભાઇ માકડિયાએ પ્રવીણ પ્રકાશનના નેજા તળે પ્રગટ કર્યાં. પહેલાં એવું નક્કી થયેલું કે અભિનય સમ્રાટ દિલીપ કુમારના હાથે લોકાર્પણ કરાવવું. 

  પરંતુ દિલીપ કુમારને પગે ફ્રેક્ચર થતાં એ કહે કે હું વ્હીલચેર પર બેસીને સ્ટેજ પર ન આવું, મારી ઇમેજને ધોખો પહોંચે. એટલે નૌશાદ સાહેબના સૂચનથી એની પાસે આ પુસ્તકની પ્રસ્તાવના લખાવી અને એના જ દ્વારા સૂચન મેળવ્યું કે વહીદા રહેમાન અથવા સુરૈયાના હાથે લોકાર્પણ કરાવવું. વહીદાજીએ નમ્રતાથી જણાવ્યું કે મારા પતિ કેન્સરના છેલ્લા તબક્કામાં છે એટલે મને માફ કરો. સુરૈયાએ તરત હા પાડી. 

અમદાવાદથી સ્ટેજ પ્રોગ્રામના ભીષ્મપિતા જેવા અમરીશ પરીખ એમના વાદ્યવૃન્દ સાથે આવ્યા. વિલે પારલેના ભાઇદાસ સમારોહમાં લોકાર્પણનો પ્રોગ્રામ હતો.

1962માં રુસ્તમ સોહરાબ ફિલ્મ પછી સુરૈયા ભાગ્યેજ જાહેરમાં આવતાં. એટલે અમે સહેજ ટેન્શનમાં હતા. પ્રોગ્રામ સાડા આઠ પછી શરૂ થવાનો હતો. લગભગ પોણા આઠ વાગ્યે સુરૈયાના ડ્રાઇવરે આવીને હું નૌશાદસાહેબ પાસે ઊભો હતો ત્યાં કહ્યું કે મેડમ આ ગયે હૈં.. કોણ જાણે શી રીતે, ગણતરીની પળોમાં આસપાસના લોકોને ખબર પડી ગઇ કે સુરૈયા આવી છે. ભાઇદાસમાં ઊભા રહેવાની જગ્યા ન રહી. પાસધારકો અને અન્યોએ રીતસર ધસારો કર્યો. આ પ્રોગ્રામમાં કદાચ પહેલી અને છેલ્લીવાર સુરૈયાએ ગુજરાતી ભાષામાં પ્રાસંગિક પ્રવચન કર્યું. 

અમે નૌશાદ સાહેબને શાલ ઓઢાડવાનો એક પ્રોગ્રામ નક્કી કર્યો હતો. પરંતુ નૌશાદ સાહેબે અમને આશ્ચર્યનો અનુભવ કરાવ્યો. નૌશાદ સાહેબ અને ગોપાલભાઇએ મંચ પર પુસ્તકના લેખક તરીકે મને શાલ ઓઢાડી દીધી... મારી આંખના ખૂણા ભીના થઇ ગયા... આટલો મોટો સંગીતકાર આ રીતે નમ્રતા વ્યક્ત કરે ! એમણે કહ્યું કે અજિત પોપટે મને આજે ગૌરવ બક્ષ્યું છે... હું એનો આભારી છું.. મને ગુજરાતી ભાષામાં ઘરે ઘરે પહોંચાડ્યો છે... શી નમ્રતા ! સરોજે શોધી કાઢેલી એ તસવીર આપની સમક્ષ મૂકું છું...

Comments

  1. ખરેખર, ફિલ્મ જગત સાથે સંકકળાયેલી કોઈ પણ આટલી હસ્તી આટ્લી બધી વિનમ્ર હોય એ કલ્પનાતીત છે.

    ReplyDelete

Post a Comment