પાકિસ્તાની લશ્કર અને ISI પણ જેમનાથી ધ્રૂજે છે...



૨૦૧૯ના ફેબુ્રઆરીની વાત છે. પાકિસ્તાનના શાહદરા વિસ્તારમાં પચાસેક મહિલાઓ એકઠી થઇ હતી. એક શિક્ષિત મહિલાએ એમને થોડીક વાતો સમજાવ્યા બાદ પૂછ્યું, બોલો, હવે કોને મત આપવો એ તમારા વતી કોણ નક્કી કરશે ? અમે પોત્તે નક્કી કરીશું... ટોળાએ એકી અવાજે જવાબ આપ્યો.

મહોલ્લાના ખૂણે ઊભેલા એક બાતમીદારની આંખ વિસ્યમથી પહોળી થઇ ગઇ. મહિલાઓ ધીમે ધીમે પણ મક્કમ રીતે શાસનવિરોધી થઇ રહી હતી કે શું ? એવો સવાલ એના મનમાં જાગ્યો. ફેબ્રુઆરીમાં એ વિસ્તારની પેટાચૂંટણી હતી. ગઇ કાલ સુધી પતિ-પિતા-પુત્રોના 'હુકમ' પ્રમાણે મતદાન કરતી મહિલાએાએ પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલીવાર પોતાની મરજીથી મત આપ્યો. 
------------------------------
અમને મોતની સજા મંજૂર છે પરંતુ જીવતેજીવ જાનવરની જેમ ખીલે બંધાઇ રહેવાનું હવે સ્વીકાર્ય નથી...
-----------------

જમ્મુ કશ્મીર અને હિન્દુસ્તાનના મુસ્લિમોની ચિંતા કરતા પાકિસ્તાનના શાસકો, લશ્કરી અધિકારીઓ અને મુલ્લા મૌલવીઓ હવે ભીતરથી ધૂ્રજી રહ્યા છે. ભારત સાથેના યુદ્ધનાં બિહામણાં પરિણામોથી આ લોકો ધૂ્રજતા નથી, દેશના અંતરિયાળ વિસ્તારોમાં મહિલાઓ જાગ્રત થઇ રહી છે એ વાત એમને ડરાવી રહી છે.

આરંભ થયેલો યુસુફ મલાલાઝાઇથી. પાકિસ્તાના સરહદી વિસ્તારની આ બાળકી કન્યાશિક્ષણનો પ્રચાર કરતી હતી એટલે એના પર તાલિબાને ગોળીબાર કરેલો. ગંભીર સ્થિતિમાં એને ઇંગ્લેંડ ખસેડાઇ. ત્યાં એ ઊગરી ગઇ અને હવે એનો પરિવાર બ્રિટિશ નાગરિક તરીકે સુરક્ષિત રીતે જીવે છે. એને શાંતિનું નોબેલ પારિતોષિક પણ મળ્યું. 

લગભગ એવોજ કિસ્સો ગુલાલઇ ઇસ્માઇલનો છે. એણે દુનિયા આખી સાંભળે એમ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડિયાને કહ્યું હતું કે ઇમરાન ખાન કયા મોઢે જમ્મુ કશ્મીરની પ્રજાના માનવ અધિકારોની વાત કરે છે ? અહીં ઘરઆંગણે પાકિસ્તાની લશ્કરે રાક્ષસી રીતે સેંકડો પખ્તુનેાને મારી નાખ્યા છે.

એની વાત કેમ નથી કરતો ? ગુલાલઇની વાત પ્રગટ થતાં પાકિસ્તાની લશ્કરના આકાઓ અને આઇએસઆઇના ખેરખાંઓ ચોંકી ઊઠયા. અરે આ તો આપણને દુનિયાભરમાં બદનામ કરી નાખશે. એની સુપારી આપી દો. પરંતુ ગુલાલઇ નસીબવાન હતી. પોતાની ગમે ત્યારે હત્યા થઇ જશે એવી ગંધ આવી જતાં એ પાકિસ્તાન છોડી ગઇ અને હાલ અમેરિકામાં પોતાની બહેન સાથે રહે છે.

રખે એમ માનતા કે યુસુફ મલાલાઝાઇ કે ગુલાલઇ ઇસ્માઇલ એકલદોકલ કિસ્સો છે. બેનઝીર ભુટ્ટો પરથી પ્રેરણા લઇને પાકિસ્તાની યુવતીેઓ ઉચ્ચ શિક્ષણ લેતી થઇ. દુનિયાભરની ટીવી ચેનલો જોતી થઇ અને પોતે બાવા આદમના જમાનાની ગુલામડીની જેમ કે જાનવરની જેમ જીવી રહી છે એવો ખ્યાલ આવતાં હવે અત્યંત ધીમી પણ મક્કમ ગતિથી સંગઠિત થઇ રહી છે.

જરતાઝ ગુલ, રાહિલા કૈસર, મૂમતાઝ બેગ, અમીના વઝીર... કેટલાં નામો ગણવાં ? આ મહિલાઓ હવે મોતથી ડરતી નથી. બેધડક મોટરસાઇકલ પર નીકળતી રાહિલાએ બીબીસીને કહ્યું હતું કે પરિવારના પુરુષો સામે બળવો કરવાથી વધુમાં વધુ મોતની સજા મળે એટલું જ ને ? અમને મોતની સજા મંજૂર છે પરંતુ જીવતેજીવ જાનવરની જેમ ખીલે બંધાઇ રહેવાનંુ હવે સ્વીકાર્ય નથી...

