આશા પારેખ, પદ્મિની, વૈજયંતી માલા કે હેલન- ગમે તેનાં ડાન્સ ગીતોને યાદ કરો, ઝૂમતાં થઇ જશો


                  


ફિલ્મ સંગીતના શહેનશાહ શંકર જયકિસનનાં ડાન્સ ગીતોની ઝલક આપણે માણી રહ્યાં છીએ. ડાન્સગીતોની વાતો આમ તો ઘણી લંબાઇ જાય. પરંતુ આપણે હજુ લાંબી મજલ કાપવાની છે એટલે માત્ર ઊડતી ઝલક લઇએ એ પૂરતી છે. શંકર જયકિસનનાં સંગીતથી સજેલી ફિલ્મોમાં ખાસ કરીને નૃત્ય નિપુણ અભિનેત્રીઓને સંભારીએ એટલે તરત તરવરાટથી તરબતર ગીતો યાદ આવે. બે ક્લાસિકલ ડાન્સર લઇએ- આશા પારેખ અને વૈજયંતી માલા. એક એવરગ્રીન ડાન્સર લઇએ- લેખકના નમ્ર મતે હેલન જેણે તમામ પ્રકારના ડાન્સીઝમાં પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરી હતી. એ વિશે વધુ વાત કરીએ એ પહેલાં એક મુદ્દો સમજી લઇએ. શંકર જયકિસનનાં નૃત્યગીતોમાં શુદ્ધ શાસ્ત્રોક્ત ગીતો ઉપરાંત લોકનૃત્ય  (ફૉક), અરબી  શૈલીનાં ગીતો અને પાશ્ચાત્ય શૈલીનાં ગીતો એ તમામ આવી જાય. 

 આમ તો ભૈરવીનાં ગીતોની વાત કરતી વખતે તમને જણાવેલું કે અરબી શૈલીની છાંટ ધરાવતું એ ગીત એટલે આશા પારેખ પર ફિલ્માવાયેલું ફિલ્મ શિકારનું ગીત 'પરદે મેં રહને દો, પરદા ના ઊઠાઓ...'  પાશ્ચાત્ય શૈલીનું ગીત (સંગીતકારોની કારકિર્દીના ઉત્તરાર્ધનું ) પસંદ કરીએ. આસમાની રંગના મોજાંથી ઝૂલતા દરિયાકાંઠા પર એક તરફ મોંમાં સિગારેટ સાથે સદાબહાર ખલનાયક પ્રાણ બેઠા છે, બીજી બાજુ એવાજ ખલનાયક કમ ચરિત્રનટ મદન પુરી બેઠા છે, ગમગીન ચહેરે નંદા બેઠી છે. એ બધાંને જોઇને દરિયાનાં પાણીમાં તરવા જતી હેલન છેડે છે 'ઇસ દુનિયા મેં જીના હો તો સુન લો મેરી બાત, ગમ છોડ કે મનાઓ રંગ રેલી ઔૈર માન લો જો કિટ્ટી કેલી...' આ ગીતમાં તમને ભારતીય અને પાશ્ચાત્ય બંને શૈલીની ઝલક મળે. ગીતમાં વચ્ચે વચ્ચે પ્રાણ અને મદન પુરી તાળી પાડીને તાલ મિલાવે છે.

વૈજયંતી માલાની વાત કરીએ ત્યારે માત્ર એક ફિલ્મ બસ થઇ પડશે. આમ્રપાલી. આ ફિલ્મનું સંગીત શુદ્ધ શાસ્ત્રીય અને ફૉકના દૂધ-સાકર જેવા સમન્વય જેવું છે. કથા પૌરાણિક-કમ-કોસ્ચ્યુમ ટાઇપની હોવાથી વૈજયંતીનું પાત્ર જ એક નૃત્યાંગનાનું હોવાથી એની  પાસે સુંદર ડાન્સ કરાવ્યા છે. આ ફિલ્મના કોઇ પણ ડાન્સગીતને લો- નાચો ગાઓ નાચો ધૂમ મચાઓ, આયા મંગલ ત્યૌહાર, લે કે ખુશીયાં હજાર લો કે પછી  નીલ ગગન કી છાંવ મેં દિન રૈન ગલે સે મિલતે હૈં... લ્યો વૈજયંતીના ગ્રેસફૂલ ડાન્સ સાથે જે રીતે ગીતની તર્જ અને લય તદ્રુપ થઇ જાય છે એ માણતાં તમે ધરાશો નહીં. આવા બીજા દાખલા પણ લઇ શકાય.  શંકર જયકિસનનાં સંગીત સાથે એ સમયની અન્ય ટોચની અભિનેત્રીઓ પણ સંકળાયેલી હતી. જેમ કે અસલી નકલીમાં સાધના (અસલી નકલી), બાદલ (મધુબાલા), નૂતન (નગીના), પદ્મિની (જિસ દેશ મેં ગંગા બ હતી હૈ). 

આ વાત થતી હતી ત્યારે ચંદ્રશેખર વૈદ્યે સરસ સૂચન કર્યું 'ડાન્સ એેટલે નૃત્ય એમ જરુરી નહીં. અભિનેત્રી પ્રેમમાં પડે ત્યારે એના મનમાં મોરલા નાચતા હોય. એવા સમયે જે ગીત રજૂ થાય એમાં એક પ્રકારનું પરોક્ષ નૃત્ય હોય જ. દાખલા તરીકે ફિલ્મ નગીનાનું નૂતન પર ફિલ્માવાયેલું ગીત 'કૈસી ખુશી કી હૈ રાત, બાલમ મેરે સાથ...' અહીં શબ્દોની સાથે તર્જ અને લય નૃત્ય કરે છે, અભિનેત્રીએ ડાન્સ કરવાની જરુર નથી...' વાત સાચ્ચી છે. અગાઉ બરસાતના ટાઇટલ ગીતની વાત કરી ત્યારે તમારું ધ્યાન ખેંચ્યું હતું કે ગીતની તર્જમાં જ ડાન્સ છૂપાયેલો છે. બરસાત મેં હમ સે મિલે તુમ સજન... ગીત ઊપડે તે તરત સંગીત રસિકના પગ ઠેકો આપવા માંડે. આમ ડાન્સ ગીતોમાં બે પ્રકારનાં ગીતો આપણને આ સંગીતકાર બેલડી તરફથી મળ્યાં છે. અને બંને પ્રકારનાં ગીતો કોમન મેનને જકડી લેનારાં બન્યાં છે એ આ બેલડીની ખૂબી છે.

આ સંદર્ભમાં ઉસ્તાદ અમીર ખાનના એક વિધાનને ટાંકવાની ઇચ્છા રોકી શકાતી નથી. ખાનસાહેબે એક મુલાકાતમાં કહેલું, જે તે રાગની અસર સાંભળનારની પોતાની એ સમયની માનસિકતા પર પણ આધાર રાખે છે. કોઇ માણસ વેપાર ધંધામાં કે અન્ય ક્ષેત્રમાં અણધારી સફળતા મેળવીને આવ્યો હોય ત્યારે એ મિયાં કી તોડી કે બૈરાગી રાગ સાંભળીને ગમગીન ન પણ થાય. સાંભળનારની પોતાની માનસિકતા આ સંદર્ભમાં મહત્ત્વની છે. એ દ્રષ્ટિએ તમે જુઓ તો શંકર જયકિસન ધીંગી સફળતાને વર્યા છે.
-----------------

Comments