ફટાકડા, પરાળ અને ભીષણ પ્રદૂષણ

ફટાકડામાં રહેલા ધાતુના રજકણો કાર્સિનોજેનિક તરીકે પણ ઓળખાય છે. એ કેન્સર પેદા કરે છે



લાભપાંચમના સપરમા દિવસે દેશના પાટનગર નવી દિલ્હીમાં હેલ્થ એલર્ટ (સ્વાસ્થ્ય ચેતવણી ?) જાહેર કરવી પડી. હવામાં ઝેરી વાયુઓ એટલા બધા હતા કે ધોળે દિવસે ચોમેર ધૂમાડા અને ધૂમ્મસ જેવું જોવા મળતું હતું. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એવી જાહેરાત કરી હતી કે પાડોશનાં રાજ્યો હરિયાણા અને પંજાબમાં પરાળ બાળવાને કારણે દૂષિત પદાર્થો પવનની સાથે પાટનગર તરફ ઘસડાઇ આવ્યા હતા. બીજી બાજુ અગાઉથી ચેતવણી આપી હોવા છતાં દિવાળીના તહેવારોમાં બેફામ ફટાકડા ફૂટયા એટલે હવા વધુ પ્રદૂષિત થઇ.

ઑક્ટોબરની આખર તારીખોમાં તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઑફ મેડિકલ સાયન્સીઝના વડા ડૉક્ટરે પણ જાહેર કર્યું કે છેલ્લા થોડા દિવસમાં આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ (ઓપીડી)માં ત્રીસ ટકાથી વધુ પેશન્ટો આવી ગયા હતા. દરેકને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. આંખો બળતી હતી, બેચેની લાગતી હતી, ગભરામણ થતી હતી. જે લોકો અગાઉ કદી હૉસ્પિટલનાં પગથિયાં ચડયાં નહોતા એવા લોકો પણ શ્વાસની અને આંખો બળવાની ફરિયાદ લઇને દોડી આવ્યા હતા.

આવું શી રીતે બન્યું ? વાત માંડીને કરવા જેવી છે. હજુ દેવદિવાળી સુધી ફટાકડા ફૂટતા રહેવાના. એટલે પહેલાં ફટાકડાની વાત કરીએ. સાવ સરળ ભાષામાં કહીએ તો ફટાકડામાં ચાર વસ્તુઓ હોય છે- ઓક્સિડાઇઝર, ઇંધણ, કૃત્રિમ રંગ અને બાઇન્ડર. ઓક્સિડાઇઝર એટલે નાઇટ્રેટ કે ક્લોરેટ જેવું જ્વલનશીલ રસાયણ. ઇંધણ એટલે મોટે ભાગે કોલસા કે પૂઠ્ઠાં.

બાઇન્ડર આ બધી કાચી સામગ્રીને પેસ્ટ રુપે જોડાયેલી રાખે છે. આ ઉપરાંત એમાં તાંબું કે બીજી કોઇ ધાતુનો પાઉડર હોય છે. પોેટાશથી ભરેલી વાટને ચિનગારી ચાંપો એટલે બધી કાચી સામગ્રી ધડાકા સાથે ફૂટે. સાવ સરળ ભાષામાં વાત કરી છે. ફટાકડામાં રહેલા ધાતુના રજકણો કાર્સિનોજેનિક તરીકે પણ ઓળખાય છે. એ કેન્સર પેદા કરે છે. 

શહેરમાં વસતા નવી પેઢીનાં બાળકોને પરાળ એટલે શું એ જ કદાચ ખબર નહીં હોય. પરાળ એટલે અનાજનું  ભૂસું. ૯૦ ટકા ખેડૂતો પાકની લણણી અને અનાજના ડૂંડામાંથી અનાજ છૂટું પાડી લીધા પછી જે ભૂસું વધે એને બાળી નાખવાનું પસંદ કરે છે કારણ કે પાકની સાથે નકામું ઘાસ અને બિનજરુરી વનસ્પતિ ઊગી નીકળે છે.

આ ક્ષેત્રના જાણકારો કહે છે કે પરાળ બાળવાથી હવામાં મિથેન અને નાઇટ્રસ ઓક્સાઇડ જેવા ઝેરી વાયુ ભળે છે. આજકાલ કુદરતી ખાતર તો ખેતીમાં વપરાતું નથી. રાસાયણિક ખાતરથી પાક લીધો હોય. એટલે પરાળમાં પણ પેસ્ટિસાઇડ તરીકે ઓળખાતા વિષમય પદાર્થો તો હોવાના.

પંજાબ અને હરિયાણાના ખુદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવવા મુજબ ૨૭મી ઓક્ટોબરે પંજાબમાં પરાળ બાળવાની ૭,૮૪૨ ઘટના બની હતી. (બાય ધ વે, ૨૭મી ઓક્ટોબરે કાળી ચૌદશ હતી). ત્રણ દિવસ પછી એટલે કે ભાઇબીજે ત્રીસમી ઓક્ટોબરે પરાળ બાળવાની ઘટનાનો આંકડો સીધો ૧૯,૮૬૯ જેટલો થઇ ગયો. હરિયાણામાં આ આંકડા ૨૭/૧૦ના દિને ૪૭૬થી વધીનને ૩૦/૧૦ના દિને ૪,૨૨૧ જેટલા હતા. એના પરથી ક્યાસ કાઢો કે કેટલો ઝેરી ધૂમાડો હવામાં ભળ્યો હશે.

આ વખતે મોટા ભાગનાં રાજ્યોમાં ભારે વરસાદ થયો હતો. તોફાની પવન પણ ફૂંકાયો. પંજાબ અને હરિયાણાનાં ખેતરોમાં બાળી નખાયેલા પરાળમાંથી વછૂટેલા ઝેરી વાયુ પણ એ તોફાની પવનમાં પાડોશી રાજ્ય તરફ ઘસડાયા. પરાળની આડપેદાશ જેવા એ વાયુએ દિલ્હીમાં પહેલેથી વધારે રહેલા પ્રદૂષણને ભીષણ સ્વરુપ આપી દીધું. બપોરના બાર વાગ્યે પણ કેટલાક વિસ્તારોમાં અંધકાર અને દસ પંદર ફૂટ આગળનું કશું દેખાય નહીં એવા 'ધૂમ્મસ'થી ભરેલું થઇ ગયું.

દર વરસે પ્રદૂષણના મામલે દિલ્હી પછી બીજા ક્રમે આવતા અમદાવાદમાં આ વરસે સદ્ભાગ્યે એવું કશું બન્યું નથી. દિલ્હીમાં તો નિષ્ણાત ડૉક્ટરોના કહેવા મુજબ ફેફસાંના કેન્સર અને ટીબીના કેસ વધી જાય તો નવાઇ નહીં. આ સંજોગો માનવસર્જિત છે. વરસાદ અને વાવાઝોડું કુદરત સર્જે છે. ઝેરી પ્રદૂષણ જાણ્યે અજાણ્યે આપણે બધાં સર્જીએ છીએ. કુદરતને સહાય કરતા વૃક્ષોનું નિકંદન કાઢીને ખરેખર તો આપણે આપણું પોતાનું ભવિષ્ય અંધકારમય કરી રહ્યા છીએ. સમયસર જાગીએ તો સારું....


Comments