વસતિ-બોંબ સૌથી વધુ વિસ્ફોટક...!


1947માં દેશ આઝાદ થયો ત્યારે આખા દેશની આશરે 33 કરોડની વસતિ હતી. આજે કાચા આંકડા મુજબ એક અબજ 30 કરોડની આસપાસ વસતિ છે
અમેરિકાના મેસેચ્યુએટસમાં આવેલી હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક ભારતીય સાધુ સાથે તાજેતરમાં થોડાક વિદ્વાનોની બેઠક યોજાઇ હતી. એમાં એક વિદૂષીએ સદ્ગુરુના હુલામણા નામથી ઓળખાતા એ સાધુને સવાલ પૂછેલો કે કોઇ યુવતી માતા બનવા ન ઇચ્છતી હોય તો ? એ વિશે આપનો શો અભિપ્રાય છે ?

આંખનો પલકારોય માર્યા વિના સદ્ગુરુએ કહ્યું કે હું એને એવોર્ડ આપીને એનું સન્માન કરું... અત્રે એ યાદ રહે કે દેશમાં એનડીએ સરકાર સ્થપાઇ ત્યારબાદ પોતાને સાધુ તરીકે ઓળખાવતાં એક કરતાં વધુ ભગવાધારીએ એવી હાકલ કરી હતી કે દરેક હિન્દુ પુરુષે બાર બાળકો પેદા કરવા જોઇએ. બીજી બાજુ સદ્ગુરુ જેવા ક્રાન્તિકારી ગણાતા સાધુએ ઇટ્સ ઇનફ નાઉ, હવે મહિલાઓએ થોડો સમય માતૃત્વથી વંચિત રહેવાની માનસિક તૈયારી રાખવી જોઇએ એવો દ્રઢ અભિપ્રાય રજૂ કર્યો. 
સદ્ગુરુએ તો આંકડા સહિત પોતાના અભિપ્રાયને દ્રઢાવ્યો હતો. તેમનો અભ્યાસ આંખે ઊડીને વળગે એવો હતો. એમણે કહ્યંુ કે ગઇ સદીના આરંભે ૧૯૧૦માં સમગ્ર વિશ્વની વસતિ એક અબજ સાઠ કરોડની હતી. અત્યારે સાત અબજ ૬૦ કરોડની છે અને ૨૦૫૦ સુધીમાં ૧૦ અબજ ૩૦ કરોડની થઇ જશે.

આટલા બધા લોકો માટે રોટી-પાની, કપડાં ઔર મકાન ક્યાંથી કાઢશો ? સાધનો અને સ્રોતો મર્યાદિત છે.  /યોગાનુયોગે આ વર્ષના સ્વાતંત્ર્ય દિને ૧૫મી ઑગસ્ટે આ જ વાત વડા પ્રધાને પોતાના આઝાદી દિનના પ્રવચનમાં દોહરાવી. પાણીનાં સ્રોતો ખૂટી રહ્યાં છે. ગામડાં ભાંગી રહ્યાં છે, ખેતરો અને ખેતી તરફથી ખેડૂતો અન્યત્ર નજર દોડાવતા થયા છે. ૩૫થી ૪૦ ટકા લોકો ગંદી ઝૂંપડપટ્ટીમાં કે ફૂટપાથ પર રહે છે. આ સંજોગોમાં સૌથી વધુ વિસ્ફોટક કશું હોય તો એ વસતિ-વિસ્ફોટ છે. 
ભારત પૂરતી વાત મર્યાદિત રાખીએ તો ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારે આખા દેશની આશરે ૩૩ કરોડની વસતિ હતી. આજે કાચા આંકડા મુજબ એક અબજ ૩૦ કરોડની આસપાસ વસતિ છે. ૪૦ ટકાથી વધુ લોકોને એક ટંક પેટભર ભોજન મળતું નથી. લગભગ ૬૦ ટકા જેટલા લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી.

આ વરસે અનેક સ્થળોએ ભીષણ પૂર આવ્યાં છે. દરિયામાં વહી જતા એ અબજો ક્યૂસેક પાણીને સંઘરવાની આપણી પાસે ક્ષમતા નથી. દરિયાના પાણીને પીવાલાયક બનાવવાની ગુજરાજ રાજ્યની યોજના પહેલેજ પગથિયે ભાંગી પડી હોવાના સમાચાર ગયા સપ્તાહે પ્રગટ થયા હતા. બેકારી, ભૂખમરો અને અપરાધખોરી પરીકથાની રાજકુંવરીની ઝડપે દિવસરાત વધી રહ્યાં છે. 
આ સંજોગોમાં દેશની તમામ કોમો અને જાતિઓએ સદ્ગુરુ જગ્ગી વાસુદેવે અને વડા પ્રધાને કહેલી વાતને ધ્યાનમાં લેવાની જરુર છે. અગાઉ એવી માન્યતા હતી કે પું નામના નરકમાંથી બચાવે એ પુત્ર. પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે પુત્રો માતાપિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવા થનગનતા હોય છે.

બીજી બાજુ પુત્રીઓને સાપનો ભારો ગણનારી જ્ઞાાતિ-જાતિઓ હજુ આજે પણ છે. પુત્રી પ્રેમલગ્ન કરે તો એને એન પતિ સાથે ખાનદાન કી ઇજ્જતના નામે મારી નાખનારા અનેક પરિવારો આપણી વચ્ચે છે.  હવે હમ દો હમારા (કે હમારી ) એકની ભાવના પણ સંયમમાં રાખવાની તાતી જરુર છે.
વૃદ્ધાવસ્થામાં રિબાતાં રહેવા કરતાં નિઃસંતાન હોવું ખોટું નથી. દરેક કોમ, જાતિ કે સમાજના લોકોએ વસતિ નિયંત્રણના સરકારી કાર્યક્રમને એકસો ટકા સાથ આપવાની તાતી જરુર છે. ઘણા વિદ્વાનો કહે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થશે. એ પરિસ્થિત નિવારવાની જવાબદારી દેશના દરેક નાગરિકની છે.

અન્ન ઉત્પાદન વધારવા માટે પણ જરુર તો પાણીની પડે. ભારત જેવા દેશો તો ચોમાસા આધારિત ખેતી પર નભે છે. કેટલાક વિસ્તારોમાં સિંચાઇ દ્વારા પણ ખેતી થતી હશે. આમ છતાં સદ્ગુરુ જગ્ગી વાસુદેવ જેવા જાગ્રત લોકોનાં સૂચનને વધાવી લેવાની જરુર છે. 
સ્વેચ્છાએ નિઃસંતાન રહેવા માગતી મહિલાને એવોર્ડ દ્વારા બિરદાવવી જોઇએ. વસતિનો વિસ્ફોટ વિનાશકારી આપત્તિ સર્જે એ પહેલાં અગમચેતીનાં પગલાં લેવામાં કશું ખોટું નથી. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એમ અંગ્રેજીમાં કહે છે. સારવાર કરતાં સમજદારી વધુ સારી. નક્કી આપણે કરવાનું છે કે હાલનાં ભૂલકાંને કેવું ભવિષ્ય આપવું ? આજનું બાળક વીસ વર્ષ પછી વડીલોને યાદ કરીને નિસાસા નાખે એના કરતાં સમજીને વસતિ-વિસ્ફોટને નિયંત્રિત કરીએ. આપણું ભાવિ આપણા હાથમાં છે.


Comments