ખાનગી ગણાવાયેલી પહેલી ટ્રેન તેજસ સફળતાથી દોડાવ્યા બાદ હવે વધુ ૧૫૦ ટ્રેનો અને પ૦ રેલવે સ્ટેશનો ખાનગી કોન્ટ્રેક્ટરને સોંપવાની વાતથી રેલવે કર્મચારી સંઘો નારાજ થયા. એજ રીતે બેંકોના મર્જરના મુદ્દે બેંકોનાં કર્મચારી યુનિયનો બાંયો ચડાવી રહ્યા છે. પહેલી જાન્યુઆરીથી બેંકો દરેક સેવા માટે ચાર્જ વસૂલ કરશે એવા સમાચાર પણ પ્રગટ થયા. આ ત્રણે મુદ્દા મારા તમારા જેવા આમ આદમીને લાગુ પડે છે અને રોજબરોજના વ્યવહારમાં અવરોધ પેદા કરે છે.
એટલે એ તરફ જનતાએ સંગઠિત થવું જોઇએ એમ લાગે છે. વાતનો આરંભ બેંકોથી કરીએ. માત્ર એક ગુજરાતી સાથી પ્રધાન નામે મોરારજી દેસાઇને હાંકી કાઢવા માટે ૧૯૬૮-૬૯માં ત્યારના વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરીને સામાન્ય નાગરિકને સદાને માટે મુશ્કેલીમાં મૂકી દીધો. આ વાંચનાર દરેક વાચક પોતાના હૈયા પર હાથ રાખીને જાતને પૂછે- શું હું મારી બેંકના મારી સાથેના વ્યવહારથી સંતુષ્ટ છું ?
એકસોમાંથી ૯૦ ટકાનો જવાબ 'ના' હોવાનો. એ જ રીતે દરેક બેંક કર્મચારી પોતાના હૈયા પર હાથ રાખીને જાતને સવાલ પૂછે, શું હું મારા ખાતેદારને સંતોષ થાય એ પ્રકારની સેવા આપું છું ખરો ? વાસ્તવમાં છેલ્લાં ત્રીસ ચાલીસ વર્ષમાં અબજો ખર્વો રુપિયાના જે કૌભાંડો થયાં એમાં બેંકના ઑફિસર્સ પોતે પણ પાપના ભાગીદાર બની રહ્યા એ હકીકત સ્વીકાર્યે છૂટકો.
નાની નાની પાંચ સાત બેંકોના મર્જરથી મોટી બનેલી બેંકના કર્મચારીઓના કાર્યબોજમાં વધારો થાય એ હકીકત છે. સાથોસાથ ગ્રાહકને સંતોષ નથી થતો એ હકીકત પણ સ્વીકારવી રહી. ખાનગી માલિકોના હાથમાં જવાથી બેંકો ઉત્તમ સેવા આપશે એની કોઇ ગૅરંટી નથી. એથી ઊલટું પણ થઇ શકે. અત્યારેજ સરકારી જમાઇ જેવું વર્તન કરનારા બેંક અધિકારીઓ પછી વધુ દાદાગીરી કરતાં થઇ જાય એવું પણ બને.
કેટલાક અખબારી અહેવાલો મુજબ પહેલી જાન્યુઆરીથી બેંકો પોતાના સર્વિસ ચાર્જીંસ વધારવાની છે. તમે તમારા પોત્તાના ખાતામાંથી પૈસા ઉપાડો તો પણ બેંક સર્વિસ ચાર્જ લગાડશે એ વાત સાચી હોય તો સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી થવી ઘટે છે. સર્વિસ ચાર્જ વસૂલ કરતી વખતે બેંકો ઇન્ટરનેશનલ લેવલની સેવા આપે છે ? એ પહેલાં નક્કી કરવું પડે. નહીંતર જેવી સેવા તેવો ચાર્જ એ અભિગમ સ્વીકારવો પડે. આ તો અરસપરસ છે. ખાતેદાર છે તો બેંક કર્મચારીના ઘરનો ચૂલો સળગે છે એ હકીકત વિસરાવી ન જોઇએ. ખાતેદાર જ ન હોય તો કર્મચારીએ બેઠાં બેઠાં માખો મારવી પડશે.
