હાથમાં મોત લઇને ફરતા એક મર્દે ચોરીછૂપીથી આવા એક કેમ્પમાં પ્રવેશ મેળવી લીધો હતો. એણે પોતાની ઓળખ અને કેવી રીતે આ કેમ્પમાં ઘુસી ગયેલો એની વિગતો દેખીતા કારણોસર છૂપાવી છે
-------------------------------------------------------------------
એક સાથે વીસ પચીસ જણને લાઇનમાં ઊભા રાખીને ફાયરીંગ સ્ક્વોડ ઠાર કરે છે, * એક સાથે વીસ પચીસ જણના હાથપગના જીવતા નખ ઊખેડવામાં આવે છે, * એક સાથે વીસ પચીસ જણ પર ઊકળતું તેલ રેડવામાં આવે છે.... ચીસોથી ગગન ગાજે છે અને સીસીટીવી પર આ ભીષણ દ્રશ્યો જોઇને પોતાના વાતાનુકૂલ ખંડમાં બેેઠેલો શાસક અટ્ટહાસ્ય કરે છે. આ કોઇ દેશી-વિદેશી ફિલ્મનું દ્રશ્ય નથી.
જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલરને પણ શરમાવે એવા ટોર્ચર કેમ્પ અત્યારે એક નાનકડા દેશનો સરમુખત્યાર ચલાવી રહ્યો છે. વિશ્વ મિડિયાથી છૂપા રખાયેલા આ ટોર્ચર કેમ્પમાં ચોરીછૂપીથી ઘુસી જઇને ટચૂકડા પાવરફૂલ મોબાઇલ ફોન કેમેરા વડે એની તસવીરો ઝડપીને જાનના જોખમે બહાર આવેલા એક વીરલાએ કદાચ પહેલીવાર આ ટોર્ચર કેમ્પ વિશેની વિગતો દુનિયા સમક્ષ રજૂ કરી.
સહેલાઇથી માની ન શકાય એવી આ વાત છે.
છાશવારે અમેરિકાને અણુ-હુમલાની ધમકી આપતા નોર્થ કોરિયાની વાત છે. દાયકાઓ પહેલાં આવો એક ભેજાંગેપ સરમુખત્યાર આફ્રિકાના એક દેશમાં થઇ ગયેલો. ઇડી અમીન. યાદ છે તમને ? રેફ્રિજરેટરમાં સંઘરેલાં સાવ કૂમળાં બાળકોના મૃતદેહો ઇડી ભોજન રુપે ખાતો હતો એવા અહેવાલ હતા.
હવે નોર્થ કોરિયાના કીમ જોંગના અત્યાચારોની વાત ધીમે ધીમે દુનિયા સમક્ષ આવી રહી છે.
વાતવાતમાં અમેરિકા સામે છાશિયું કરતા આ દેશમાં હિટલરને સારો કહેવડાવે એવા ટોર્ચર કેમ્પ્સ ચાલી રહ્યા છે. એક અંદાજ મુજબ આ ટોર્ચર કેમ્પ્સમાં હજ્જારો સાઉથ કોરિયન લોકો કોઇ વાંક ગુના વિના સબડી રહ્યા છે.
હાથમાં મોત લઇને ફરતા એક મર્દે ચોરીછૂપીથી આવા એક કેમ્પમાં પ્રવેશ મેળવી લીધો હતો. એણે પોતાની ઓળખ અને કેવી રીતે આ કેમ્પમાં ઘુસી ગયેલો એની વિગતોે દેખીતા કારણોસર છૂપાવી છે. પરંતુ એણે આપેલી વિગતો વિદેશી મિડિયામાં પ્રગટ થઇ હતી. 'વાઇસ ન્યૂઝ ડૉટ કોમ' નામની વેબસાઇટમાં આ કેમ્પની તસવીરો પણ પ્રગટ થઇ. આ ટોર્ચર કેમ્પમાં સબડતા લોકોને સાપ, ઉંદર, દેડકા, કંસારી-વાંદા અને ક્યારેક તો એમના પોતાનાં મળમૂત્ર ખાવાની ફરજ પડાય છે.
અઠવાડિયાના સાતેસાત દિવસ આ લોકો પાસે આકરી મજૂરી કરાવાય છે. કમજોર, બીમાર અને વૃદ્ધોને રીબાવી રીબાવીને મોતને હવાલે કરાય છે. આવા ટોર્ચર કેમ્પ્સની સેટેલાઇટ તસવીરો પણ એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે રજૂ કરી. જો કે કીમ જોંગને દુનિયાના લોકોની લાગણીની પરવા નથી. એ નર્યો પરપીડનવાદી (સેડિસ્ટ ) આદમી હોવાનું એને નજીકથી જાણતા લોકો કહે છે.
આવા દરેક કેમ્પમાં સરેરાશ ૫૦ હજાર લોકો રહે છે એવો દાવો એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ કરે છે. આ લોકોને છોડાવી શકાય એમ નથી. છેલ્લાં દસ વર્ષમાં રોકડા દસ જણ પણ ચોતરફ ફેલાયેલી અને વીજશક્તિથી મઢેલી લોખંડની વાડ ઓળંગીને બહાર આવી શક્યા નથી. નોર્થ કોરિયન ખુફિયા પોલીસ સાઉથ કોરિયા અને બીજા ગરીબ દેશોના લોકોને રોજી-રોટીની લાલચ આપીને અહીં લઇ આવે છે એવા આક્ષેપો પણ થયા છે. નોર્થ કોરિયન સરમુખત્યારને એની પરવા નથી. એ તો આવા ટોર્ચર કેમ્પમાં સબડતા અને રોતા કકળતા લોકોને જોઇને આનંદ અનુભવે છે. આ અંગેના અહેવાલ બ્રિટિશ અને અમેરિકી દૈનિકોએ ફોટોગ્રાફ્સ સહિત પ્રગટ કર્યા છે.
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે એક કરતાં વધુ વખત આવા ટોર્ચર કેમ્પ્સમાં પોતાને તપાસ માટે જવા દેવાની વિનંતી કરી છે. એ દરેક પત્રને કીમ જોંગના સ્ટાફે કચરાટોપલીના હવાલે કરી દીધા. એને વિશ્વમતની પડી નથી અને એ વિશ્વમતમાં માનતો નથી. માનવતા શબ્દ એણે પોતાના શબ્દકોશમાંથી કાઢી નાખ્યો છે. ભારતીય પૌરાણિક કથાઓમાં આવતા અસુરોની કથાઓ આવા નરરાક્ષસ પાસે સાવ ફિક્કી લાગે. એકવાર આવા કેમ્પમાં ગયેલી વ્યક્તિએ પછી નકરી નર્કયાતના ભોગવવાની. નસીબદાર હોય તો વહેલું મોત મળે, નહીંતર મૂગા મૂગા રીબામણી સહન કરતા રહેવાનું અને પરમાત્મા પાસે મોત માગતી પ્રાર્થના કરતાં રહેવાનું.
Comments
Post a Comment