પોતાની સુરક્ષાનો ખર્ચ નેતાલોગ પોતે કેમ ઉપાડી લેતા નથી ?


નેતાઓ કે ફિલ્મ સ્ટાર્સ- બંનેની સિક્યોરિટીની જવાબદારી પ્રજાની છે ?



શિવસેના, કોંગ્રેસ અને એનસીપીને રાત્રે વાતાનુકૂલ બેડરુમમાં ઊંઘતા રાખીને ભાજપે અજિત પવારના ટેકાથી મહારાષ્ટ્ર રાજ્યમાં સરકાર રચી નાખી. એની હો હામાં છેલ્લા થોડા દિવસથી સતત ચર્ચાતો એક મુદ્દો વિસરાઇ ગયો. એ મુદ્દો નેતાલોગની સુરક્ષાનો છે. લગભગ દરેક રાજકીય પક્ષના નેતા (શાસક પક્ષના હોય કે વિપક્ષના હોય) આમ આદમીના પૈસે સિક્યોરિટી ભોગવે છે. 

ખરેખર તો સિક્યોરિટીના નામે તેમનો અહં પોષાય છે. આગળ પાછળ હથિયારધારી પોલીસ જવાનો હોય તો વટ પડી જાય... એમાં પાછા સિક્યોરિટીના પણ તબક્કા- એ ટુ ઝેડ સુધીની જાતજાતની સિક્યોરિટી. મુખ્ય પ્રધાનની કારની આગળ પાછળ વીસ પચીસ ગાડીઓ. આ કાફલો પસાર ન થાય ત્યાં સુધી વાહનવ્યવહાર થંભી જાય. હાલની કેન્દ્ર સરકારે એવા કેટલાક નેતાઓની સિક્યોરિટી ઘટાડી અથવા કાઢી નાખી એટલે હોબાળો મચી ગયો.

અહીં એક સીધોસાદો મુદ્દો તમારી સાથે ચર્ચવો છે. લોકસભાની કે વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારી પત્રકો ભરતી વખતે દરેક ઉમેદવારે પોતાની પાસે કેટલી સંપત્તિ છે એની વિગતો આપવાની હોય છે. ચાલો માની લઇએ કે દરેક નેતા પોતાની સંપત્તિની સાચી વિગતો ઉમેદવારી પત્રકમાં ભરતા હશે. તમે નિયમિત અખબારો વાંચતાં હો તો તમારા ધ્યાનમાં એક હકીકત આવી હશે.

૯૫ ટકા નેતાઓ  કરોડપતિ છે. (ગરીબ અને પ્રમાણિક હોય એેવા નેતાઓ આજે મળવા મુશ્કેલ છે.) હવે જુઓ કે ૯૫ ટકા નેતાઓ કરોડપતિ છે. વર્તમાન ધારાસભ્યો તથા સાંસદો દર મહિને છ આંકડાનું મહેનતાણું મેળવે છે. પોતાની સિક્યોરિટીની વ્યવસ્થા પોતે જાતે કેમ કરી લેતા નથી ? પ્રજાના પૈસે સિક્યોરિટી શા માટે માગે છે ?

ઓર એક મુદ્દો યાદ કરાવું. હજુ હમણાં સુધી ઉત્તર ભારતનાં નેતાલોગનો ઇન્કમટેક્સ પ્રજાના પૈસે ચૂકવાતો હતો. પ્રધાન તરીકે કે ધારાસભ્ય યા સંાસદ તરીકેનું મહેનતાણું અને ભથ્થાં પૂરેપૂરાં લેવાના, પરંતુ એમનો ઇન્કમટેક્સ પ્રજાએ ચૂકવવાનો ? એવું કેમ ? ચાલો માની લીધું કે ૧૯૫૦ અને '૬૦ ના દાયકામાં ઉત્તર ભારતના નેતાઓ ગરીબ હતા.

પરંતુ ત્યારબાદ કેમ આ ગોબાચારી રદ ન કરાઇ ? લગભગ આવીજ પરિસ્થિતિ બોલિવૂડના કલાકારોની છે. ફલાણો કલાકાર ફિલ્મ દીઠ વીસ પચીસ કરોડ રુપિયા મહેનતાણું લે છે એવા અહેવાલ ફિલ્મ સામયિકો કે દૈનિકોમાં પ્રગટ થાય ત્યારે એ કલાકાર પોરસાતો હોય છે. સિક્યોરિટીની વાત આવે ત્યારે મુંબઇ પોલીસ તરફ નજર દોડાવે છે. પ્રજાના પૈસે એમને સિક્યોરિટી જોઇએ છે. 

સલમાન ખાન જેવા બહુ ઓછા કલાકારો છેે જે પોતાના પૈસે પોતાની સિક્યોરિટીની વ્યવસ્થા કરે છે. હજુ હમણાં સુધી મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની સિક્યોરિટી પણ મુંબઇ પોલીસને હસ્તક હતી. આવું શા માટે ? નેતાઓ કે ફિલ્મ સ્ટાર્સ- બંનેની સિક્યોરિટીની જવાબદારી પ્રજાની છે ? મારા તમારા જેવાના પરસેવાના પૈસે આ બધાંને સિક્યોરિટી શા માટે મળવી જોઇએ ? દિલ્હીમાં વરસો સુધી રાજ કરનારા એક પક્ષના પ્રવક્તાએ કહ્યું કે ફલાણા પરિવારને માથે જોખમ છે.

માટે એમને વડા પ્રધાન જેટલી સિક્યોરિટી મળવી જોઇએ. સંબંધિત પરિવાર પાસે અધધધ રુપિયાની સંપત્તિ છે એવું ખુદ આ પરિવારના સભ્યોએ ચૂંટણીના ઉમેદવારી પત્રકમાં લખ્યંુ છે. ખરેખર માથે જોખમ હોય તો આ પરિવાર પોતાની સિક્યોરિટીની જવાબદારી પોતે કાં નથી સંભાળી લેતો ? આમ આદમી પાસે શા માટે અપેક્ષા રાખો છો કે તમારી સિક્યોરિટીનો ખર્ચ એ ભોગવે ? 

અબજો રુપિયાના કૌભાંડો કરનારા નેતાલોગ પ્રજાના પૈસે સુરક્ષા માગે ત્યારે નાગરિકોએ સંગઠિત થઇને સુપ્રીમ કોર્ટમાં ધા નાખવી જોઇએ કે આ લોકોે પોતાની સુરક્ષા પોતે સંભાળે એવો આદેશ આપો. પોતાની સમસ્યાઓનું નિરાકરણ લોકોએ પોતે કરતાં હવે શીખી લેવાનો સમય પાકી ગયો છે એવું નથી લાગતું ? દેશ આઝાદ થયાને સિત્તેર સિત્તેર વર્ષ વીતી ગયા.

સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે દેશભરના લોકો સંગઠિત હતા. એવું સંગઠન હવે કેમ ન થઇ શકે ? કહેવાતા લોકસેવકોની પાછળ અબજો રુપિયા ખર્ચાય છે અને એ પછી પણ આ કહેવાતા લોકસેવકો લોકોને જવાબદાર નથી. તો પછી એમની પાછળ અબજો રુપિયાનું આંધણ કરવાની કોઇ જરુર ખરી કે મિત્રો ?

Comments