કેવા કેવા લોકો ડિઝનીલેન્ડમાં આવે છે એનો આ નજરે જોયેલો અહેવાલ આપણને ચોંકાવી દે એવો છે
'દુનિયા આખીના લોકો સમજે છે કે અમે કેવા નસીબદાર છીએ. દુનિયાના ખૂણે ખૂણેથી લોકો અહીં મીકી માઉસ, મીની માઉસ, ડોનાલ્ડ ડક, લોંચપેડ મેક્વેક જેવાં અમર ગણાતાં પાત્રોને મળવા અને વિશ્વનું શ્રેષ્ઠ ગણાતું મનોરંજન માણવા આવે છે...અમે અહીં કામ કરીએ છીએ એટલે આગંતુક પર્યટકોને અમારી અદેખાઇ પણ આવતી હશે કે આ લોકોને કેવી મજા ! પરંતુ સાચું માનજો, અમારી સ્થિતિ ખરા અર્થમાં દયનીય છે..ઘાયલ કી ગત ઘાયલ જાને.. અમારે અહીં જાતજાતના લોકો સાથે પનારો પાડવો પડે છે' અમેરિકાના જગવિખ્યાત ડિઝનીલેન્ડની એક મહિલા કર્મચારી કહે છે.
'અહીં વિવિધ વિભાગો માટે જુદી જુદી ફી ચૂકવીને ટિકિટ કમ પાસ લેવાના હોય છે. અમે કોઇને પાસ વગર જવા દઇએ તો અમારી સામે શિસ્તભંગનાં પગલાં લેવામાં આવે અને અમારો પગાર પણ કપાઇ જાય. આ વાતની અહીં આવનારા બધા પર્યટકોને જાણ હોતી નથી.
એટલે અમુક રાઇડમાં જતાં અમે કોઇને રોકીએ તો હજારો પર્યટકોની સામે અમને લાફો કે મુક્કો મારી દેવામાં આવે છે... કોઇ માથાફરેલો ટીનેજર અમારા પર રીતસર થૂંકે છે... એક કેનેડિયને તો 'હાય બ્યૂટી' એમ બોલીનેે મારી છાતી પર હાથ નાખ્યો હતો, સ્તન દબાવવાની કશિશ કરી હતી...' એેમ લોરેન અને લ્યુસી નામની મહિલા કર્મચારીઓએ મિડિયાને કહ્યું હતું.
'ન્યૂયોર્ક પોસ્ટ' નામના દૈનિક સાથે સંકળાયેલી એક મહિલા રિપોર્ટરે આવી એક ઘટના નજરે જોઇ. એણે પોતાના તંત્રીને વાત કરી. પેલાએ તક ઝડપી લીધી. પોતાની રિપોર્ટરને કહ્યું, તું જ એક રવિવારે સવારથી ત્યાં હાજરી આપ અને નજરે જોયેલો અહેવાલ લખીને આપ. આપણે એ અહેવાલ છાપીશું. ખરેખર એ અહેવાલ પ્રગટ થયો પણ ખરો. કેવા કેવા લોકો ડિઝનીલેન્ડમાં આવે છે એનો આ નજરે જોયેલો અહેવાલ આપણને ચાંેકાવીદે એવો છે.
