હસરત જયપુરી અને શૈલેન્દ્રની સાથોસાથ અન્ય ગીતકારોની રચનાઓને પણ યાદગાર બનાવી



 ગયા શુક્રવારે શંકર જયકિસનના સંગીતની વાત કરતી વખતે એક મુદ્દો સ્પષ્ટ કર્યો હતો કે પોતાના આગમન પહેલાંની પેઢીના, પોતાના  સમકાલીન અને એ પછીની પેઢીના (મનહર, સુરેશ વાડકર વગેરે) એમ ત્રણ પેઢીના ગાયકોને આ બંનેએ સફળતાથી અજમાવ્યાં એટલુંજ નહીં આ ગાયકોની કારકિર્દીને વેગ પણ આપ્યો. એ એપિસોડ લખતી વખતે આવો જ એક સરસ મુદ્દો લખનારના ચિત્તમાં ઉપસ્યો હતો. આજે એની વાત કર્યા પછી આપણે ટ્રેક બદલીશું. આજે જે મુદ્દાની વાત કરવી છે એનું મહત્ત્વ પણ ઓછું નથી. 
શંકર જયકિસનના સંગીતની વાતઆવે કે તરત બે મુખ્ય ગીતકારો કલ્પનાચક્ષુ સમક્ષ આવી જાય- હસરત જયપુરી અને શૈલેન્દ્ર. આમ થવું સ્વાભાવિક છે કારણ કે આ બે ગીતકારો અને બે સંગીતકારોએ પોતાની કારકિર્દીના શ્રી ગણેશ રાજ કપૂરની બરસાત ફિલ્મથી સાથે કર્યા હતા અને લગભગ અઢી ત્રણ દાયકા સુધી આ લોકો સતત સાથે રહીને કામ કરતા રહ્યા. એક અતૂટ ટીમ જાણે બની ગઇ હતી. આ તાદાત્મ્ય એટલું તો સઘન હતું કે આ લોકો આર કે ફિલ્મ્સના પગારદાર કર્મચારી હોય એવી કોઇને શંકા જાગે. જો કે રાજ કપૂરે ક્યારેય આ ચારમાંના કોઇને કદી ધૂત્કાર્યા નહોતા કે તેમનેા અહં ઘવાય એવું કોઇ પગલું કદી લીધું નહોતું.

ખેર, આજે જે વાત કરવી છે એ આ છે. હસરત જયપુરી અને શૈલેન્દ્ર ઉપરાંત શંકર જયકિસન અગાઉ કહ્યું એમ સતત નાવીન્ય અને મૌલિક બાબતોની તલાશમાં રહેતા. પરિણામે ફિલ્મ સર્જકોએ જે જે ગીતકારો સાથે તેમને કામ કરવાની તક આપી એ તમામ ગીતકારોની રચનાને શંકર જયકિસને સદાબહાર બનાવી, કહો કે યાદગાર બનાવી. આ સિદ્ધિ વિશિષ્ટ છે, કારણ કે ફિલ્મ સંગીત સાથે સંકળાયેલા દરેક ગીતકાર અને સંગીતકાર લગભગ નક્કી જેવા રહેતા. જેમ કે રાજા મહેંદીઅલી ખાનનું નામ પડે તો મદન મોહન યાદ આવે અને શકીલ બદાયુંનીનું નામ સાથે સંગીતકાર નૌશાદ યાદ આવી જાય. 

પરંતુ શંકર જયકિસનને તમે કોઇ એક ચોક્કસ ગીતકાર સાથે બાંધી લઇ શકો નહીં. આ બંનેએ પોતાની કારકિર્દી દરમિયાન તદ્દન જુદા જુદા ચાલીસેક ગીતકારો-શાયરો સાથે કામ કર્યું. એ દરેકનાં ગીતોને યાદગાર બનાવી દીધાં. કેવા કેવા ધુરંધર ગીતકારો સાથે આ બંનેએ ભાઇચારાથી કામ કર્યું ! થોડાંક નામ મમળાવો.
હસરત જયપુરી અને શૈલેન્દ્ર ઉપરાંત આનંદ બક્ષી, અંજાન, એસ એચ બિહારી, ગુલશન બાવરા, દેવ કોહલી, ભરત વ્યાસ, પંડિત નરેન્દ્ર શર્મા, ઇન્દિવર, ફૈઝ અહમદ ફૈઝ, આનંદ દત્તા, રાજેન્દ્ર કૃષ્ણ, વીરેન્દ્ર શર્મા, મજરુહ સુલતાનપુરી, નીરજ, મહેન્દ્ર દહેલવી, કૈફી આઝમી, એમ જી હશમત, શકીલ બદાયુંની, વર્મા મલિક, નક્શ લાયલપુરી, જલાલ મલીહાબાદી, પી એલ સંતોષી, શેલી શૈલેન્દ્ર, ઉપેન્દ્ર ઝા, કિરણ કલ્યાણી, પ્રેમ ધવન, રમેશ શાસ્ત્રી, સરસ્વતી કુમાર દીપક, અંજુમ જયપુરી, અઝીઝ કશ્મીરી અને યસ, બહુ થોડું પણ યાદગાર કામ કરીને ફિલ્મ સૃષ્ટિને અલવિદા કહી દેનારા વિઠ્ઠલભાઇ પટેલ.... હજુ થોડાંક ગીતકાર-શાયરોનાં નામ રહી જાય છે.

