શંકર જયકિસનના સંગીત સર્જનની વાત કરતી વખતે એક
મુદ્દો લેખકને સદા વિસ્મિત કરતો રહ્યો છે. એ વિસ્મયજનજક મુદ્દો એટલે શંકર જયકિસનના
સંગીતમાં રહેલું અખૂટ વૈવિધ્ય. ભારતીય ફિલ્મો માનવ જીવનના દરેક પાસાને રજૂ કરતી
રહી છે. અહીં સમજી વિચારીને 'ભારતીય ફિલ્મો' શબ્દો
વાપર્યા છે. એનું કારણ સ્પષ્ટ છે. સંગીત દરેક ભારતીય ભાષાની ફિલ્મોનો પ્રાણવાયુ
બની રહ્યું છે. આપણી વાતો જો કે હિન્દી ફિલ્મ સંગીત પૂરતી મર્યાદિત રહી છે. એક
રીતે જુઓ તો ફિલ્મ સંગીતકારો માટે એક પ્રકારની મર્યાદા કે લક્ષ્મણરેખા આપોઆપ અંકાઇ
જાય છે. દરેક ફિલ્મ એના ડાયરેક્ટરની કલ્પના મુજબ બને છે. ફિલ્મની કથા, કલાકારોની ઇમેજ વગેરેને ધ્યાનમાં રાખીને ડાયરેક્ટર કથાપ્રવાહમાં અવરોધ ઊભો
ન કરે એ રીતે ગીતો ગોઠવવાનું વિચારે છે. ગીતના ફિલ્માંકનની દરેક ડાયરેક્ટરની
પોતાની એક સ્ટાઇલ હોય છે.
વાતને ફક્ત સંગીત
પૂરતી મર્યાદિત રાખીએ તો શંકર જયકિસનના વૈવિધ્યની ઝલક પણ માણવા જેવી રહી છે.
રોમાન્સ (જેમાં મિલન,
વિરહ, રીસામણાં-મનામણાં વગેરે આવી જાય),
પારિવારિક સંબંધો, દોસ્તી, ભક્તિગીતો, ચિંતન પ્રેરક ગીતો, હર્ષ અને શોકનાં ગીતો, નાઇનન્ટી ફિફ્ટી નાઇન જેવાં
અંકસૂચક ગીતો, શુદ્ધ રાગ આધારિત ગીતો, લોકગીતો,
નૃત્ય ગીતો, દેશભક્તિ સૂચક ગીતો, પાશ્ચાત્ય શૈલીનાં ગીતો, મૈં ક્યા કરું રામ મુઝે
બુઢ્ઢા મિલ ગયા જેવાં અટકચાળાં ગીતો... વિષય વૈવિધ્યનો પાર નથી. દરેક ગીત પોતાની
આગવી શૈલીથી અને કથાને ઉપકારક બની રહે એવું બનાવવાની તેમની જિદ દેખાઇ આવે છે. આપણે
શરુઆત ક્યાંથી કરીશું ?
નવરાત્રિ ચાલી રહી છે
એટલે નૃત્યગીતોથી વાતનો આરંભ કરીએ. આ પ્રકારનાં ગીતોમાં પણ આપણી વાતની સગવડ ખાતર
બે વિભાગ પાડી શકાય. પહેલા પ્રકારમાં સોલો ડાન્સ આવે. જેમ કે કિસી કી મુસ્કુરાહટોં
પે હો નિસાર...અથવા મેરા જૂતા હૈ જપાની જેવાં ગીતોને સોલો ડાન્સ સોંગ કહીએ. એમાં
માત્ર કથાનાયક કે નાયિકા આ ગીતમાં નૃત્ય કરતા હોય. બીજાં ગીતો સમૂહગીતો છે જેનો
પ્રયોગ બરસાત મેં હમ સે મિલે તુમ સજનથી શરુ કરીને આહા આયી મિલન કી બેલા દેખો આયી..