શિક્ષિત અને ભદ્ર સમાજમાંથી આવતા લોકો પણ કેવો બેહુદો વ્યવહાર કરે છે એ જોવા જેવું છે. લોરેનને મુક્કો મારનાર વ્યક્તિ નજીકની એક એવી મોંઘીદાટ હૉટલમાં ઊતરી હતી જેના સ્યૂટનો એક દિવસનો રહેવાનો ચાર્જ ૮૫૦ ડૉલર્સ (આશરે રુપિયા ૪૨,૫૦૦) હતો, ખાવાપીવાના કે ડ્રીન્કના પૈસા જુદા. આવો માલેતુજાર માણસ. પરંતુ લ્યુસીએ એને હૉન્ટેડ હાઉસ માટે અલગ ટિકિટ લેવાનું કહ્યું એમાં એ મહાશયનો પિત્તો ગયો. કેનેડાથી આવેલા એક દંપતીનો કિસ્સો પણ રસપ્રદ છે. પત્નીને પગમાં વાની તકલીફ હતી એટલે પતિએ લોરેનને કહ્યું કે મારી પત્ની માટે વ્હીલચેરની વ્યવસ્થા કરી આપો પ્લીઝ... તરત પેલી મહિલાએ ચીસ પાડીને ના કહી. કેમ ? તો કહે, આ રીતે વ્હીલચેરમાં ડિઝનીલેન્ડમાં ફેરવીને જાહેરમાં મારી ફજેતી કરાવવી છે ? આ પતિ-પત્ની વચ્ચેની ખેંચતાણનો ગુસ્સો પેલા ૫૭ વર્ષના પતિદેવે લોરેન પર કાઢ્યો. એને ચોઇસેસ્ટ ગાળો આપી અને એના સ્કર્ટ પર થૂંક્યા.
ખાસ કરીને આફ્રિકન દેશોમાંથી આવતા બિનગોરા અને ઇસ્લામી દેશોમાંથી આવતા પર્યટકોથી અમારે વધુ સાવધ રહેવું પડે છે એમ ગેબ્રાયલ નામના કર્મચારીએ કહ્યું. બિનગોરા લોકો તરત ગળે પડી જાય છે કે અમારી સાથે રંગદ્વેષી વર્તન કર્યું... ઇસ્લામી દેશોના પર્યટકો તો હવે ખરીખોટી આતંકવાદીની છાપ ધરાવે છે. સદ્ભાગ્યે હજુ સુધી કોઇ પણ દેશમાં ડિઝનીલેન્ડની શાખા પર આતંકવાદી હુમલા થયા નથી. અહીં લોકો નિર્ભેળ અને નિર્દોષ મનોરંજન માટે આવે છે.
અહીં અન્ય એક મુદ્દો સમજવા જેવો છે. મહિલા પત્રકારે જોયું કે ડિઝનીલેન્ડના કર્મચારીઓ સાથે ગેરવર્તન કરનારાને સહેલાઇથી પોલીસને સોંપી શકાય છે. ઠેર ઠેર સીસીટીવી છે એેટલે ગેરવર્તન કરનાર આસાનીથી ઝડપાઇ જઇ શકે છે. પરંતુ કર્મચારી બે રીતે ડરે છે. એક, કોઇ વિદેશી નાગરિક ગળે પડી જાય કે મને લૂંટી લીધો અથવા મારું રંગદ્વેષી અપમાન કર્યું. આવી ફરિયાદ થાય એટલે વાતનું વતેસર થાય. પોલીસ કેસ થાય અને કર્મચારી ક્યારેક ક્રીમીનલ (ગુનેગાર) ગણાઇ જાય.
બીજી બાજુ ડિઝનીલેન્ડના સંચાલકો પણ પોલીસ કેસ થાય તો અમારી બદનામી થશે એવા ડરે બીજી બાજુ ડિઝનીલેન્ડના સંચાલકો પણ સંબંધિત કર્મચારીને પાણીચું પકડાવી દઇ શકે. આજે ચારેબાજુ મંદી જેવા વાતાવરણમાં નોકરી ગુમાવવા કરતાં થોડું જતું કરવું સારું એવું ડિઝનીલેન્ડ કર્મચારી સંઘના સભ્યો કહે છે. આવું ગેરવર્તન કરનારા પર્યટકો ઓછા હોય છે, રાજી થઇને ટીપ આપનારો વર્ગ મોટો છે. એટલે મને-કમને ડિઝનીલેન્ડના કર્મચારીઓ પર્યટકોનું ગેરશિસ્ત સાંખી લે છે.
Comments
Post a Comment