 આમાં મજેદાર વાત એ છે કે ફિલ્મ સર્જક યા ફિલ્મનો હીરો પોતાની પસંદગીના જે ગીતકારનું સૂચન કરે એ આ બંને તરત સ્વીકારી લેતા. એમને એવી કોઇ ઓળખ પુરવાર થવા દેવી નહોતી કે અમુકજ ગીતકાર સાથે શંકર જયકિસન સફળ થયા. કોઇ પણ ગીતકાર કે કોઇ પણ ફિલ્મ સર્જક સાથે કામ કરવાની એમની તૈયારી રહેતી. ફ્રી લાન્સર તરીકે કામ કરવાનું શરુ કર્યું ત્યારે પણ રાજ કપૂર સાથેના સંબંધો પહેલાં જેવાજ મધુર અને ગાઢ રહ્યા હતા. એટલે તો જયકિસન અને શૈલેન્દ્રના નિધન વખતે રાજ કપૂર શરમ સંકોચ છોડીને નાનકડા છોકરાની જેમ ધૂ્રસ્કે ધૂ્રસ્કે રડી પડયો હતો.

 અહીં ઔર એક વાત. દિલીપ કુમાર કે દેવ આનંદ જેવા ટોચના કલાકાર સાથે કામ કરતી વખતે આ બંનેએ ખાસ ધ્યાનમાં રાખ્યું હતું કે આમ આદમીના મનમાં  આ બંનેની જે ઇમેજ છે તેે અને આ કલાકારોની અગાઉની અન્ય ફિલ્મોમાં  જે પ્રકારનું સંગીત પીરસાયું હતું, અદ્દલ એવુંજ કામ આપણે પણ કરી બતાવવું,  જેથી આ ટોચના કલાકારોને પાછળથી એ વાતનો જરાય વસવસો ન રહે કે મારી ફિલ્મનાં ગીતોને યોગ્ય ન્યાય ન મળ્યો. બાકી દેવ આનંદ મોટે ભાગે એસ ડી બર્મન પાસે અને દિલીપ કુમાર મોટે ભાગે નૌશાદ પાસે પોતાની ફિલ્મનંુ સંગીત તૈયાર કરાવતા. આ બંને અભિનેતાઓની જે ફિલ્મો શંકર જયકિસનના ફાળે આવી એનું સંગીત તમે સાંભળો. એમની અન્ય ફિલ્મોનાં સંગીત સાથે એને મૂકો અને પછી મૂલવો. રતીભાર પણ શંકર જયકિસન ઊણા ઊતરતા નથી. આ એમના સંગીતનો જાદુ છે. આ એમની પ્રતિભાનો જીવંત પુરાવો છે.
------------------

Comments

  1. બહુજ સુંદર અને મધુર

    ReplyDelete
  2. 'બરસાત'(જલાલ મલીહાબાદી - મુઝે કીસીસે પ્યાર હો ગયા / રમેશ શાસ્ત્રી - હવામેં ઊડતા જાયે મોરા લાલ દુપટ્ટા મલમલકા) કે 'બુટ પોલિશ' (સરસ્વતી કુમાર 'દીપક'- રાત ગયી ફિર દિના આતા હૈ.. ઓ રાત ગયી) ને જ્યાં સુધી શૈલેન્દ્ર હયાત હતા ત્યાં સુધી ્શંક્રર જયકિશન સાથે કામ કરનાર ગીતકારોમાં સાવ જ અપવાદરૂપ ગીતકાર કહી શકાય, જેનું કારણ તેમની આ રચનાઓ હતી જે રાજ ક્પૂરને પસંદ પડી હશે, અથવા તો 'મેરા નામ જોકર' (નીરજ - એ ભાઈ જરા દેખ કે ચલો /ે ભાઈ જ઼રા દેખ કે ચલો // શૈલી શૈલેન્દ્ર - જીના યહાં મરના યહાં / કલ ખેલમેં હમ હો ન હો // પ્રેમધવન - સદક઼ે હીર તુજ઼પે હમ ફકીર સદક઼ે)કે જ્યારે શલેન્દ્રનું અધવચ અવસાન થઈ ચૂક્યું હતું.

    પરંતુ શૈલેન્દ્રની હયાતીમાં શંકર જયકિશને આખીને આખી ફિલ્મનાં ગીત કોઈ અન્ય ગીતકાર સાથે ફિલ્મ કરી હોય તેવો બહુ જ નવાઇ પમાડે તેવો અપવાદ 'કોલેજ ગર્લ' (૧૯૬૦) હતો, જેમાં ગીતો રાજેન્દ્ર કૃષ્ણનાં હતાં દક્ષિણના નિર્માતાની આ ફિલ્મ હતી જેમના માટે રાજેન્દ્ર કૃષ્ણ જ ગીતો લખતા તે કારણ ગણીએ તો પણ ગળે ન ઉતરે, કેમકે શંક્ર જયકિશને દક્ષિણ ભારતમાં નિર્માણ થયેલી અન્ય ફિલ્મો પણ કરી છે જેમાં તેમનો સાથ શૈલેન્દ્ર અને હસરત જયપુરી સાથે જ રહ્યો.

    ReplyDelete

Post a Comment