અદાલતો સામે શંકાની આંગળી ચીંધવાની રમત જોખમી

દરેક દાયકે આવા આક્ષેપ થાય છે કે સીબીઆઇ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પક્ષપાત કરે છે, વિપક્ષોને હેરાન કરે છે




દેશના અત્યંત પાવરફૂલ નેતા ગણાતા ભૂતપૂર્વ  નાણાં પ્રધાન પી ચિદંબરમને તિહારની જેલમાં જવું પડયું. એમાં શાસક પક્ષની કિન્નાખોરી હોય કે ચિદંબરમનો ભ્રષ્ટાચાર જવાબદાર હોય એ અલગ વાત છે. આ ઘટનાના પ્રત્યાઘાત આપતાં સિનિયર ધારાશાસ્ત્રી અને પીઢ કોંગ્રેસી નેતા કપિલ સિબલે ક્ષણિક ઉશ્કેરાટમાં અદાલતની ટીકા કરી નાખી કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઇની વાતોને અદાલતોએ નિતાંત સત્ય તરીકે સ્વીકારી લીધી.

તેમણે એમ પણ કહ્યું કે નજીકના ભવિષ્યમાં દેશના નાગરિકોની અંગત સ્વતંત્રતા છીનવાઇ જશે... તેમના આ ઉદ્ગારને કોઇ મેધાવી જજ અદાલતના તિરસ્કાર સમાન ગણાવીને એમની સામે કાયદેસરનાં પગલાં પણ ભરી શકે. એ પાછી જુદી વાત છે. અહીં એક મહત્ત્વના મુદ્દાની વાત કરવી છે.
લોકશાહીના ચાર પાયા ગણાય છે- ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર અને મિડિયા. આજની તારીખમાં તટસ્થ રીતે વિચારીએ તો આમ આદમી (કોમન મેન)ને  માત્ર અને માત્ર અદાલતો પર વિશ્વાસ ટકી રહ્યો છે. બાકીનાં ત્રણ મોટે ભાગે આમ આદમીનો વિશ્વાસ ગુમાવી ચૂક્યાં છે. ભલે અદાલતોમાં પૂરતા જજો નથી, ભલે અદાલતોમાં કરોડો કેસ દાયકાઓથી ઊભા છે.

આમ છતાં આમ આદમીને અદાલતો પરજ વિશ્વાસ છે. એવા સમયે કાયદાના ખાંટુ અને પીઢ પોલિટિશ્યનો આવી ટકોર કરે એ નિંદાને પાત્ર છે. આ તો એવું થયું કે તમને અનુકૂળ હોય એેવો અથવા તમને પસંદ પડે એેવો અભિપ્રાય કે ચુકાદો કોર્ટ ન આપે એટલે અદાલતો પક્ષપાતી, એમ ? 
આવું આ પહેલીવાર નથી થયું. અગાઉ પણ આવંુ ઘણીવાર થયું છે. નર્મદા આંદોલનમાં સક્રિય એવાં મેધા પાટકરે, જગપ્રસિદ્ધ લેખિકા અરુંધતી રૉયે અને ગોધરા કાંડ પછી 'સેક્યુલર' અને 'લઘુમતીના તારણહાર' બનીને આવેલાં તીસ્તા સેતલવાડે પણ આવા આક્ષેપ કર્યા હતા.આ ત્રણે બહેનો મહા ચબરાક છે. મિડિયા સમક્ષ ક્યારે ક્યાં શું બોલવું, એમાં કયા શબ્દો કેવા હાવભાવ સાથે વાપરવા એની સારી એેવી હથોટી આ  મહિલાઓ પાસે છે. એટલે જ્યારે જ્યારે તેમની અરજી કોર્ટે નકારી ત્યારે એમણે કોર્ટને પક્ષપાતી ગણાવી હતી. 

હકીકતમાં અહીં બે ત્રણ મુદ્દા સમજવા જેવા છે. એક, ન્યાયમૂર્તિઓ પણ મારા તમારા જેવા કાળા માથાના માનવી હોય છે. દુનિયામાં કોઇ માનવી ક્યારેય પૂર્ણ હોતો નથી. હિન્દી ભાષામાં એક કહેવત જાણીતી છે કે એક ભૂલ તો ખુદા પણ માફ કરે છે. ક્યારેક કોઇ જજની ભૂલ પણ થઇ જાય. બાકી ભારતીય ન્યાયતંત્રની એ વિશેષતા રહી છે કે ભાગ્યે જ કોઇ જજે લાગણીના આવેશમાં કે અન્ય કોઇ અંગત લાભ માટે ચુકાદામાં છેડછાડ કરી છે. અપવાદ હોઇ શકે. 

બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે અદાલત સદા બે પુરાવા પર કામ કરે છે- એક પુરાવો સાંયોગિક પુરાવા તરીકે ઓળખાય છે અને બીજો પુરાવો સચોટ કે નક્કર પુરાવા તરીકે ઓળખાય છે. વાદી અને પ્રતિવાદી વકીલો દલીલ કરતાં હોય ત્યારે માનનીય જજ સાહેબે પોતાના કોમન સેન્સ (સામાન્ય બુદ્ધિ ), પુરાવાનો પ્રકાર અને સંબંધિત કાયદાનું ચોક્કસ સંદર્ભમાં સાંપ્રત સમયે કરાતું અર્થઘટન- આ બાબતોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવાનો હોય છે. એટલે જ પેલી લોકોક્તિ જાણીતી થઇ છે કે નવાણું આરોપી ભલે છૂટી જાય પરંતુ એક નિર્દોષને સજા ન થવી જોઇએ. 

આ સંદર્ભમાં દાયકાઓના અનુભવી અને ભારતીય કાયદાના ઊંડા અભ્યાસી એવા કપિલ સિબલ કે અભિષેક મનુ સંઘવી કોર્ટ સામે આંગળી ચીંધે ત્યારે દરેક સમજુ નાગરિકે ચિંતા કરવી પડે. સીબીઆઇ પક્ષપાતી છે અથવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પક્ષપાતી છે એવું કહેતી વખતે આ સિનિયર કોંગ્રેસી નેતાઓ ભૂલી ગયા કે તમે અદાલત સામે પહેલી આંગળી ચીંધો ત્યારે તમારા હાથની બાકીની ત્રણ આંગળીઓ તમારા પોતાની તરફ ચીંધાતી હોય છે. 

અગાઉના દાયકાઓમાં પણ આવા આક્ષેપો થયા હતા જ્યારે કોંગ્રેસના નેતા ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધીની સરકાર હતી. દરેક દાયકે આવા આક્ષેપ થાય છે કે સીબીઆઇ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પક્ષપાત કરે છે, વિપક્ષોને હેરાન કરે છે. સરકારી એજન્સીની ટીકા થાય એ સમજી શકાય પરંતુ કોર્ટ પક્ષપાતી છે એવું કહેતી વખતે આ પીઢ વકીલોએ વિચાર કરવો જોઇએ.


Comments