માત્ર ક્રિકેટ નહીં, સર્વત્ર આજના શહેરી જીવનનો સૌથી મોટો શત્રુ છે- તનાવ !


ધ્યાન દ્વારા પણ મનની શાંતિ જાળવી રાખી શકાય છે



આમ આદમીને આશ્ચર્ય થાય એવા એક સમાચાર ગયા સપ્તાહે મોટા ભાગનાં માધ્યમોમાં ઝળક્યા હતા. માત્ર એક મહિના જેટલા ઓછા સમયગાળામાં ઓસ્ટ્ર્ેલિયન ક્રિકેટ ટીમના ત્રણ ત્રણ ખેલાડીએ માનસિક તનાવના પગલે બ્રેક માગ્યો. એના પ્રતિભાવ માગવામાં આવતાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે આમાં નવું કશું નથી, મને પોતાને પણ પાંચ વર્ષ પહેલાં આવો અનુભવ થઇ ચૂક્યો છે. 

માત્ર રમતગમત પૂરતી આ વાત નથી, જીવનનાં તમામ ક્ષેત્રે આ જ પરિસ્થિતિ છે. ફિલ્મ દીઠ દસ કરોડ રૂપિયા વસૂલ કરતી અને ટોચની ગણાતી અભિનેત્રી દીપિકા પાદુકોણથી માંડીને બોલિવૂડના કેટલાક કલાકારોએ પણ મનોચિકિત્સા લેવી પડી છે. 

યોગાનુયોગે તાજેતરના ભૂતકાળમાં એવા પણ સમાચાર પ્રગટ થયા હતા કે આજના ટીનેજર્સના વાળ સાવ નાની ઉંમરમાં સફેદ થઇ જાય છે અને ઘણાના વાળ ખરી જવાથી ટાલ પડે છે. કેમ વારુ ? ઇટ્સ વેરી સિમ્પલ. આજે જીવનના તમામ ક્ષેત્રોમાં ગળાકાપ સ્પર્ધા પ્રવર્તે છે. દરેકને પોતપોતાના ક્ષેત્રમાં રાતોરાત ટોચ પર પહોંચી જવું છે.

ટોચ પર પહોંચ્યા પછી સુખ-સંતોષ મળે છે ખરાં ? નો સર. ઊલટું ત્યાં પહોંચ્યા પછી ટેન્શન ઔર વધી જાય છે કે આ સ્થાને ટકી શી રીતે રહેવું ? કાવાદાવા, ગંદું રાજકારણ, ખટપટો, બોસની ખુશામત, આ બધાંમાં વ્યક્તિનો સ્વભાવ ચીડિયો થઇ જાય છે. પોતે સ્વસ્થ રહી શકે નહીં અને બીજાને પણ સ્વસ્થ રહેવા દે નહીં.

બોલિવૂડના દાદુ ડાન્સર અભિનેતા શમ્મી કપૂરે એેક કમજોર પળે કહેલું કે જુવાનીમાં કરેલી ભૂલો મને અત્યારે નડી રહી છે. અઠવાડિયામાં ત્રણ વાર કલાકો સુધી ડાયાલિસિસ કરાવવું પડે છે. એક પત્રકાર મિત્ર દિવસમાં અડધી અડધી કહેતાં પચીસ ત્રીસ ચા પી જતો. અન્ય એક મિત્ર પોતે બહુ એાછી  સિગારેટ પીએ છે એવું દેખાડવા સિગારેટ સળગાવતો. બે દમ મારીને એજ સિગારેટ બુઝાવી દેતો. અડધા પોણા કલાક પછી ફરી એ સિગારેટ સળગાવતો. ફરી બે દમ... આ એક અનંત વિષચક્ર છે.  જાતને છેતરવાની તરકીબ છે. એના કરતાં સરળ બીજી ઘણી રીતો છે સ્વસ્થ રહેવાની. 
જૈન ધર્મની એક વાત બહુ ગમે છે- પ્રતિક્રમણ. રોજ રાત્રે સુવા પહેલાં પાંચથી દસ મિનિટ શાંતિથી બેસવું, આખા દિવસની પ્રવૃત્તિનું સરવૈયું કાઢવું. 

આજે ક્યાં કઇ ભૂલ થઇ ? કોની લાગણી દૂભાવી ? કોને બે કડવા શબ્દો કહેવાઇ ગયા ? પ્રભુ, હું પણ અનેક મર્યાદા ધરાવતો માણસ છું. મારી ભૂલોની ક્ષમા આપો અને ફરી આવી ભૂલો ન થાય એવી શક્તિ આપો...આટલી પ્રાર્થના કરીને પડો પથારીમાં પાંચ મિનિટમાં ઘસઘસાટ ઊંઘ આવવાની જ. કેટલાક ડાહ્યા જનો સૌના કલ્યાણનો શ્લોક બોલવાની ભલામણ કરે છે, સર્વેત્ર સુખિનઃ સન્તુ, સર્વે સન્તુ નિરામયાઃ... એ પણ ચાલે. શક્ય હોય તો વિપશ્યના કે ધ્યાન દ્વારા પણ મનની શાંતિ જાળવી રાખી શકાય છે.

ગમે તે ક્ષેત્રમાં જાઓ. સ્પર્ધા તો રહેવાની. દરેકને જીવનમાં કશુંક પ્રાપ્ત કરવું છે. એટલે દોડાદોડ એ અજંપો પણ થવાનો. પરંતુ એ બધાંની વચ્ચે સ્વસ્થ રહેવાની કળાને જ ઓશો (રજનીશ) ધ્યાન કહેતા. સ્પષ્ટ શબ્દોમાં ઓશો કહેતા, તમામ દુઃખોની એક જ દવા છે- ધ્યાન. 

રોજ પાંચ મિનિટ શાંતિથી બેસવાનો પ્રયાસ કરો. વિચારોની અવરજવરને તમે રોકી શકવાના નથી. એને માત્ર સાક્ષી તરીકે કોઇ ત્રીજી વ્યક્તિના છે એમ સમજીને જોયા કરો. ધીમે ધીમે ધ્યાનમાં સરકી જવાની ટેવ પડશે. એકવાર આ તરકીબ હાથ લાગી ગઇ તો ફાવ્યા સમજો. દુનિયાનું કોઇ ટેન્શન કદી અસ્વસ્થ નહીં કરી શકે. આજના ઇન્ટરનેટ અને વ્હૉટ્સ એપની દુનિયામાં ધ્યાન જેવો રામબાણ દોસ્ત બીજો કોઇ નથી. લખવા વાંચવાની જેમ ધ્યાન કરવાની પ્રેક્ટિસ કરવાની નથી. એ રીતે ધ્યાન સિદ્ધ થતું નથી. રિલેક્સ થવાની કળા કેળવો તો ધ્યાન દોડતું આવે. અજમાવી જુઓ. અજંપા કે બેચેની સિવાય કશું ગુમાવવાનું નથી.


Comments