૧૯૪૭ના ઑગસ્ટની ૧૫મીએ દેશ આઝાદ થયો.
યોગાનુયોગે એજ સમયગાળામાં શંકર જયકિસનની સ્વતંત્ર સંગીતકાર તરીકેની કારકિર્દી
ફિલ્મ 'બરસાત'થી શરુ થઇ. એમના
સંગીત સર્જનની વાત કરતી વખતે એક મહત્ત્વના મુદ્દા તરફ આપ સૌનું ધ્યાન ખેંચું છું.
સરદાર વલ્લભભાઇએ કલમના એક ઝાટકે આશરે ૬૦૦ રાજરજવાડાં નાબૂદ કરી નાખ્યાં. એ પગલાંનો
સૌથી વધુ આઘાત શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ સંગીતકારોને લાગેલોે. આગ્રા ઘરાનાના
આફતાબ-એ-મૌસિકી ઉસ્તાદ ફૈયાઝ ખાન એ દિવસોમાં વડોદરા નરેશના રાજગાયક હતા. એમણે એક
અનૌપચારિક બેઠક યોજી હતી. આ બેઠકમાં જયપુર અતરૌલી ઘરાનાના ઉસ્તાદ અલ્લાદિયા ખાન,
પતિયાલા ઘરાનાના ઉસ્તાદ બડે ગુલામ અલી ખાન, ઇંદોર
ઘરાનાના ઉસ્તાદ અમીર (આમિર નહીં) ખાન,
કિરાણા ઘરાનાના ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાન ઉપરાંત તબલાનવાઝ ઉસ્તાદ અહમદ
જાન થીરકવા જેવા અન્ય દિગ્ગજો હાજર હતા.
આ બેઠકમાં હાજર રહેલા દાદુ કલાકારોએ
ભારતીય સંગીતના ભાવિ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. રાજરજવાડાં ગયાં એટલે રાજ્યાશ્રય
ગયો. ગઇ કાલ સુધી બાદશાહી ભોગવતા આ ઉસ્તાદો ફક્કડ ગિરધારી બની ગયા. એમને ભારતીય
સંગીતના ભાવિની ચિંતા થઇ. કંઇક નક્કર કરવું જોઇએ એવો અભિપ્રાય આ સંગીતજ્ઞાોએ
વ્યક્ત કર્યો. આ બેઠકના સમાચાર ફિલ્મ સૃષ્ટિ સાથે સંકળાયેલા પંડિત રવિશંકર, પંડિત પન્નાલાલ ઘોષ, અલી અકબર ખાન કે
અલ્લારખ્ખા જેવા મારફત ફિલ્મ સૃષ્ટિમાં પણ પહોંચ્યા. તમે ફિલ્મ સંગીતના
સુવર્ણયુગનાં સદાબહાર ગીતો પર ધ્યાન આપો તો તમને ખ્યાલ આવશે કે, શાસ્ત્રીય સંગીતના આ દિગ્ગજોએ જે મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી એ દૂર
કરવાનું બીડું, જાહેરમાં કોઇ નિવેદન આપ્યા વિના કે બડી બડી
ડંફાસો માર્યા વિના શંકર જયકિસને ઝડપી લીધું. તમે આ લખનાર સાથે એક મુદ્દે અચૂક
સંમત થશો કે આજે પંડિત હરિપ્રસાદ ચૌરસિયા કે પંડિત શિવકુમાર શર્માના કાર્યક્રમમાં
પાંચ સાત હજાર સંગીત રસિકો હાજર રહેતા હોય તો એનું એક કારણ શંકર જયકિસને અને ફિલ્મ સંગીતે આપેલાં રાગ આધારિત ગીતો છે.
જરા બીજી રીતે આ વાત કહું. તમારા
બાળકને સંગીત શીખવવા તમે મ્યુઝિક ક્લાસમાં મૂકો ત્યારે ગાંધર્વ મહાવિદ્યાલયના
અભ્યાસક્રમ મુજબ પહેલો રાગ ભૂપાલી શીખવાય છે. હવે ધ્યાન આપજો. જે લોકો એમ કહે છે
કે આજની પેઢીનાં બાળકોને ભારતીય સંગીતમાં બહુ રસ પડતો નથી, એમને એક સૂચન છે. શંકર જયકિસનનાં રાગ ભૂપાલી આધારિત બે ત્રણ
ગીતો બાળકને સંભળાવો. લતાજીએ ગાયેલાંં પંછી બનું ઊડતી ફિરું મસ્ત ગગન મેં...
(ફિલ્મ ચોરી ચોરી), સાયોનારા
સાયોનારા વાદા નિભાઉંગી સાયોનારા (લવ ઇન ટોકિયો) અને નીલ ગગન કી છાંવ મેં..
(આમ્રપાલી) -આ ત્રણે ગીતો રાગ ભૂપાલીમાં છે. બાળકને સંભળાવો. પછી સમજાવો કે ભારતીય
સંગીતની ભાષામાં આ ગીતો રાગ ભૂપાલીમાં છે. માત્ર પાંચ સ્વરો સા, રે, ગ, પ, ધ,નો આ ચમત્કાર
છે. ખાતરી રાખજો કે બાળક જીવે ત્યાં સુધી કદી રાગ ભૂપાલીને ભૂલી નહીં શકે.
મૂળ મુદ્દો એ કે સંગીત શીખવવાની આપણી પદ્ધતિ બદલવાની જરુર છે.
પાછળથી તો (ફિલ્મ સંગીતના
સુવર્ણયુગના) લગભગ બધા સંગીતકારોએ રાગ આધારિત અનેક યાદગાર ગીતો આપ્યાં. શંકર
જયકિસને મૂગે મોઢે આ પ્રયાસોને સઘન સ્વરુપ આપ્યું. એમની પહેલાંના સંગીતકારોએ પણ
રાગ આધારિત ગીતો આપ્યાં છે. પરંતુ કોમન મેનના હોઠે તરત ચડી જાય એવી સરળ રાગ આધારિત
બંદિશો શંકર જયકિસને પહેલીવાર આપી એમ આ લેખક દ્રઢપણે માને છે. એથી પણ આગળ વધીને એમ
કહી શકાય કે ફિલ્મ સંગીતમાં બહુ ઓછા વપરાતા રાગરાગિણીનો ઉપયોગ પણ આ બંનેએ સફળતાથી
કર્યો. પંડિત ભીમસેન જોશી જેને મહેફિલના રાગો તરીકે એાળખાવે છે એવા પહાડી, યમન,પીલુ, ભૈરવી,
શિવરંજની, માલકૌંસ, વગેરે
રાગો ફિલ્મ સંગીતમાં વધુ વપરાતા. શંકર જયકિસને અઘરા લાગતા અને ઓછા વપરાતા રાગોને
પણ સરળ બંદિશો દ્વારા રજૂ કર્યા. હવે પછી આપણે એ હકીકતને શંકર જયકિસનનાં હિટ ગીતો
દ્વારા સુદ્રઢ કરીશું. રાગ વૈવિધ્ય અને તાલ વૈવિધ્ય બંને બાબતમાં આ બંનેએ પોતાની
આગવી કેડી કંડારી જે પાછળથી રાજમાર્ગ બની રહી. (ક્રમશઃ)
---------------------------
Comments
Post a Comment