ધરતીમાં ધરબાયેલી એવી અસંખ્ય સુરંગોને શોધી શોધીને નકામી બનાવી દેવાનું અત્યંત કપરું અને અલબત્ત, જોખમી કામ છેલ્લાં થોડાં વરસોથી નાજુક નમણી અફઘાન યુવતીઓ કરી રહી છે એ જાણીને નવાઇ લાગશે.
સેન્ટ્ર્લ
અફઘાનિસ્તાનમાં આવેલા બામિયાનમાં ૩૫ મીટર અને ૫૩ મીટર ઊંચી અને ભગવાન
બુદ્ધની પ્રતિમા તાલિબાન આતંકવાદીઓએ ૨૦૦૦ની સાલમાં સુરંગ વડે તોડી પાડવાના
કરેલા પ્રયાસો તમને યાદ હશે. જાતજાતના આતંકી હુમલા કરતા આ તાલિબાનોએ અફઘાન
ધરતીમાં ઠેર ઠેર સુરંગો પણ ધરબી દીધી હતી. વિદેશી સૈનિકોને ઊડાવી દેવા
માટેની આ સુરંગો પર ભૂલથી સ્થાનિક લોકો પગ મૂકી દે ત્યારે વિના વાંકે ઊડી
જતા. ધરતીમાં ધરબાયેલી એવી અસંખ્ય સુરંગોને શોધી શોધીને નકામી બનાવી
દેવાનું અત્યંત કપરું અને અલબત્ત, જોખમી કામ છેલ્લાં થોડાં વરસોથી નાજુક
નમણી અફઘાન યુવતીઓ કરી રહી છે એ જાણીને નવાઇ લાગશે.
સંયુક્ત
રાષ્ટ્રસંઘની એક શાખા યુનાઇટેડ નેશન્સ માઇન્સ એક્શન સર્વિસિસ (ઉન્માસ- )
ના નિષ્ણાતોએ આ અફઘાન યુવતીઓને દુભાષિયાની મદદથી સુરંગ શોધવાની અને એને
નકામી બનાવી દેવાની તાલીમ આપી. જૂનવાણી ઇસ્લામી સમાજની આ યુવતીઓ તદ્દન
નિરક્ષર અને સૈકાઓથી ઢોરઢાંખર કરતાં પણ દયનીય અવસ્થામાં જીવતી હતી.
ઉન્માસના નિષ્ણાતોએ એમને ધીરજભેર તાલીમ આપી અને આ તાલીમ એમને માટે વરદાનરુપ
બની ગઇ. આ તાલીમે નિર્બળ-લાચાર ગણાતી યુવતીઓને બિનધાસ્ત અને નિર્ભય બનાવી
દીધી. હવે એ અફઘાન મર્દો સાથે આંખ મિલાવીને વાત કરતી થઇ ગઇ.
અફઘાન
પુરુષોને સમજાઇ ગયું કે વિસ્ફોટક સામગ્રી શોધતી મહિલાઓને હવે દાદાગીરીથી
કચડી નહીં શકાય. આમાંની કોઇ યુવતી ગુસ્સે થાય તો પોતાના સમાજના પુરુષોની
સતત અવરજવર હોય એવા સ્થળે સુરંગ મૂકીને સમૂળી પંચાયતને ઊડાવી દઇ શકે છે. આ
યુવતીઓ દ્વારા કરાઇ રહેલું માનવતાવાદી કાર્ય પુરુષોને પણ પ્રભાવિત કરી ગયું
છે.
સ્ત્રી પર અત્યાચારનો એકલદોકલ બનાવ બને તો એ અપવાદ
ગણાય. પરંતુ પુરુષોને એ પણ સમજાઇ ગયું છે કે આ કાર્ય સાવ મફતમાં નથી થતું.
ડિમાઇનર્સ તરીકે ઓળખાતી આ મહિલાઓને માનદ્ વેતન ચૂકવાય છે જે ઘરખર્ચમાં કામ
લાગે છે. એટલે મહિલાઓ પણ રળતી થઇ એમ કહી શકાય. આમ થવાથી આ મહિલાઓના
આત્મવિશ્વાસમાં પણ વધારો થયો.