જેમના ઇન્વેસ્ટિગેટિવ પત્રકારો દુનિયાભરમાં સારી સ્ટોરીની તલાશમાં રઝળપાટ કરતાં હોય છે એવા નેશનલ જ્યોગ્રાફિક અને બીબીસીએ ચૂપચાપ પાકિસ્તાનની શિક્ષિત મહિલાઓના ઇન્ટરવ્યૂ લઇને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડિયામાં પ્રસારિત કરવા માંડયા. પાકિસ્તાની લશ્કર અને આઇએસઆઇએ કદાચ આ કવિતા વાંચી કે સાંભળી નહીં હોય- જે કર ઝુલાવે પારણું એ જગત પર શાસન કરે... કરાચી, લાહોર, પેશાવર, વાયવ્ય સરહદ પ્રાંત... આમ એક પછી એક સ્થળે પાકિસ્તાની મહિલાઓ બહાર આવતી થઇ છે.  યુસુફ મલાલાઝઇ અને ગુલાલઇની ઘટના તો પાકિસ્તાની મિડિયામાં પણ પ્રગટ થયેલી.

તમને યાદ હોય તો અગાઉ શૌકત સિદ્દીકી નામની મહિલા લેખિકાએ પાકિસ્તાની લશ્કરના અધિકારીઓ દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચાર અને બેહિસાબી સંપત્તિની વાતો એક પુસ્તકમાં પ્રગટ કરેલી. બુશરા રહેમાન નામની લેખિકાએ પણ સરકાર વિરોધી લેખો લખીને જાનનું જોખમ ખેડેલું. ગુલાલઇ અમેરિકા ચાલી ગઇ એમ બુશરા ભારતમાં આવતી રહી. દાઉદ ઇબ્રાહિમ જેવા ગદ્દાર ભારતીય ડૉનને સંઘરતું પાકિસ્તાન કયા મોઢે ભારતને કહે કે બુશરા રહેમાન અમને સોંપી દો ?
જાણીને નવાઇ લાગશે કે પાકિસ્તાનમાં આજે પણ ૮૦ ટકા ગ્રામીણ મહિલાઓ કને આપણા આધાર કાર્ડ જેવું નેશનલ આઇડેન્ટિટી કાર્ડ નથી. એના વિના એ બેંકમાં એકાઉન્ટ ખોલાવી ન શકે કે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી ન શકે. આવા બીજા પણ ઘણા પ્રતિબંધો પાકિસ્તાની મહિલાઓ પર છે. છતાં ૨૦૧૮ની ચૂંટણી વખતે ૩૮ લાખ નવા મહિલા મતદારો નોંધાયા હતા. પાકિસ્તાનના કાયદા મુજબ કોઇ પણ વિસ્તારમાં ૧૦ ટકા મહિલા મતદારો હોય તો જ એ વિસ્તારનો ઉમેદવાર કાયદેસર રીતે ચૂંટાયેલો ગણાય.

હવે જ્યાં મહિલાઓ કને નેશનલ આઇડેન્ટિટી કાર્ડ કે વોટર કાર્ડ ન હોય તો મત આપે કેવી રીતે ? પરંતુ ધીમે ધીમે કેળવણીના પ્રતાપે આવેલી જાગૃતિના પગલે ૩૮ લાખ નવા મહિલા મતદારો જોઇને નેતાઓ ચોંકી ઊઠયા હતા. સ્વાભાવિક રીતે જ તેમને ડર લાગે કે હવે આ પુરુષ પ્રધાન સમાજમાં મહિલાઓ માથું ઊંચકશે તો તો આસમાન તૂટી પડશે. તેમનો આ ડર હવે ખોટો રહ્યો નથી. પાકિસ્તાની મહિલાઓ માથું ઊંચકી રહી છે.  

પાકિસ્તાની મહિલાઓમાં જાગૃતિ આણવામાં ઇસ્માઇલી ખોજા લોકોના જગતગુરુ નામદાર આગાખાન સાહેબનો અને દાઉદી વહોરા સમાજનો પણ બહુ મોટો ફાળો છે. આગાખાન સાહેબે મહિલા શિક્ષણ માટે રીતસર એક પ્રકારનું આંદોલન ચલાવ્યું છે એમ કહી શકાય. આખી દુનિયમાં તેમના અનુયાયીઓ કન્યા શિક્ષણની ઝુંબેશ ચલાવતા હોય તો પાકિસ્તાન શી રીતે બાકાત રહી શકે ? આ સંજોગોમાં પાકિસ્તાનના વિવિધ વિસ્તારની બાળકીઓ ભણતી થઇ.

શિક્ષણ આવ્યું એટલે તેમને સમજાતું થયું કે અમારી સાથે ખીલે બાંધેલા ઢોર જેવો વર્તાવ કરાય છે. શારીરિક મારપીટ અને બીજા અત્યાચારો વચ્ચે પણ હવે મહિલાઓ સશક્તિકરણમાં માનતી અને એને અપનાવતી થઇ છે. ઇમરાન ખાન અને પાકિસ્તાની લશ્કરના ખેરખાંઓ આવી રહેલી આંધીને નહીં ઓળખી શકે તો અલ્લાહ પણ તેમને બચાવી નહીં શકે.

Comments