છાપરે ચડીને ગાંગરવાની જરુર નથી નેતાલોગ...! અમેરિકાની જેમ ચૂપચાપ કરવાનું હોય તે કરો...



ઇસ્લામિક સ્ટેટના સૌથી ક્રૂર, સૌથી ઘાતકી અને સૌથી ખૂંખાર મનાતા આતંકવાદી આકા અબુ બક્ર અલ બગદાદીને અમેરિકી કમાન્ડોએ ઠાર કર્યો હોવાની જાહેરાત અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અને ત્યારબાદ અમેરિકી લશ્કરના મરીન કોરના કમાન્ડર જનરલ મેકેન્ઝીએ કરી. 

ગયા સપ્તાહના અને ખાસ તો દીપોત્સવીના તહેવારો દરમિયાન બનેલી આ ઘટના ચાલુ વર્ષના સૌથી મહત્ત્વના સમાચારોમાં એક ગણી શકાય. આપણા માટે જમ્મુ કશ્મીરનો ખાસ દરજ્જો નાબૂદ કરતું કેન્દ્ર સરકારનું પગલું હતું તેમ વૈશ્વિક આતંકવાદને લગતી બાબતોમાં બગદાદીનું મોત મહત્ત્વના સમાચાર ગણાય. જનરલ મેકેન્ઝીએ મિડિયા સાથે કરેલી વાત સાચી હોય તો મોતને પોતાની સામે ઊભેલું જોઇને બગદાદી નાના છોકરાની જેમ રડી પડયો હતો અને કાકલૂદી કરવા લાગ્યો હતો કે મને માફ કરો...

અત્યાર પહેલાં ૨૦૧૧ના મેની બીજીએ પાકિસ્તાનના એબોટાબાદમાં પાક. લશ્કરી મથકની અડોઅડ છૂપાઇ રહેલા આતંકવાદી આકા ઓસામા બિન લાદેનને અમેરિકી કમાન્ડોએ મધરાત્રે ઠાર કરીને દરિયામાં પધરાવી દીધો હતો. ઓસામા બિન લાદેન અને અબુ બક્ર અલ બગદાદી- બંનેનાં મોત વચ્ચે એક સમાનતા છે. બંનેને અમેરિકી સૈન્યે ઠાર કર્યા ઉપરાંતની સમાનતા એ છે કે છેક છેલ્લી ઘડી સુધી અમેરિકાએ કોઇને પોતાના આ ઓપરેશનની ગંધ આવવા દીધી નહોતી. 

લાદેનને ઠાર માર્યો ત્યારે તો અમેરિકાએ વધુ ગુપ્તતા જાળવી હતી કારણ કે પાકિસ્તાનનું લશ્કર અને એની બદનામ ગુપ્તચર સંસ્થા આઇએસઆઇને જરા પણ ગંધ આવે તો લાદેનને ભગાડી દે એવી પૂરી શક્યતા હતી. એ જ રીતે બગદાદીને ઠાર કર્યો એ ઓપરેશન પણ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકી લશ્કરના બે ચાર ઉપરી અધિકારીઓ સિવાય કોઇ જાણતું નહોતું.

 આ વાત પરથી ભારત સરકારે ખાસ ધડો લેવાની જરુર છે. તાજેતરની દશેરાએ ફ્રાન્સની ધરતી પર રફાલ વિમાનની પૂજા કર્યા બાદ હાલના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘે ડંફાસ મારી હતી કે અબ પાકિસ્તાન કી ખૈર નહીં... એ પહેલાં એેક કરતાં વધુ વખત ભારતીય લશ્કરના વડાએ પણ પાકિસ્તાનને પાઠ ભણાવવાની શેખી કરી હતી. આ બંને નેતાઓ પ્રત્યે પૂરા માન આદર સહિત એક વાત કરવી છે. આતંકવાદીઓ તમને અગાઉથી જાણ કરીને ત્રાટકે છે ખરા ?  

અમેરિકાએ આખી દુનિયા સાંભળે એમ છાપરે ચડીને જાહેરાત કરેલી કે અમે લાદેનને કે ફોર ધેટ મેટર બગદાદીને ઠાર કરવા જઇ રહ્યા છીએ ? બંને સવાલનો જવાબ નકારમાં હોય તો આપણા ભારતીય નેતાઓ કેમ મોં બંધ રાખી શકતા નથી ? હો હા કરીને તમે શત્રુને ચેતવી દો છેા એનેા ખ્યાલ તમને નથી આવતો.

 યાદ કરો ૨૦૦૮નો મુંબઇ પર થયેલો આતંકવાદી હુમલો. આપણા ઇલેક્ટ્રોનિક મિડિયા પર સતત પ્રસારિત થતા અહેવાલો પાકિસ્તાનમાં બેઠેલા હાફિઝ સૈયદ અને બીજા આતંકવાદી નેતાઓને આપણી દરેક હિલચાલની વિગતો ઘેર બેઠાં આપતા હતા. પાછળથી આ વાત સમજાતાં આપણે ટીવી પરના અહેવાલો અટકાવી દીધા. કંઇક એવુંજ પોલિટિશ્યનોની ગુલબાંગો સાથે પણ થવું જોઇએ એમ સતત લાગ્યા કરે છે. તમારે જે કરવું હોય તે ચૂપચાપ કરો. બોલવાની જરુર નથી.

ઊરી સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે કેવી ચૂપકીદી સેવી હતી! એવી ચૂપકીદીથી જે કરવું હોય તે કરતાં રહો. બોલીને દુશ્મનને ચેતવો નહીં. અગાઉ પણ આ સ્થળેથી એકવાર કહેલું કે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ક્યારે શું બોલવું એનો બહુ મોટો મહિમા છે. તાજેતરમાં પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાન બોલીને કેવા હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાઇ ગયા હતા એ આપણે સૌએ જોયું છે.   

 એ જ રીતે ગુજરાતમાં આતંકવાદી ઘુસ્યા કે દિલ્હીમાં લશ્કર એ તૈયબાના સાત આતંકવાદી ઘુસ્યા એવું જાહેર કરવાની પણ જરુર નથી. એમ કરીને તમે આમ જનતાને ટેન્શનમાં નાખી દો છો. આતંકવાદી ઘુસ્યા તો તમે એને ઠાર કરો. ઘુસ્યા એવું જાહેર કરવાથી શો અર્થ સરે છે એ સમજાતું નથી. 

ઊલટું તમે એ લોકોને પણ સાવધ કરી દો છો. એને બદલે જે રીતે ચૂપચાપ એ લોકો ઘુસ્યા એમ ચૂપચાપ તમે એને ઠાર કરો. પછી ભલે જાહેર કરવું હોય તો કરો કે આ રીતે આતંકવાદી ઘુસ્યા હતા, એને સિક્યોરિટી દળોએ ઠાર કર્યા. નેતાલોગ સમજે તો સારું.

Comments