દરેક ભારતીય ભાષાના સાહિત્યમાં લગભગ એકી અવાજે નવરસને સ્વીકારાયા છે- શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર,
શાંત, વીર, ભયાનક,
અદ્ભુત અને બીભત્સ. શાસ્ત્રીય સંગીતના વિદ્વાનોએ દરેક રાગના વ્યાકરણ
સાથે જે તે રાગ દ્વારા નિષ્પન્ન થતા રસનો પણ ઉલ્લેખ કર્યો છે. શંકર જયકિસનની
માનીતી ભૈરવી એમાં એક રસપ્રદ અપવાદ છે. શાસ્ત્રીય સંગીતના સાધકોએ ભૈરવીનો પરિચય બે
રીતે આપ્યો છે- ભૈરવી સર્વદા સુખદાયિની અને ભૈરવી સદા સુહાગિન... ચોવીસ કલાકમાં
ગમે ત્યારે સાંભળો-ગાઓ-વગાડો, ભૈરવી સર્વદા સુખદાયિની બની
રહે છે અને ભૈરવી સાચા અર્થમાં 'અખંડ સૌભાગ્યવતી' ગણાવાઇ છે. જયકિસનને તો આ રાગિણી
એટલી વહાલી કે પોતાની પુત્રીનું નામ ભૈરવી પાડયું.
ખરું પૂછો તો સુવર્ણયુગના તમામ ફિલ્મ સંગીતકારોએ ભૈરવીને પોતપોતાની રીતે લાડ
લડાવ્યા. માત્ર બે ત્રણ દાખલા જુઓ તો 'તૂ ગંગા
કી મૌજ મૈં જમુના કી ધારા' (બૈજુ બાવરા, નૌશાદ), 'લાગા ચુનરી મેં દાગ, છૂપાઉં
કૈસે..' (દિલ હી તો હૈ, રોશન),
'નાચે મન મોરા મગન ધીક્ તાં ધીગી ધીગી...' (મેરી
સૂરત તેરી આંખેં, એસડી
બર્મન) આમ દરેક સંગીતકારે ભૈરવીને લાડ લડાવ્યા છે. શંકર જયકિસને આ રાગિણીને થોેડો
વધુ પ્રેમ કર્યો. રાગિણી એક જ, પરંતુ એમની બંદિશોમાં વિપુલ
વૈવિધ્ય મળ્યું. અગાઉ આ સ્થળેથી ફિલ્મ બરસાતનાં બે ગીતોની વાત કરી હતી. હવે આગળ
વધીએ. શંકર જયકિસનની ભૈરવીમાં તમને મોટા ભાગના રસની ઝલક મળે. એમની ભૈરવી બીજા
સંગીતકારો કરતાં અલગ લાગવાનું કારણ રાજ કપૂરનો સહવાસ હતો.
શંકર જયકિસને ભૈરવીમાં જબરદસ્ત વૈવિધ્ય આપ્યું. વિવિધ ભાવ, વિવિધ સંવેદનાને અત્યંત ઋજુતાથી તેમણે ભૈરવી દ્વારા પ્રસ્તુત
કર્ર્યા. આપણે દરેક મુદ્દાની માત્ર ઝલક લેવાના છીએ એટલે અહીં બે ચાર દાખલા લઇને
આગળ જઇશું. 'આજા સનમ મધુર ચાંદની મેં હમ... ' કે 'દિલ તેરા દિવાના...' યા 'અજી ઐસા મૌકા ફિર કહાં મિલેગા..' માં અદમ્ય તરવરાટ
અનુભવાય છે. બીજી બાજુ 'તેરા જાના, દિલ
કે અરમાનોં કા લૂટ જાના..' અથવા 'દિલ
અપના ઔર પ્રીત પરાયી..'માં વિરહની વેદના અનુભવાય છે. 'એક દિન મીટ જાયેગા માટી કે મોલ..,' 'સજન રે જૂઠ મત બોલો, ખુદા કે પાસ જાના હૈ..' અને 'દુનિયા બનાનેવાલે ક્યા તેરે મન મેં સમાયી..' જેવાં ગીતોમાં ફિલોસોફીકલ ટચ છે. સંવેદન કોઇ પણ હોય, શંકર જયકિસનની બંદિશ એમના ચાહકો તરત પકડી લેતા કે આ તો શંકર જયકિસનનું ગીત
છે. એનું એક કારણ ગીતની સાથે રજૂ થતું વાદ્યવૃન્દ ગણી શકાય. બરસાતથી શરુ થયેલું
એમનું ઓરકેસ્ટ્રેશન આવારા. અનાડી, ચોરી ચોરી, શ્રી ૪૨૦, દાગ વગેરે ફિલ્મોમાં એવી રીતે પ્રસ્તુત
થતું કે સંગીતના અભ્યાસીઓ ઉપરાંત કોમન મેન પણ સ્થળ કાળનું ભાન ભૂલી જાય.
શાસ્ત્રીય સંગીતમાં જેમ અસ્થાયી, અંતરો, સંચારી, આભોગ
વગેરે અંગો પ્રચલિત છે એમ શંકર જયકિસનના સંગીતમાં તમને પ્રાસ્તાવિક, મુખડું, મુખડું અને અંતરા વચ્ચેનું પાર્શ્વસંગીત અને
અંતરો એમ ચાર ખૂબી માણવા મળે. ફિલ્મ દાગ (દિલીપ કુમાર નીમ્મી)નું તલત મહેમૂદે
ગાયેલું અય મેરે દિલ કહીં ઔર ચલ... એનો સર્વોત્તમ દાખલો ગણી શકાય. આવાં બીજાં પણ
ઘણાં ગીતો છે. માત્ર એક દાખલો નમૂના રુપે રજૂ કર્યો. એ જ રીતે ભૈરવીમાં સબ કુછ
સીખા હમ ને ના સીખી હોશિયારી.. જેવાં ગીતો
સાંભળો ત્યારે ચારેચાર ખૂબી અનુભવાય. જે ખૂબી આ દરેક ગીતની તર્જમાં છે એ જ ખૂબી
તેની સાથે વાગતાં વાજિંત્રોમાં છે. દરેક વાજિંત્ર એની વિશિષ્ટતા સાથે ગૂંજે છે
પરંતુ ગીતને ઉપકારક હોય એ રીતેજ વગાડાયું છે. એ ગીત પર છવાઇ જતું નથી. પછી વાયોલિન
હોય કે સેક્સોફોન હોય, તબલાં, ઢોલક કે
ડફ હોય. શંકર જયકિસને પોતાનાં ગીત સર્જનમાં વગાડેલા વાજિંત્ર વિના તમે જે તે ગીતની
કલ્પના સુદ્ધાં ન કરી શકોે. સૌથી
મહત્ત્વની વાત એ છે કે તમને ગીતની તર્જ કે લયમાં ભારેપણું કે જટિલતા ન અનુભવાય.
અને ત્યાં શંકર જયકિસન બીજા સંગીતકારો કરતાં જુદા પડી જતા. રાગ આધારિત ગીત હોય અને
વિશિષ્ટ રીતે તાલપ્રયોગ કર્યો હોય પરંતુ ગીતમાં જરાય ભારેપણું નહીં. સરળતા એમનો
સ્થાયીભાવ થઇ ગયેલો એમ કહીએ તો ચાલે. શંકર જયકિસનની ભૈરવી એ જ કારણોથી વધુ
લોકપ્રિય અને આસ્વાદ્ય થઇ પડી એવું લાગે છે.
-----------
બહુજ સરસ રસપ્રદ માહિતી બાદલ આભાર
ReplyDelete