સમય-સંજોગો પલટાય ત્યારે માણસની મનોદશા કે વિચારસરણી પલટાય એ સ્વાભાવિક છે...!


બોલીને બગાડવા કરતાં ન બોલ્યામાં નવ ગુણ રાજકારણમાં મહત્ત્વના છે



છેલ્લા થોડા સમયથી રાજકારણમાં ઘણી ઊથલપાથલ થતી જોવા મળી. ખાસ કરીને દેશના સૌથી સમૃદ્ધ મહારાષ્ટ્ર રાજ્યમાં શિવસેના, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસ દ્વારા સ્થપાયેલી રાજ્ય સરકારે ખળભળાટ મચાવ્યો. અધીરાઇ દાખવીને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને ઉત્તર પ્રદેશના અખિલેશ યાદવે તો એવી પણ ભવિષ્યવાણી કરી નાખી કે ભારતીય જનતા પક્ષના અંતનો આરંભ થઇ ચૂક્યો છે. 

આપણે એ વિવાદમાં ન પડીએ. શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે કરેલા જોડાણમાં ઘણા લોેકોને 'તકવાદી વલણ' નજરે પડેલું. આવું વિચારવું એ સંકુચિત દ્રષ્ટિ રાખવા જેવું છે. સમય અને સંજોગો પલટાય ત્યારે માણસ માત્રે પોતાની સમક્ષના વિકલ્પો વિચારીને આગળ વધવાનું હોય છે.

મહાભારતમાં એક સરસ સંકેત છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં રાજ્યગુરુ દ્રોણે કાળો કેર વર્તાવવા માંડયો ત્યારે સત્યના ઉપાસક એવા યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણના કહેવાથી જીવનમાં પહેલી અને છેલ્લીવાર અસત્ય ઉચ્ચારવું પડયુંઃ 'અશ્વત્થામા હતઃ'-અશ્વત્થામા હણાયો... આટલા શબ્દો મોટેથી બોલ્યા. પછી ધીમે રહીને ઉમેર્યું, 'નરો વા કુંજરો વા...' માણસ પણ હોઇ શકે, હાથી પણ હોઇ શકે. વ્યાસજી કહે છે કે ધરતીથી ચાર આંગળ ઊંચો ચાલતો તેમનો રથ ધરતીને અડી ગયો. 
કવિતાની ભાષામાં કહેવાની આ રીત છે. રથ ધરતી પર ઊતરી જાય તો એટલા માત્રથી ગુરુ દ્રોણ સમજી જઇ શકે કે એમનો પુત્ર હણાયો નથી, યુધિષ્ઠિર ખોટું બોલ્યા છે.. ખેર, દ્રોણે પુત્રપ્રેમથી પ્રેરાઇને શસ્ત્રો હેઠાં મૂકી દીધાં.

આ પ્રસંગને દ્રષ્ટિ સમક્ષ રાખીને વિચારીએ તો શિવસેનાએ કશું ખોટું કર્યું નથી. ભાજપે જમ્મુ કશ્મીરમાં જેનો રાષ્ટ્રપ્રેમ શંકાસ્પદ હતો એવી મહેબૂબા મુફ્તી સાથે જોડાણ કર્યું જ હતું. એને થોડી જૂની વાત ગણીએ તો હરિયાણામાં પણ ગુનાહિત કારકિર્દી ધરાવતા દુષ્યંત ચૌટાલા સાથે હાથ મિલાવ્યા જ. હસ્તધૂનન પૂરું થયું ન થયું ત્યાં તો કારાવાસ ભોગવતા દુષ્યંતના પિતા જેલમાંથી મુક્ત પણ થઇ ગયા. આ બે ઘટના સૂચવે છે કે ભાજપે પણ સમય અને સંજોગો સમજીને બાજી જીતી લેવાના પ્રયાસો કર્યા છે... 
કોંગ્રેસ અને એનસીપી સાથે હાથ મિલાવવા શિવસેનાએ એક બહુ મોટી પૂર્વશરત પડતી મૂકી.  એ પૂર્વશરત ઉદ્ધવ ઠાકરેના પુત્ર ાદિત્યને મુખ્ય પ્રધાનપદ આપવાની હતી.

અલબત્ત, આ માગણી ખોટી હતી કારણ કે આદિત્યને રાજકારણ કે વહીવટનો અનુભવ બિલકુલ નહોતો. અનુભવ તો ઉદ્ધવને પણ નથી. પરંતુ એની પાછળ કોંગ્રેસ અને એનસીપીના બીજા ઘણા અનુભવી નેતાઓ છે. હુંસાતુંસી અને મૈં મૈં તુ તુ નહીં થાય તો આ સરકાર ચાલશે. જો કે શિવસેનાએ પોતાના મુખપત્ર 'સામના'માં કલમ અને સંજય રાઉત જેવાની વાચા પર થોડો સંયમ રાખવાની જરુર છે. બોલીને બગાડવા કરતાં ન બોલ્યામાં નવ ગુણ રાજકારણમાં મહત્ત્વના છે. પોલિટિક્સમાં મૌનનો પણ એક મહિમા હોય છે. 

જાણવા સમજવા છતાં બબ્બે મુદત સુધી મૌન સેવીને મનમોહન સિંઘ વડા પ્રધાનપદ માણી-ભોગવી શક્યા. થૂંક ઊડાડવાથી ઉભય પક્ષે કડવાશ વધે છે. લાંબે ગાળે આ કડવાશ નુકસાનકર્તા નીવડે છે. ભાજપે પોતાને આપેલા મૌખિક વચનનું પાલન નથી કર્યું એવી શિવસેનાની ફરિયાદ આપણને વિચાર કરતાં કરી દે છે. 

મહારાષ્ટ્રમાં ૧૦૫ કરતાં વધુ અથવા બહુમતી બેઠકો મળી હોત તો ભાજપનું વલણ કેવું હોત એ કલ્પી શકાય છે. રાતોરાત અજિત પવારને લઇને સરકાર રચવાની અધીરાઇએ ભાજપની પ્રતિષ્ઠાને જબરો ધક્કો પહોંચાડયો છે એ હકીકત કડવી છતાં સંપૂર્ણ સત્ય છે. 

મહારાષ્ટ્રના વિકાસ અને વૃદ્ધિ માટે હવે જે ચાલી રહ્યું છે એ ચલાવ્યે છૂટકો એટલું કેન્દ્ર સરકારને સમજાયું હોય તો સારું. પ્રલોભનો અને નાણાંની થેલીથી ખરીદાતી વફાદારી કદી કાયમી હોતી નથી એટલું ભાજપની નેતાગીરી જેટલું જલદી સમજે એટલું વધુ સારું. 

Comments