'અવર
ઇઅર ઇઝ એટયુન્ડ ટુ ધ મ્યુઝિક ઑફ ટુમોરો, બોથ હિયર એન્ડ ઓલ ઓવર ધ
વર્લ્ડ...વી આર એસેન્શ્યલી મોડર્ન મ્યુઝિક મેકર્સ મેકર્સ એન્ડ હેવ ઓલરેડી
સ્ટ્રીવન ટુ કાર્વ અ ન્યુ મ્યુઝિકલ ઇડિયમ્સ ફોર મોડર્ન ઇન્ડિયા...' લગભગ
૧૯૬૦ના દાયકામાં શંકર જયકિસનની કારકિર્દીનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો
ત્યારે ઘણું કરીને અંગ્રેજી અખબાર 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ને આપેલા
ઇન્ટરવ્યૂમાં આ બેલડીએ કહેલા શબ્દો છે.
સરળ ગુજરાતી એનો સાર
એટલો જ કે માત્ર ભારતમાં નહીં, સમગ્ર વિશ્વ માટે અમે આવતી કાલના સંગીતને
વરેલા છીએ. આધુનિક ભારતની યુવા પેઢી માટે નવું સંગીત સર્જવાના પ્રયાસો કરીએ
છીએ.
શંકર જયકિસનના સંગીત સર્જનની વાત હવે આપણે શરુ કરવાના છીએ. એ
સંદર્ર્ભમાં કેટલાક મુદ્દા નોંધવા જેવા છે. બહુ ઓછા લેખકોનું આ તરફ ધ્યાન
ગયું હોય એમ લાગે છે. તમે શંકર જયકિસનની ફિલ્મોગ્રાફી પર નજર નાખો તો આ
વાતનો ખ્યાલ આવશે. આ બેલડીએે લગભગ ૧૮૦ ફિલ્મોમાં સંગીત આપ્યું.
દરેક
ફિલ્મનાં સરેરાશ (એવરેજ) સાતથી આઠ ગીતો ગણો તો આ બંનેએ કુલ તેરસોથી ચૌદસો
ગીતો આપ્યાં. દરેક ગીતને સો ટચના સોના જેવું બનાવવા માગતા હોવાથી તેમણે
ગાયકોની પસંદગી પણ ખૂબ ઝીણવટભરી કરી. જરા ધ્યાન આપજો. આ બે જણે પોતાની
સમગ્ર કારકિર્દી દરમિયાન, પંચાવનથી સાઠ કંઠ અજમાવ્યા છે. એની નોંધ લેવી
જોઇએ. બરસાતની ત્રણે અભિનેત્રી- નરગિસ, નીમ્મી અને 'હવા મેં ઊડતા
જાયે...' ફેમ જુનિયર કલાકાર બિમલા માટે બધાં ગીતો લતાજીએ ગાયાં. એટલે
લતાજીથી વાત શરુ કરીએ. હવે નોંધ કરો કેટલા ગાયકો આ બંનેએ અજમાવ્યાં ?
મુહમ્મદ રફી, મૂકેશ, મન્ના ડે, તલત મહેમૂદ, કિશોર કુમાર, (રફી સાહેબના નિધન
પછી ) મુહમ્મદ અઝીઝ, મહેન્દ્ર કપૂર, હેમંત કુમાર, નીતિન મૂકેશ, મનહર, પંકજ
મિત્રા, સુબીર સેન, શબ્બીર કુમાર, સુરેશ વાડકર, એસપી બાલાસુબ્રહ્મણ્યમ,
અમિત કુમાર, અપરેશ લાહિરી, સી એચ આત્મા, પંડિત કૃષ્ણારાવ ચોનકર, પંડિત
ભીમસેન જોશી, ભૂપેન્દ્ર, જી એમ દુર્રાની, ... મહિલા કંઠમાં લતાજી પછી આશા
ભોંસલે, ગીતા દત્ત, આરતી મુખરજી, અનુરાધા પૌડવાલ, અલકા યાજ્ઞિાક, ચંદ્રાણી
મુખરજી, મુબારક બેગમ, દિલરાજ કૌર, કૃષ્ણા કલ્લે, સુષમા શ્રેષ્ઠા, સુમન
કલ્યાણપુર, શારદા, સુધા મલ્હોત્રા, પ્રીતિ સાગર, શોભા ગુર્ટુ, સુલક્ષણા
પંડિત, ઉષા મંગેશકર, મધુબાલા ઝવેરી, મીના મંગેશકર....
આ યાદી આપવાનું
ખાસ કારણ છે. શંકર જયકિસન સતત નવી પ્રતિભાની શોધમાં હતા અને સતત ઉત્કૃષ્ટ
આપવાનો એમનો હેતુ હતો. અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં જે દાવો કર્યો છે
એના અનુસંધાનમાં આ યાદી આપી છે. હજુ બીજાં નામ આપી શકાય એમ છે. પંચાવન-સાઠ
ગાયકોમાં બહુ જાણીતા ગાયકો આ યાદીમાં રજૂ કર્યા. તમે આખી યાદી ફરી એકવાર
ધ્યાનથી વાંચી જાઓ તો ખ્યાલ આવશે કે એમાં આગલી પેઢીના જી એમ દુર્રાની અને
મધુબાલા ઝવેરી પણ છે અને સાવ નવી પેઢીના મનહર અને શબ્બીર કુમાર પણ છે.
શાસ્ત્રીય
સંગીતના દાદુ ગાયકો પણ છે. એક સિનિયર સાજિંદાને ટાંકીએ તો ધે વેર
કોન્સટન્ટલી ઇન સર્ચ ઑફ પરફેક્શન... આ બંને સતત પરફેક્શનની શોધમાં હતા.
પોતાના સમય કરતાં ઘણા આગળ હતા.
આ બંનેએ કારકિર્દી શરુ કરી ત્યારે
ભારતીય સંગીતના ધુ્રવતારક સમા શાસ્ત્રીય સંગીતકારો પણ ફિલ્મ સંગીત સાથે
સંકળાયેલા હતા. પંડિત રવિશંકર, પંડિત પન્નાલાલ ઘોષ, પંડિત રામ નારાયણ,
ઉસ્તાદ અલી અકબર ખાન, ઉસ્તાદ અલ્લારખ્ખા, ઉસ્તાદ અહમદ જાન થીરકવા...
વગેરે.
પરંતુ શંકર જયકિસને પોતે કરેલી પોતાની વ્યાખ્યા મુજબ એ
આધુનિક પેઢીના પ્રતિનિધિ હતા એટલે આ ધુરંધરોમાંથી માંડ એકાદ બેને તેમણે
પોતાના સર્જનમાં ખપ પૂરતા સાંકળ્યા હતા. (ક્રમશઃ)
Great
ReplyDelete