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા
હાથ ધરાયેલા એક સર્વેમાં જાણવા મળેલું કે ૮૭ ટકાથી વધુ મહિલાઓ સાવજ નિરક્ષર
છે અને ૯૦ ટકાથી વધુ મહિલાઓના બળજબરીથી લગ્ન કરાવાયાં હતાં. આ સ્થિતિમાં
મહિલાઓમાં આત્મવિશ્વાસ પ્રગટાવવો એ ભગીરથ કાર્ય હતું. ઉન્માસની મહિલા
કાર્યકર્તાઓએ એ તક ઝડપી લીધી અને દુભાષિયાની મદદથી મહિલાઓને વિશ્વાસમાં
લીધી. અત્યંત ધીરજભેર અને ખંતપૂર્વક અફઘાન મહિલાઓને તાલીમ આપી.
ઘરમાં
બેસીને પુરુષોની જોહુકમી સહન કરતી મહિલાઓ માટે આ એક સોનેરી તક હતી. શરુમાં
બે ત્રણ યુવતીઓ તૈયાર થઇ. એમને મળેલો યુનિફોર્મ અને ત્યાર પછી માનદ્ વેતન
વગેરે જોતાં ધીમે ધીમે મહિલાઓ આગળ આવતી થઇ અને અત્યારે તો એક લશ્કરી
રેજિમેન્ટ જેવી મોટ્ટી ટુકડી કામ કરતી થઇ ચૂકી છે.
ફાતિમા
અમીરી નામની એક યુવતીએ બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે સૌ પ્રથમ તો
હું મારા પિતાની ઋણી છું. એ પણ પુરુુષ છે પરંતુ મારું જીવન સુધારવા એમણે
મને આ ટુકડીમાં જોડાવાનું પ્રોત્સાહન આપ્યું અને સતત મારો ઉત્સાહ વધારતા
રહ્યા. આજે અમારા સમાજના પુરુષો મારી સામે માનની નજરે જુએ છે. જો કે માઇન
રિમૂવલ પ્રોજેક્ટ તો ટૂંકા ગાળાનો પ્રોગ્રામ હતો એટલે હવે ઉન્માસના
સ્વયંસેવકો અમને લાંબા ગાળાના વ્યાવસાયિક કાર્યક્રમોમાં જોતરી રહ્યા છે.
કોમ્યુનિકેશન, ટુરીઝમ, આર્કિયોલોજી વગેરે પ્રોજેક્ટ્સ માટે અમને તૈયાર કરે
છે. ભારે વાહનો ચલાવવાની પણ તાલીમ આપે છે. અમારા જૂનવાણી સમાજને
વાંધો-વિરોધ કરવાની તક ન મળે એવા વ્યાવસાયિક કાર્યક્રમો સાથે અમને સાંકળે
છે.
આવી અનેક ફાતિમાઓનાં જીવનમાં હવે પરિવર્તન આવ્યું છે.
પોતાનાં કુટુંબીજનોને સમજાવીને એ ખપ પૂરતું શિક્ષણ લેતી થઇ છે. અલબત્ત, હજુ
તાલિબાન છે આ વિસ્તારમાં પણ હવે મહિલાઓ તાલિબાનથી ડરતી નથી. કેટલીક
મહિલાઓએ ઉન્માસને એવી પણ વિનંતી કરી હતી કે અમને હથિયારો વિના સ્વરક્ષણની
તાલીમ પણ આપો. એટલે કેટલીક યુવતીઓ હિંમત કરીને કરાટે કૂંગ ફૂ જેવી તાલીમ પણ
લેતી થઇ છે. પરિણામે પુરુષોની જંગલી જોહુકમીને હવે બ્રેક લાગી રહી છે. આ
મહિલાઓ જતે દિવસે વધુ ઉચ્ચ શિક્ષણ મેળવીને પગભર થઇ જાય તો સાવ જૂનવાણી
અફઘાન સમાજમાં ક્રાન્તિ થઇ જશે.
Comments
Post a Comment