અદાલતોમાં લાખ્ખો કેસ, પોલીસ ખાતામાં ભયંકર ખેંચ અને બળાત્કારની મનોવિકૃતિ બેફામ....!




ભારતમાં દર લાખ નાગરિકોએ ફક્ત સવાસો પોલીસમેન છે. એમાંના વીસથી પચીસ ટકા નેતાલોગની સિક્યોરિટીમાં વ્યસ્ત હોય છે
------------------------------------------------------------------------------------------------------
*ભારતમાં ચાલુ વર્ષના જૂનની પહેલીએ એકલી સુપ્રીમ કોર્ટમાં એક લાખ અઠ્ઠાવન હજાર ૬૬૯ કેસ ઊભા હતા, દેશની વિવિધ હાઇકોર્ટસ્માં ૪૩ લાખ કેસ ઊભા હતા જેમાંના આઠ લાખથી વધુ કેસ દસ વર્ષ કરતાંય વધુ જૂના હતા. હાઇકોર્ટસ્માં પૂરતા જજો નથી...

* ભારતમાં દર લાખ નાગરિકોએ ફક્ત સવાસો પોલીસમેન છે. એમાંના વીસથી પચીસ ટકા કહેવાતા નેતાલોગની સિક્યોરિટીમાં વ્યસ્ત હોય છે, બીજા કેટલાક સરકારી સમારોહના બંદોબસ્તમાં હોય છે. પાંચથી દસ ટકા પોલીસમેન પ્રાસંગિક રજા પર હોય છે,

* છેલ્લાં ૪૬ વર્ષમાં એટલે કે ૧૯૭૧થી ૨૦૧૭ સુધીમાં દેશની વસતિમાં ૨૨૦ ટકાનો વધારો થયો. એની તુલનાએ બળાત્કારના કિસ્સાઓમાં તેરસો ત્રેપન ટકા જેટલો હિમાલય વધારો નોંધાયો....

હૈદરાબાદમાં વેટર્નરી મહિલા ડૉક્ટર પર ગેંગરેપ કરીને એને જીવતી જલાવી દેવાના કિસ્સામાં પોલીસે જે કારણ હોેય તે, અપરાધીઓને એન્કાઉન્ટરમાં ઢાળી દીધા એ ઘટનાએ નેતાઓ અને આમ આદમી બંનેમાં બે ભાગલા પાડી દીધા. દેશના ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડે અને અન્ય બે નિવૃત્ત જજોએ આ એન્કાઉન્ટરને 'તાલિબાની ન્યાય' ગણાવ્યો. અસદુદ્દીન ઓવૈસી, શશી થરુર, મેનકા ગાંધી અને અન્ય કેટલાક પોલિટિશ્યનોએ પણ આ એન્કાઉન્ટરનો બોલકો વિરોધ કર્યો. 
આ લોકો એક મહત્ત્વની વાત ભૂલી ગયા. દેશની મોટા ભાગની પ્રજા શાંત અને કાયદાભીરુ છે. તમે બી આર ચોપરાની ઇન્સાફ કા તરાજુ ફિલ્મ જોઇ હોય તો તમને ખ્યાલ હશે. 

બળાત્કારનો  ભોગ બનેલી યુવતીને ખંધા ધારાશાસ્ત્રીઓ કોર્ટમાં એવા સવાલ પૂછતાં હોય છે કે બીજીવાર ભરી અદાલતમાં બીજીવાર સામૂહિક બળાત્કાર થઇ રહ્યો હોય અને પાંચાલીને નિર્વસ્ત્ર કરવાની શકુનિની ગેમ ચાલતી હોય એવું બને છે. એટલેજ પોલીસ ચોપડે નહીં નોંધાતાં બળાત્કારોની સંખ્યાતો ઘણી વધુ હશે.

કેન્દ્ર સરકારે સૌથી પહેલાં પૂરતા જજોની તત્કાળ નિમણૂક કરવાની જરુર છે. અગાઉ આ સ્થળેથી લખેલું એમ તમામ નેતાઓ પોતાની સિક્યોરિટીની જોગવાઇ પોતપોતાના પૈસે કરે એવો વટહુકમ બહાર પાડવાની જરુર છે જેથી આમ આદમીને જરુર પડે ત્યારે તરત પોલીસની મદદ મળે. 

અદાલતોએ સાવ ક્ષુલ્લક લાગે એવા કેસ ફટાફટ પતાવી દઇને મહત્ત્વના કેસ પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરુર છે. સૌથી વધુ મહત્ત્વની વાત એ છે કે દરેક જ્ઞાાતિ-જાતિ-કોમ-વાડાના આગેવાનોએ સમાજમાં વિકૃત મનોદશા ફેલાતી અટકે એ માટે લોકશિક્ષણનાં કાર્યક્રમો કરવાની જરુર છે. 

આવા કાર્યક્રમોમાં બાવા સાધુઓ કે ભગવાંધારીઓને સામેલ કરવાની જરુર નથી. આપણે સૌ આસારામ, બાબા રામ રહીમ, નિત્યાનંદ વગેરે કહેવાતા સાધુ સંતોની કામલીલા વિશે પૂરતી માહિતી હવે ધરાવીએ છીએ. એટલે એવા વેશધારીઓ દૂર રહે એ ઇચ્છનીય છે.

 દરેક સોસાયટી, શિક્ષણ સંસ્થા, સામાજિક સંસ્થાઓ (એનજીઓ)એ પોતપોતાના વિસ્તારમાં શેરીઓમાં ખાસ કરીને સૂર્યાસ્ત પછી પૂરતો ઉજાસ હોય અને શેરીની લાઇટ્સ ચાલુ હોય એની તકેદારી રાખવાની તાતી જરુર છે. હૈદરાબાદની વેટર્નરી ડૉક્ટરે પોતાની બહેનને ફોનમાં કહેલું કે અહીં અંધારું છે અને મારું સ્કૂટર પંક્ચર છે... એ ધ્યાનમાં રાખીને શેરીની લાઇટ્સની વાત કરી છે.

દરેક વિસ્તારના આગેવાન નાગરિકોએ પોલીસ પર બાજનજર રાખવી જોઇએ કે ફરિયાદ સમયસર નોંધાય છે કે નહીં, તત્કાળ પગલાં લેવાય છે કે નહીં, પીડિતાને તાબડતોબ સહાય મળે છે કે નહીં... અગાઉ કહ્યું એમ પોલીસ પાસે પૂરતું માનવબળ નથી અને કામનો જબરદસ્ત ભરાવો હોવાથી પોલીસનંુ વર્તન ક્યારેક ઉદાસીન હોય છે. અને હા, દરેક વિસ્તારમાં એકાદ મનોચિકિત્સક તથા સોશ્યલ વર્કર સ્થાનિક અનિષ્ટ તત્ત્વોની હિલચાલ પર નજર રાખી શકે. થોડામાં કહ્યું છે, ઘણું કરીને વાંચજો...

Comments