શંકર જયકિસન ફક્ત વિદેશી તર્જો પર આવું સદાબહાર સંગીત પીરસી શક્યા હતા ?



છેક સામવેદની ઋચાઓના લઘુ-ગુરુ માત્રાના વજનથી પ્રેરાઇને સર્જાયેલું ભારતીય સંગીત, દરેક પ્રદેશનું પોતાનું લોકસંગીત જેમ કે ગુજરાતીના ગરબા, પંજાબના ભાંગડા, ઉત્તર પ્રદેશના આલ્હા, બંગાળના બાઉલ, મહારાષ્ટ્રના કોળી અને ખારવા ગીતો... ઉપરાંત દરેક પ્રદેશની વિશિષ્ટ રંગભૂમિનું સંગીત, રામલીલા... હોળી, જન્માષ્ટમી પ્રસંગે ગવાતાં પ્રાસંગિક પદો, ભક્તિગીતો, હાલરડાં... અધધધ..... થઇ જાય એવો અઢળક સંગીત-ખજાનો ભારતીય પરંપરામાં સૈકાઓથી છે. 
આ ખજાનો મેવાડની મીરાંએ ગાયેલા ભજનના શબ્દોમાં કહીએ તો ખર્ચ્યો ન ખૂટે વા કો ચોર ન લૂંટે.. જેવો અખૂટ છે. શંકર જયકિસનની શ્રેણીમાં આજે થોડી આડવાત કરવી જરુરી લાગી છે. કેટલાક વાંકદેખા સમીક્ષકો સતત એવો પ્રચાર કરતા રહ્યા છે કે વિદેશી ધૂનોની ચોરીનો ટ્રેન્ડ શંકર જયકિસનથી શરુ થયો. આ પ્રચાર નકારાત્મક અને ઘણે અંશે ભૂલભરેલો છે. 

વિદેશી હિટ ફિલ્મોની કથા પરથી ફિલ્મ બને (દાખલા તરીકે ઇટ હેપન્ડ વન નાઇટ પરથી રાજ કપૂર નરગિસને ચમકાવતી ફિલ્મ ચોરી ચોરી બની) ત્યારે પણ મૂળ વિદેશી કથાનું સંપૂર્ણપણે ભારતીયકરણ કરવું પડે. સ્થાનિક લોકાલ, સ્થાનિક પાત્રો, સ્થાનિક રહેણીકરણી, સ્થાનિક ભાષા, કવિતા અને સંગીત- આમ તમામ બાબતોની કાયાપલટ કરવામાં આવે ત્યારે કંઇક વાત બને. એવુંજ સંગીતની બાબતમાં કહી શકાય. જગવિખ્યાત ગાયક-ડાન્સર માઇકલ જેક્સને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે હું કંટાળી-થાકીને ઊંઘી જાઉં ત્યારે કેટલીકવાર મને સપનામાં શબ્દો અને તર્જ સૂઝે છે.

 આવુંજ કંઇક સંગીતકાર નૌશાદે ફિલ્મ અનમોલ ઘડીના ચિરંજીવ ગીત 'આવાઝ દે કહાં હૈ દુનિયા મેરી જવાં હૈ'ના અંતરા માટે લેખકડાને કહેલું, ઘંટોં તક ઇંતજાર કરતે કરતે મૈં સો ગયા... દેર રાત મુઝે ખ્વાબ મેં યહ અંતરા મિલા... મૈં ફૌરન ઊઠા ઐાર કાગજ કે ટુકડે પે નોટેશન લીખ લિયા.... નૌશાદના વેવાઇ અને બોલિવૂડના સૌથી સિનિયર ગીતકાર મજરુહ સુલતાનપુરીએ એકવાર કહેલું, પહલે બંદિશ ઔર બાદ મેં ગાના ? યહ બકવાસ હૈ. કૉફિન પહલે ઔર મુર્દા બાદ મેં ઢૂંઢેં ઐસા કહાં તક ચલ સકતા હૈ...?  

