ભીતર છે એજ સર્વત્ર છે, જે ભીતર નથી એ સૃષ્ટિમાં ક્યાંય નથી...
પૌરાણિક
કથાઓ વાંચીએ ત્યારે દરેક કથામાં એક સામ્ય જોવા મળે. દેવો હોય કે દાનવો
હોય, તેમના વિશેની કથામાં માત્ર એટલો ઉલ્લેખ આવે કે 'લાંબો સમય કઠોર
તપશ્ચર્યા કરી.' તપશ્ચર્યા એટલે ખરેખર શું કર્યું એની સ્પષ્ટતા કરી ન હોય.
આમ આદમીને સમજાય નહીં. કઇ તપશ્ચર્યા ? નામ જપ, ઉપવાસ, હઠયોગ, ધ્યાન-ધારણા,
કીર્તન... કશાની વિગત મળે નહીં.
બીજી બાજુ અધ્યાત્મ સાધના,
મંત્ર, તંત્ર, યંત્ર, કંુડલિની જાગૃતિ, ઇત્યાદિ વાતો પ્રાચીન કાળના
ઋષિ-મુનિઓએ ખુલ્લંખુલ્લા જાહેર કરી નહીં. કેટલીક વાતો આ પૌરાણિક કથાના
રચનાકારોએ પોતાના પૂરતી મર્યાદિત રાખી. માત્ર એટલી માહિતી પ્રગટ થઇ ખરી કે
અમુક સાધના વામમાર્ગી હોય છે અને અમુક સાધના દક્ષિણ માર્ગી હોય છે. કેટલીક
સાધનાને મેલી સાધના ગણાવવામાં આવી.
આધુનિક કાળમાં એક એવા સિદ્ધ
પુરુષ થઇ ગયા જેઓ સતત પોઝિટિવ થીન્કીંગ દ્વારા એવા નિષ્કર્ષ પર આવ્યા કે
અસુરો તરીકે ઓળખાવાયેલાં કેટલાંક પાત્રો પણ મોક્ષ તો પામ્યા હતા. તો આજના
કાળમાં દરેક વ્યક્તિને શક્તિપાત દ્વારા બ્રહ્મસાક્ષાત્કાર કરવાની તક કેમ ન
આપવી ? સ્વામી રામકૃષ્ણ પરમહંસે શક્તિપાત દ્વારાજ નરેન્દ્રને સમાધિયોગની
અનુભૂતિ કરાવી હતી.
મુંબઇથી આશરે ૬૦-૭૦ કિલોમીટર દૂર ગણેશપુરી વિસ્તારમાં સ્વામી મુક્તાનંદ પરમહંસનો આશ્રમ છે. આ સ્વામી મુક્તાનંદ પરમહંસ સદેહે હાજર હતા ત્યારે પોતાના ગુરુની પરવાનગી મેળવીને ભારતમાં અને વિદેશોમાં અનેક લોકોને શક્તિપાત દ્વારા ધ્યાનમગ્ન થવાની કલા શીખવી. અનેક લોકોનું જીવન પરિવર્તન કરી નાખ્યું.

એટલેથી અટક્યા નહીં. 'ચિદ્
વિલાસ શક્તિ' નામે પુસ્તક લખ્યું. એેમાં પોતાની સાધનાનું રહસ્ય સ્પષ્ટ
કર્યુંં અને આ સાધના દ્વારા પોતાને થયેલી દિવ્ય અનુભૂતિની વાતો પણ સ્પષ્ટ
કરી. અધ્યાત્મ જગતમાં આ એક જબરદસ્ત ક્રાન્તિ હતી.
આવું લગભગ દરેક
ધર્મ અને સંપ્રદાયમાં બને છે. અમીર ખુસરોના ગુરુ હજરત નિઝામુદ્દીન ઔલિયા
અને હજરત મોઇનુદ્દીન ચિશ્તી ઉર્ફે હજરત ગરીબનવાઝ (અજમેર) જેવા અનેક સિદ્ધો
ઇસ્લામમાં પણ થઇ ગયા. ખ્રિસ્તી ધર્મમાં પણ આવા સાધકો ઘણા થયા. પોરબંદરમાં
વસતાં અધ્યાત્મ સાધિકા બહેને તાજેતરમાં એક અદ્ભુત પુસ્તક મોકલ્યું. મૂળ
અંગ્રેજી પુસ્તકનો એ ભાવાનુવાદ છે.
સાત પગલાં આકાશમાં અને પરમ સમીપે
ફેમ ઇશા કુન્દનિકા (કાપડિયા)એ આ ભાવાનુવાદ કર્યો છે. એનંુ ટાઇટલ છે
'ઊઘડતાં દ્વાર અંતરનાં' અઢી ત્રણ દાયકા પહેલાં આ પુસ્તક પ્રગટ થયું હતું.
અત્યારે તો અપ્રાપ્ય છે. અત્યંત સરળ ભાષામાં જાતને ઓળખવાની અને પોતાના
અંતરમાં રહેલા બ્રહ્મ સ્વરુપને પિછાણીને જીવન સાર્થક રીતે જીવી જવાની
માસ્ટર કી આ પુસ્તકમાં છે.
અખો અને કબીર જેવા સૂફી સંતોએ કાવ્ય
સ્વરુપે એે વાત કરી છે, 'મુઝ કો કહાં ઢૂંઢે બંદે મૈં તો તેરે પાસ હું, ના
મંદિર મેં ના મસ્જિદ મેં, ના કાબા કૈલાસ મેં...' એ જ વાત ચિદ્ વિલાસ શક્તિ
કે ઊઘડતાં દ્વાર અંતરનાં જેવાં પુસ્તકોમાં વર્ણવાઇ છે.
મહર્ષિ
વેદવ્યાસે મહાભારત વિશે લખેલી પંક્તિમાં થોડી છૂટ લઇને કહીએ તો જે ભીતર છે
એજ સર્વત્ર છે, જે ભીતર નથી એ સૃષ્ટિમાં ક્યાંય નથી... દરેક ધર્મના સાધકોએ
કહ્યું છે કે તમારી ભીતર ડોકિયું કરો. ગુરુ કહો, પરમાત્મા કહો, બ્રહ્મ
કહો, આત્મા કહો, જે નામે વર્ણવો એ નામે, પણ છે આપણા સૌની ભીતર.
જેને ભીતર જોતાં આવડી ગયું એ તરી ગયો. બહાર ફાંફા મારવાનો કશો અર્થ નથી. ભક્ત કવિ પ્રીતમે કહ્યું છે, માંહી પડયા તે મહાસુખ પામે... ફિલ્મી ગીતની પંક્તિ ટાંકીએ તો જાં નિસાર અખ્તરે (ફિલ્મ ઉસ્તાદ, ૧૯૫૭) લખ્યું, 'જાન સકે તો જાન, તેરે મન મેં છૂપકર બૈઠે તેરે હી ભગવાન...' દિવાળીની પૂર્વસંધ્યાએ દરેકને પોતપોતાની અધ્યાત્મ સાધના ફળે એવી પ્રાર્થના...

Comments
Post a Comment