સૂફી શૈલીના સંત, શબદકાર, કુરિવાજોને પડકારનારા આદિ ગુરુ નાનકસાહેબ




'હરિ બિન તેરો કો ન સહાય, કા કી માતપિતા સુત વનિતા, કો કાહુ કો ભાઇ...', 'સાધો મન કા માન ત્યાગો, કામ ક્રોધ સંગત દુરિજન કી તા તે અહનિશ ભાગો...', 'આયો મૈં શરણ તિહારી સત ગુરુ...', 'બિસર ગયી સબ તાત પરાઇ, જબ તે સાધ સંગત મોંહે પાયી...' જેવાં હૃદયસ્પર્શી ભક્તિગીતો આપનારા અને સનાતન ધર્મમાં રહેલા કુરિવાજોને પડકારનારા શીખોના આદિ ગુરુ નાનકદેવનો આજે ૫૫૦મો જન્મદિવસ છે. 

પાંચસો વરસ પહેલાં થઇ ગયેલા આ પહેલા ધર્મગુરુ અને યોગી હતા જેમણે બહુદેવપૂજાનો સવિનય વિરોધ કર્યો હતો. એક ઓમ કાર સતિનામનો દિવ્ય બોધ આપનારા આ પહેલા એવા શીખ ગુરુ હતા જેમણે અન્યાયનો પ્રતિકાર કરવાની પણ શીખ આપી. એમના પગલે પાછળથી થયેલા શીખ ગુરુઓએ વિધર્મી આક્રમણખોરો સામે વીરતાભરી લડત આપી. 
----------------------------------------------------------------------------------------------------

શીખ પ્રજા અને શીખ આદિ ગુરુ દ્વારા પાકિસ્તાનની નાદારી દૂર થશે એ જેવો તેવો ચમત્કાર નથી

--------------------------------------------------------------------------------------------------------------

બ્રિટિશોનું આગમન અને ૧૮૫૭નો બળવો તો બહુ પછી આવ્યો. એ પહેલાં વિધર્મી આક્રમણખોરો અને ધર્માંતર કરાવનારા શાસકો સામે બળવો શીખ ગુરુઓએ પોકારેલો. શબ્દોમાં વર્ણવી ન શકાય એવા અત્યાચારો આ શીખ ગુરુઓ અને એમનાં સંતાનો પર કરવામાં આવેલા. પરંતુ આ મર્દ પ્રજા કે એમના ગુરુઓ નમ્યા નહીં.

ગુરુબાનીમાં ગુરુ નાનકના જે ભક્તિગીતો શબદ રુપે ગવાય છે એના દ્વારા એ પણ ખ્યાલ આવે છે કે ગુરુ નાનક સીધાસાદા પોથીપંડિત નહોતા. એમના શબદમાં પંજાબી, સિંધી, ઊર્દૂ, ફારસી, મૂલતાની, અરબી અને ખડી બોલીના શબ્દોનો સમાવેશ થાય છે જે એ વાતનો પુરાવો છે કે ગુરુ નાનક બહુશ્રુત હતા.

 ગુરુબાનીમાં કબીર અને રવિદાસ જેવા અન્ય સંતો-ભક્તોનાં પદો પણ નાનકસાહેબે લીધાં છે. હિન્દુ અને મુસ્લિમ બંને કોમના લોકો તેમને ચાહતા. દરેક શબદ સાથે એ કયા રાગમાં અને કયા તાલમાં ગાવાનો છે એનો ઉલ્લેખ દર્શાવે છે કે ગુરુ નાનક અને એમના અનુગામીઓ ભારતીય સંગીતના ઊંડા અભ્યાસી હતા.

 ભારતીય સંગીતના ગાયન અને વાદનમાં પંજાબ ઘરાના અને પતિયાલા ઘરાના જેવા જે ઘરાના સ્થપાયા એ શીખ ધર્મગુરુઓની દેન છે. આસા, ગૌરી, મજહ વગેરે રાગો ફક્ત ગુરુબાની ગાનારા ગ્રંથિના કંઠે સાંભળવાનો અનેરો લ્હાવો છે.
એમાંય ગુરુ નાનક તો ખરા અર્થમાં યોગી અને દિવ્યપુરુષ હતા. મક્કા-મદીનાના પ્રવાસ દરમિયાન એક સ્થળે આરામ ફરમાવતા હતા ત્યારે એક વ્યક્તિએ એમને કહ્યું કે તું અમારા કાબાના દિવ્ય પાષાણ તરફ પગ કરીને સુતો છે.

 ગુરુએે સવિનય કહ્યું, ભાઇ, હું ખૂબ થાકી ગયો છું. કૃપા કરીને મારા પગ ખસેડી નાખો ને. કથા કહે છે કે પેલાએ જેટલી વાર, જે દિશામાં ગુરુ નાનકના પગ ખસેડયા એ દરેક દિશામાં કાબાનો પવિત્ર પથ્થર દેખાયો. આ પ્રસંગ પરથી જણાય છે કે ગુરુ નાનક પતંજલિ યોગસૂત્રના અભ્યાસી હોવા ઉપરાંત પોતે સિદ્ધ પુરુષ હતા. આજે જેની બહુ વાતો થાય છે એ મહિલા સશક્તિકરણની હાકલ કરનારા પણ ગુરુ નાનક પહેલા સંત હતા. 

આવરદાનાં છેલ્લાં સત્તર અઢાર વર્ષ આપે કરતારપુરમાં વીતાવ્યા એના પગલે કરતારપુરને દરબાર સાહિબ જેવો દરજ્જો મળ્યો. જો કે એક વાતનો અફસોસ થાય કે જે મુઘલ સામ્રાજ્ય સામે શીખ ગુરુઓએ પોતાનાં લોહી વહાવીને બલિદાન આપ્યાં એવા એક ધર્મ આધારિત મુલક (પાકિસ્તાન)માં આજે કરતારપુર સાહિબ આવેલા છે. ગુરુ નાનકસાહેબની ૫૫૦મી જયંતી નિમિત્તે એક વર્ષ જે પ્રકાશ પર્વ ચાલવાનું છે એના દ્વારા પાકિસ્તાન ૮૦૦ કરોડની કમાણી કરશે. શીખ પ્રજા અને શીખ આદિ ગુરુ દ્વારા પાકિસ્તાનની નાદારી દૂર થશે એ જેવો તેવો  ચમત્કાર નથી.

ગુરુ નાનકે સનાતન ધર્મની મર્યાદાઓ દૂર કરવાના પણ સંનિષ્ઠ પ્રયાસો કરેલા. એ દ્રષ્ટિએ ગુરુ નાનક પહેલા સૂફી સંત હતા. એમના એક પદના શબ્દો કાબિલ-એ-દાદ છે. તમામ ટોચના ગાયકોએ એ પદ દુનિયાભરમાં ઉમળકાથી ગાયું છે. આજે એ પદ સૌથી વધુ સમય અનુરુપ છે.  એના શબ્દો છે 'અવ્વલ અલ્લાહ નૂર ઉપાયા, કુદરત કે સબ બંદે, એક નૂર તે સબ જગ ઉપજ્યા, કૌન ભલે કો મંદે ...' 


Comments