અહો આશ્ચર્યમ્- મ્યુઝિક અને મોટરકાર મિકેનીઝમ !




નંદનજી, ઉસ્તાદ વિલાયતખાન અને પંડિત ભીમસેન જોશીની સંગીતમાં  જેટલી માસ્ટરી હતી  એટલી જ માસ્ટરી કારના મિકેનિઝમમાં હતી
આજે ટુ ધ પોઇન્ટની કટારનંુ આ હેડિંગ વાંચીને તમને વિસ્મય થયું હોય તે સ્વાભાવિક છે. સંગીત મનને શાંત કરે છે અને કેટલાક માનસિક વ્યાધિની સારવાર કરે છે. એને ઘરઘરાટ કે ફટફટ ધ્વનિ સાથે કશી લેવાદેવા નથી. ટુ વ્હીલ હોય કે ફોર વ્હીલર હોય, સાયલન્સર ગમે તેટલું પાવરફૂલ હોય તો પણ આ બંને વાહનોમાં થોડોક ઘરઘરાટ તો થવાનો જ. એને સંગીત સાથે કેવી રીતે સંબંધ હોય એવું આ લેખકડો પણ ગઇ કાલ સુધી દ્રઢપણે માનતો હતો. 
એ માન્યતા દૂર કરી બે ત્રણ પુસ્તકોએ. યોગાનુયોગે ત્રણે પુસ્તકો ભારતીય સંગીતની હરતી  ફરતી દંતકથા (લેજન્ડ) જેવા કલાકારોને લગતાં નીકળ્યાં. પહેલું પુસ્તક બનારસ ઇન અમદાવાદ નામનું છે. દર વરસે જાન્યુઆરીના આરંભે બારથી તેર દિવસનું અદ્વિતીય સંગીત સંમેલન અમદાવાદમાં યોજાય છે. સપ્તક નામની સંસ્થા આ મ્યુઝિક કોન્ફરન્સ યોજે છે.

આ સંસ્થાના સ્થાપક અને અદ્વિતીય તબલાવાદક પંડિત નંદન મહેતા બનારસના પંડિત કિસન મહારાજના શિષ્ય હતા. નંદનભાઇ અને એમનાં સિતારવાદિકા પત્ની વિદૂષી મંજુ મહેતાની પ્રણયકથાની સાથોસાથ સપ્તક સંસ્થાની સ્થાપનાની રસપ્રદ વાતો આ પુસ્તકમાં વણી લેવામાં આવી છે. આટલું વાંચીને એમ નહીં માનતા કે આમાં ઓટો મિકેનિઝમ ક્યાં આવ્યું ? 
એ વાત હવે આવે છે. નંદન મહેતા જેટલા અદ્ભુત તબલાવાદક હતા એટલાજ નિષ્ણાત મોટર મિકેનીક હતા. મોટરની ઇગ્નીશન કી ફેરવો અને એંજિન ચાલુ થાય ત્યારે જે ધ્વનિ પ્રગટે એ સાંભળીને નંદનભાઇ તરત કહી દેતા કે ગાડીમાં શી ખામી છે. એ પોતે આખી મોટરના એક્કે એક પાર્ટને છૂટા કરીને ફરી આખી કાર એસેમ્બલ કરી શકતા. ઉત્તમ કક્ષાના ચાલક હોવા ઉપરાંત એટલીજ ઉચ્ચ કક્ષાના મિકેનીક. નવાઇ લાગે એવી વાત છે ને ? આવી ખૂબી ધરાવનારા એ એકલા નહોતા. 
તાજેતરમાં અનોખા સિતાર અને સૂરબહાર વાદક ઉસ્તાદ વિલાયત ખાન સાહેબની આત્મકથા કોમલ ગાંધાર વાંચવામાં આવી. આ આત્મકથા બંગાળી અને હિન્દીમાં ઉપલબ્ધ છે.

આ આત્મકથામાં ઉસ્તાદ વિલાયત ખાન કહે છે, 'મને જેટલો રસ સિતાર અને સૂરબહારમાં પડે એટલોજ રસ કારના મિકેનીઝમમાં પડતો. એટલે હું પોતે મારી કારને સમજતાં શીખ્યો અને આખેઆખી મર્સિડીઝ હું જાતે ખોલી નાખતો. દરેક પાર્ટ પેટ્રોલથી સાફ કરીને ત્યારબાદ ફરી કારને યથાવત્ ગોઠવી નાખતો.' 
ઉસ્તાદજી વિશે અંગ્રેજી ભાષામાં પુસ્તક સિક્સ્થ સ્ટ્રીંગ ઑફ ઉસ્તાદ વિલાયત ખાન...ની લેખિકા નમિતા દેવીદયાલે પણ નોંધ્યું છે કે એકવાર ઉસ્તાદજીને ત્યાં દહેરાદૂનમાં વિશિષ્ટ મહેમાન હાજર હતાં.

એક દિવસ એ સવારે ઊઠીને જુએ તો ઉસ્તાદજી કારની અંદર હતા. કારના દરવાજાની બહાર માત્ર ઉસ્તાજીના પગ દેખાતા હતા. અતિથિએ તપાસ કરી કે ઉસ્તાદજી કારની અંદર સવાર સવારમાં બેસીને શું કરતા હતા ? જવાબ મળ્યો કે કારમાં વધુ ઉતારુ અથવા વધુ સામાન કઇ રીતે લઇ જઇ શકાય એ વિશે હું અંદર બેસીને વિચારતો હતો.
ઔર એક લેજન્ડના ઉલ્લેખ વગર આ વાત અધૂરી ગણાશે. સંગીત પ્રભાકર નામે ભારત રત્ન પંડિત ભીમસેન જોશીની જીવનકથા મરાઠી ભાષામાં પ્રોફેસર અભ્યંકરે લખી છે.  એ પછી જો કે અંગ્રેજીમાં પણ ડૉક્ટર નાગરાજ હવાલદારે પણ પોતાના ગુરુની જીવનકથા લખી છે. એમાં એક રસપ્રદ વાત છે. 
પંડિતજી મોટે ભાગે પોતે પોતાની એમ્બેસેડર કાર લઇને સેંકડો કિલોમીટર દૂર પ્રોગ્રામ આપવા જતા. ક્યારેક કારમાં ખોટકો આવે તો સમયસર પ્રોગ્રામમાં પહોંચવામાં તકલીફ પડે એટલે એ પણ કાર રિપેરીંગ શીખ્યા અને પંડિત નંદન મહેતાની જેમ કાર સ્ટાર્ટ થવાનો અવાજ આવે ત્યાંજ બગડેલી બાજુનેા તેમને ખ્યાલ આવી જતો. આ રીતે તેમણે કારમાં હજારો માઇલ કે કિલોમીટરનો પ્રવાસ કરેલો. 
આ ત્રણે પુસ્તકો વાચકના મનમાં ઉત્કંઠા જગાડે કે ભારતીય સંગીત આત્મસાત કરવા માટે રોજના આઠથી દસ કલાકની આકરી તપશ્ચર્યા કરનારા આ દિગ્ગજોને સંગીતની સાથોસાથ કાર મિકેનીઝમમાં કેમ રસ પડયો હશે ?


Comments