દીપોત્સવીના સપરમા પર્વે શંકર જયકિસને સર્જેલાં ભક્તિગીતોની આછેરી ઝલક...

 


આજે પચીસમી ઓક્ટોબરે વાઘ બારસ છે. દિવાળીના ઉત્સવોનો આરંભ થઇ ચૂક્યો છે. એવા સપરમા પર્વ પર શંકર જયકિસનના ખજાનામાંથી કેટલાંક મધુર અને ભાવસભર ભક્તિગીતોની વાત કરવી છે. ફિલ્મ સંગીતના સુવર્ણયુગમાં લગભગ દરેક સંગીતકારે એકએકથી ચઢિયાતાં ભજનો આપ્યાં છે. ઇન્સાફ કા મંદિર હૈ યહ ભગવાન કા ઘર હૈ (નૌશાદ), તુમ્હીં હો માતા પિતા તુમ્હીં હો (ચિત્રગુપ્ત), આના હૈ તો આ રાહ મેં કુછ ફેર નહીં હૈ (ઓ પી નય્યર), પ્રભુ તેરો નામ જો ધ્યાવે ફલ પાવે અને અલ્લાહ તેરો નામ (જયદેવ), સુખ કે સબ સાથી દુઃખમેં ન કોઇ અને ચૂપ ચૂપ મીરાં રોયે (કલ્યાણજી આનંદજી), અય માલિક તેરે બંદે હમ અને જો તુમ તોડો પિયા (વસંદ દેસાઇ), તોરા મન દરપ્ણ કહલાયે અને મેરી સુન લે અરજ બનવારી (રવિ), જ્યોત સે જ્યોત જગાતે ચલો અને ખબર મોરી રામ લીજે.. (લક્ષ્મીકાંત પ્યારેલાલ)... આ યાદી અહીં અટકાવું છું.
આ બધાંની વચ્ચે પ્રણયગીતો તેમજ ડાન્સ ગીતોથી પંકાયેલા શંકર જયકિસન પણ જરા પાછા પડે એમ નથી. ૧૯૪૭-૪૮થી અઢી ત્રણ દાયકાની કારકિર્દીમાં આ જોડીએ પણ કેટલાક સરસ ભક્તિગીતો આપ્યાં. આ જોડીએ સંખ્યાની દ્રષ્ટિએ કદાચ ભક્તિગીતો ઓછાં આપ્યાં હોય તો એમાં એમનો દોષ નથી. તમને કઇ ફિલ્મમાં ક્યારે ભક્તિગીત પીરસવાની તક મળશે એ કહી શકાય નહીં. નિર્માતા-નિર્દેશક એવી તક ગોઠવી કાઢે ત્યારે મળે. છતાં જે થોડાંક ગીતો આ જોડીએ આપ્યાં એ અન્યોથી જરાય ઊતરતાં નથી. હંમેશની જેમ આપણે તો બે એપિસોડની ઝલકથી સંતોષ માનવાનો છે. 
સંજોગવશાત્ અને ક્ષણિક ગુસ્સામાં હત્યા કરીને મહિલા કલ્યાણ ગૃહમાં આવેલી ભોળા કબૂતર જેવી યુવતીનો પહેલો દિવસ એક પ્રાર્થનાથી શરુ થાય છે. ફિલ્મ સીમા. ગૃહપતિ ઓર્ગન પર બેસીને પ્રાર્થના ગવડાવે છે, 'તૂ પ્યાર કા સાગર હૈ, તેરી એક બૂંદ કે પ્યાસે હમ, લૌટા જો દિયા તૂને, ચલે જાયેંગે જહાં સે હમ...' આ ગીતની ખૂબી એ છે કે પ્રત્યક્ષ રીતે આ ગીત કથાને આગળ વધારવામાં નિમિત્ત બનતુંં નથી, પરંતુ ગીત તમારા દિલને સ્પર્શી જાય છે. બલરાજ સાહની પર ફિલ્માવાયેલા અને મન્ના ડેએ ગાયેલા આ ગીતને ગાયકે યોગ્ય રીતે પોતાને ગમતાં ગીતોમાં સ્થાન આપ્યું છે.
એથી પણ  ચઢિયાતું ગીત શ્રીધરની ફિલ્મ દિલ એક મંદિરમાં હતું. ફિલ્મ પૂરી થઇ જાય છે. સામાન્ય રીતે આવું બને ત્યારે દર્શકો ઊઠીને ચાલવા માંડે. પરંતુ મિડિયા સાક્ષી છે, આ ગીતમાં લાખ્ખો દર્શકો પોતાની બેઠક પરથી ખસ્યા નહોતા. ભારતીય સંગીતના કારુણ્યસભર રાગ જોગિયામાં સુમન કલ્યાણપુર અને મુહમ્મદ રફીએ ગાયેલું એ ગીત એટલે 'દિલ એક મંદિર હૈ, પ્યાર કી ઇસ મેં હોતી હૈ પૂજા, યહ પ્રીતમ કા ઘર હૈ...' આ ગીત સાંભળીએ ત્યારે એક ક્ષણ માટે એવું લાગે કે જરુર શૈલેન્દ્રની કમાલ છે.

પરંતુ આ ગીતના શબ્દો હસરત જયપુરીના છે એ જાણીએ ત્યારે આફ્રીન થઇ જવાય. શબ્દોની પસંદગી અને ભાવનિરુપણ કાબિલ-એ-દાદ છે. દર્શકો ફિલ્મની કથાથી પરિચિત છે. એવા સમયે મુહમ્મદ રફી બુલંદ મધુર કંઠે ગીતનો ઉપાડ કરે કે 'જાને વાલે કભી નહીં આતે..' ત્યાંજ ઘણા દર્શકોની આંખના ખૂણા ભીના થઇ જતા. બંને ગાયકોએ પોતાના કંઠની સાથોસાથ પ્રાણ સીંચી દઇને ગીતને જબ્બર સંવેદનશીલ બનાવ્યું છે.

રસપ્રદ વાત એ છે કે ટાઇટલ સોંગ છે પરંતુ ફિલ્મ પૂરી થવા ટાણે આ ગીત પાર્શ્વભૂમિમાં ગવાય છે. બંને મુખ્ય કલાકારો રાજકુમાર અને મીના કુમારી પર ફિલ્માવાયું નથી. છ માત્રાના દાદરા તાલમાં જે રીતે ગીત વહે છે એ ઓડિયન્સની આંખો ભીંજવી દે છે. થિયેટરની બહાર નીકળતો પ્રેક્ષક આ ગીતના પ્રતિઘોષ સાથે ઘેર જાય છે. શંકર જયકિસનનાં ઉત્તમોત્તમ ગીતોમાં આ ડયુએટને મૂકી શકાય.
જો કે કેટલાક લોકોને આ ગીત ભક્તિગીત નહીં લાગે. દરેકને પોતાનો અભિપ્રાય ધરાવવાનો અધિકાર છે. વાસ્તવમાં આ ગીતમાં શુદ્ધ પ્રેમ, બલિદાન અને અધ્યાત્મનો ત્રિવેણી સંગમ છે. શબ્દો, તર્જ, લય અને ઓરકેસ્ટ્રેશન એ ત્રણેનો પણ અહીં ત્રિવેણી સંગમ છે. શબ્દોના ભાવને અનુરુપ વાદ્યોનું સંકલન અનુભવી શકાય છે. આવાંજ બીજાં બે ત્રણ ભક્તિગીતોની વાત આવતા શુક્રવારે. તબ તક કે લિયે આજ્ઞાા દીજિયે હુજૂર...
------------------

Comments