શક્ય છે, કેટલીક વિદેશી તર્જોમાં ફિટ થાય એવા શબ્દો શંકર જયકિસને લખાવ્યા હશે. એવું તો લગભગ બધા સંગીતકારો કરી ચૂક્યા છે. પરંતુ એવાં ગીતો કેટલાં ? શંકર જયકિસને આશરે ૧૮૦ ફિલ્મોમાં સંગીત પીરસ્યું. 

દરેકના સરેરાશ સાત આઠ ગીતો પકડો તો પણ સાડા બારસોથી ચૌદસો ગીતો થાય. એમાંથી વિદેશી ઊઠાંતરી કરેલી તર્જ પહેલાં અને શબ્દો પછી એવા બનાવો કેટલા ? આવા ગાંડા ઘેલા આક્ષેપો કરનારા લોકો સ્ટેડિયમમાં બેસીને વિરાટ કોહલીએ કેવી રીતે રમવું એની ચર્ચા કરતા ક્રિકેટ રસિકો જેવા હોય છે. અગાઉ પણ આ વિશે લખેલું. એ સમયે પણ કહ્યું હતું કે ભારતીય ફિલ્મ સંગીતકારોને ઊતારી પાડતી કેટલીક વાહિયાત વેબસાઇટ્સ છે. આ વેબસાઇટ્સ સતત એમ કહેતી ફરે છે કે હિન્દી ફિલ્મ સંગીતકારો તો ઊઠાંતરી પરજ નભે છે. 

આ ફિલ્મ સંગીતકારોને યુગસર્જક ગાયક ઉસ્તાદ અમીર ખાન અને એવાજ યુગસર્જક સિતારવાદક ઉસ્તાદ વિલાયત હુસેન ખાન (આ બંને બનેવી-સાળેા પણ હતા) સાહેબે બિરદાવ્યા છે. 
આ સંગીતકારોએ ત્રણ સાડા ત્રણ મિનિટના ગીતમાં શાસ્ત્રીય રાગની ઝલક તમારી સમક્ષ ખડી કરી દીધી છે એનું તમારે મન જરાય મૂલ્ય નથી ? સંગીતકાર નૌશાદની જ એક ગઝલના બે શેર ટાંકવાનું મન થાય છે- 'અભી જિંદગી કે બહાને બહુત હૈં, અભી સાઝ-એ-દિલ મેં તરાને બહુત હૈ, દર-એ-ગૈર પર ભીખ માગો ન ફન કી, જબ અપને હી ઘર મેં ખજાને બહુત હૈ...' (દર-એ-ગૈર એટલે બીજાને આંગણે )વાત માત્ર શંકર જયકિસનની નથી, તમામ ફિલ્મ સંગીતકારોની વાત છે.

ફિલ્મની કથા, રજૂ થઇ રહેલો પ્રસંગ, કથાનાયક, એ પાત્ર ભજવતા અદાકાર અને એની ઇમેજ, લોકાલ, જરુરી સંવેદન- આ બધી બાબતો ધ્યાનમાં રાખીને સંગીતકારે સર્જન કરવાનું હોય છે. અજિત મર્ચંટ, દિલીપકાકા (દિલીપ ધોળકિયા) અને કલ્યાણજીભાઇને સર્જન કરતાં નજરે જોયા સાંભળ્યા છે માટે આટલું કહી શકાય છે.

કેટલીકવાર કલાકોની લમણાફોડ પછી પણ શબ્દોને દીપાવે એવી તર્જ મળતી નથી અને ક્યારેક આંખના પલકારામાં તર્જ સંગીતકારની સમક્ષ આવીને કુર્નિશ બજાવે છે. એ તો જેના પર વીતે એને સમજાય. ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે જેવી વાત છે. આવતા સપ્તાહે ફરી શંકર જયકિસનના દરબારમાં હાજર થઇશું. 


Comments

Post a Comment