સુધી લંબાતો જોવા મળે છે. ફિલ્મ રાજ કપૂરની હોય કે અન્ય કોઇ હીરોની હોય, શંકર
જયકિસનનાં ડાન્સ સોંગ લગભગ દરેક વ્યક્તિને ઝૂમતી કરી દે છે. ન્યાતજાતના મેળાવડામાં
જુઓ કે શિક્ષણ સંસ્થાના વાર્ષિકોત્સવમાં જુઓ, શંકર જયકિસનનાં
નૃત્યગીતોએ રીતસર એક કરતાં વધુ પેઢીને ઘેલું લગાડયું.
અહીં ફરી વિસ્મય થાય
એવી એક ખૂબી નોંધવા જેવી છે. પ્યાર કર લે નહીં તો ફાંસી ચડ જાયેગા.. કે હમ ભી હૈં
તુમ ભી હો,
દોનોં હૈં આમને સામને...,
હો મૈંને પ્યાર કિયા, હાય ક્યા જુર્મ
કિયા, ઇન આંખોં કા રંગ હો ગયા ગુલાબી ગુલાબી... ત્રણે ગીતો
એક જ ફિલ્મ જિસ દેશ મેં ગંગા બહતી હૈંનાં છે અને ત્રણે ગીતનો કેન્દ્રવર્તી વિચાર
જુદો છે પરંતુ દરેક ગીતમાં ડાન્સ છે. કોઇ એવી દલીલ કરે કે ડાન્સર અભિનેત્રી
પદ્મિની હીરોઇન હતી એટલે ડાન્સગીત વધુ મૂક્યા હશેે. એ વાત અડધી સાચી ગણાય.
આત્મસમર્પણ કરી રહેલા બહારવટે ચડેલા ડાકુઓના જીવનની આ એક કવિત્વમય ઝલક હતી. પહેલા
બંને ગીતો ગુ્રપ ડાન્સનાં અને ત્રીજું ગીત સોલો ડાન્સનું છે. ત્રણેમાં લય સરખો છે.
ખેમટા તાલમાં ત્રણે ગીતો રજૂ થયાં છે. પરંતુ ત્રણેમાં આનંદ-ઉલ્લાસનો જે ઊછાળો છે એ
સાંભળનારને પણ ઝૂમતા કરી દે છે. એ આ ડાન્સ ગીતોની વિશેષતા છે.
આમ થવાનું એક કારણ
કદાચ એ હશે કે શંકરજીએ મુંબઇ આવીને ફિલ્મોમાં ઝુકાવ્યું એ પહેલાં સાઉથમાં એક
ક્લાસિકલ ડાન્સ મંડળી સાથેે કામ કરી ચૂક્યા હતા. એ પોતે અચ્છા ડાન્સર હતા. (એવા એક
અનુભવની વાત પણ આપણે આવતા સપ્તાહે કરીશું.)ક્લાસિકલ ડાન્સર્સ પોતાના આંગિક અભિનય
અને ડાન્સની વિવિધ મુદ્રાઓ દ્વારા ગીતના ભાવને મંચ પર તાદ્રશ કરતા હોય છે. એ અનુભવ
શંકરજીને ફિલ્મ સંગીતમાં કામે લાગ્યો એમ કહી શકાયએ તો એમાં અતિશયોક્તિ નથી. ફરી
યાદ કરાવું. સૌથી મહત્ત્વની વાત તો એ કે ચંબલની કોતરોમાં રહેલા અને પથ્થર સાથે રહીને
પથ્થર જેવા થઇ ગયેલા ડાકુઓમાં છૂપાઇ રહેલા માણસને આવાં નૃત્યગીતો દ્વારા રાજ કપૂર
અને શંકર જયકિસને આપણી સામે મૂક્યો. નૃત્યગીતોની આવી ઝલક વિશે વધુ વાત આવતા
શુક્રવારે .
-------------
Nice 👌 👍
ReplyDeleteNice Information.
ReplyDeleteઅતિ સુંદર માહિતી.
ReplyDeleteGood information..
ReplyDelete