રહી રેલવેની વાત. એમાં તો અનેક મુદ્દા ઊઠાવી શકાય છે. એક સાવ નાનકડોદાખલો ટાંકું છું. દિવાળીના દિવસે અમદાવાદથી મુંબઇ જતી શતાબ્દી એક્સપ્રેસમાં એક ગૃહિણીની ટિકિટમાં ફક્ત એક વેઇટિંગ લિસ્ટ લખેલો હતો. પરંતુ એક પણ ટિકિટ કલેક્ટરે એને ટિકિટ કન્ફર્મ કરી ન આપી. કેમ, તો એક કર્મચારીએ ઓળખ છૂપાવીને કહ્યું, આજે તો ટિકિટ દીઠ પંદરસો રુપિયા ઓન મળે છે... એજન્ટો છાતી ઠોકીને કહે છે, પૈસા આપો. અમે તમને કન્ફર્મ્ડ ટિકિટ આપીશું. નામ પશ્ચિમ રેલવે છે, પરંતુ મોટા ભાગનો સ્ટાફ ઉત્તર ભારતનો છે. એ લોકો એમ જ સમજે છેે કે ગુજરાતીઓ પૈસાદાર જ હોય. એમની કનેથી તો પૈસા કઢાવવાના જ હોય.
અને હા, નામ પશ્ચિમ રેલવે છે પરંતુ એનું હેડ ક્વાર્ટર મુંબઇમાં એટલે કે મહારાષ્ટ્રમાં છે. એ અમદાવાદમાં કેમ ન હોઇ શકે ? આ ઉપરાંત વિચારવાની વાત એ છે કે રેલવેનો વહીવટ ખાનગી કંપનીને સોંપાય એમાં કર્મચારીને શા માટે વાંધો હોવો જોઇએ ? તમારો પગાર કપાતો હોય અથવા કામના કલાકો વધારાતા હોય તો તમે વિરોધ કરેા એ સમજી શકાય.
બાકી તમારે શા માટે વિરોધ કરવો પડે ? હકીકત એ છે કે તમે પ્રજાના સેવક છો એ નક્કર વાત તમે સ્વીકારતા નથી અને ઉતારુએાને રેઢિયાળ સર્વિસ આપો છો એટલે તમને ડર છે કે ખાનગી માલિકને ફરિયાદ મળતાં અમારી સામે કડક પગલાં લેવાય તો ?
'આન્સરેબિલિટી' શબ્દ ભલે અંગ્રેજી રહ્યો પરંતુ મહત્ત્વનો શબ્દ છે. હિન્દીમાં એનો તરજૂમો 'જવાબદેહી' તરીકે કરાય છે. બેંક હોય કે રેલવે હોય, કોઇ કર્મચારી કદી ગ્રાહકને સંપૂર્ણ સંતોષ થાય એવી સેવા આપવા કાયદેસર રીતે બંધાયેલો હોય છે.
ખરેખર તો તમે સરકારી બાબુ ગણાવાને બદલે પ્રાઇવેટ કર્મચારી ગણાવા તૈયાર થઇ જાઓ. કામચોરી કે દિલચોરી નહીં ચાલે. વિદેશોમાં જુઓ. પ્રાઇવેટ કંપનીઓ દ્વારા કેવી સેવા અપાઇ રહી છે. તમે વિદેશયાત્રાએ જાઓ ત્યારે ત્યાંની સેવાના વખાણ કરતાં થાકતાં નથી. તો એવી સેવા અહીં ઘરઆંગણે આપવામાં શો વાંધો છે ભૈ ?
Comments
Post a Comment