વિઘ્નહર્તા, ગણેશ, લંબોદર, દૂંદાળા
દેવ, સિદ્ધિવિનાયક, અષ્ટવિનાયક...
ઇત્યાદિ નામોથી ઓળખાતા અને તમામ શુભ
કાર્યોમાં સૌથી પહેલાં પૂજાતા ઉમાપુત્ર ગણપતિનો ઉત્સવ આરંભાઇ ચૂક્યો છે. ગઇ કાલથી બાપ્પા મોરિયા લાખ્ખો શ્રદ્ધાળુઓને
ત્યાં પધાર્યા છે. મુંબઇના લાલબાગ અને પૂણેના દગડુ હલવાઇ જેવાં કેટલાંક ગણેશ મંડપો
તો એવાં છે જ્યાં વર્ષમાં માત્ર એકવાર, દસ દિવસ પૂરતાં ગણપતિ
પધારતાં હોવા છતાં, અનેક શ્રદ્ધાળુઓ આ સ્થળે બિરાજતા દૂંદાળા
દેવની માનતા માને છે. હાડોહાડ વિજ્ઞાાન અને ટેક્નોલોજીના આ જમાનામાં પણ અનેક
લોકોની આવી માનતાઓ ફળી છે. એને ચમત્કાર કહેવો હોય તો કહી શકાય. ઇટ હેપન્સ ઓનલી ઇન
ઇન્ડિયા-આવું માત્ર ભારતમાં બને. કાયમી મંદિર નહીં હોવા છતાં માત્ર દસ દિવસ પધારતા
અને પ્લાસ્ટર ઑફ પેરિસની પ્રતિમા તરીકે બિરાજતા દૂંદાળા દેવ સમક્ષ કરાયેલી
બાધા-માનતા સાકાર થાય એ અનેરી ઘટના છે.
બ્રિટિશ રાજ દરમિયાન, વિવિધ જાતિ-જ્ઞાાતિ-ભાષા અને સાંપ્રદાયિક ફિરકાઓના અનુયાયીઓને
સ્વાતંત્ર્ય સંગ્રામ માટે સંગઠિત કરવા મહારાષ્ટ્રના આગેવાન બાળ ગંગાધર લોકમાન્ય
ટિળકે સાર્વજનિક ગણેશોત્સવ શરુ કરાવ્યો હતો. આપણા દેશમાં ધર્મના નામે લોકોને
સહેલાઇથી સંગઠિત કરી શકાય છે એ હકીકત ટિળક બરાબર જાણતા હતા. સ્વરાજ્ય માઝા
જન્મસિદ્ધ હક આહે (સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે) એવું બેધડક કહેનારા ટિળકજીએ
ભગવદ્ ગીતાના ચિંતનને પણ ગ્રંથસ્થ કર્યું. ગણેશોત્સવ આધુનિક ભારતને તેમણે આપેલો એક
અનેરો ઉત્સવ છે.
ગણેશજી વિશે આમ તો અનેક અર્થઘટનો થયાં
છે. તેમના સૂંપડાં જેવા કાન, દૂંદાળું પેટ,
ઝીણી આંખોે, એક ખોડો અને બીજો સંપૂર્ણ
દંતૂશળ... વગેરેની પાછળ સૂક્ષ્મ અર્થઘટનો છે એવું સંખ્યાબંધ ચિંતકોએ નોંધ્યું છે.
એમના વાહન મૂષક વિશે પણ સારું એવું ચિંતન થયું છે. આ બધા અર્થઘટનોમાં એકાદ બે
અર્થઘટન આજના સંદર્ભમાં વધુ માર્મિક અને સૂચક લાગે છે. પહેલું અર્થઘટન મહાભારત
સાથે સંકળાયેલંુ છે. મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ મહાભારત લખવા માગતા હતા ત્યારે લહિયા
તરીકે કેાને પસંદ કરવા એની સમસ્યા હતી. તેમને એવું સૂચન કરવામાં આવ્યું કે તમે
ગણેશજીને લહિયા બનાવો.ગણેશજીએ વ્યાસજીની સમક્ષ એક શરત મૂકી કે તમારે એકધારું
લખાવવાનું. વચ્ચે વચ્ચે અટકવાનું નહીં. વ્યાસજીએ સામી શરત મૂકી કે હું બોલતો જાઉં
અને તમે લખતાં જાઓ એ બરાબર એક વાત ધ્યાનમાં રાખજો. તમે જે લખો તે સમજીને લખજો.
બંનેેએ એકમેકની શરત સ્વીકારી. વ્યાસજી સડસડાટ સિત્તેર પંચોતેર શ્લોક કથા સ્વરુપે
લખાવે. પછી થોડાક એવા શ્લોકો લખાવે જે નોંધવા કે લખવા પહેલાં ગણેશજીએ થોડો સમય
વિચારવું પડે. એ દરમિયાન વ્યાસજી પોતાનું દૈનંદિન કામકાજ પતાવી લે. સ્કૂલમાં ભણતાં બાળકો જેને શ્રુતલેખન કહે છે એ
પદ્ધતિએ વ્યાસજીએ બોલીને ગણેશજી કને મહાભારત લખાવ્યું.
જો કે બીજું અર્થઘટન આજના સમયમાં
સૌથી વધુ સુસંગત છે. સૃષ્ટિની સાત પ્રદક્ષિણા કરી આવે એને રિદ્ધિ સિદ્ધિ ઇનામમાં
મળે એવી સાત્ત્વિક સ્પર્ધા સાથે આ અર્થઘટન સંકળાયેલું છે. માતાપિતાને બાજોઠ પર
બેસાડીને એમની સાત પ્રદક્ષિણા કરનારા ગણેશજીએ આજના યુવાનને ઘણો મહત્ત્વનો સંદેશ
આપ્યો છે. સાવ સરળ રીતે કહીએ તો બાળક માટે માતાપિતાજ સમગ્ર સૃષ્ટિનું પ્રતીક છે.
યુવાનોને અપાતા સંદેશ દ્વારા ગણેશજી
માતાપિતાનું વિશિષ્ટ ગૌરવ કરે છે. આજે સંયુક્ત પરિવારો ભાંગી ચૂક્યા છે અને ઘરડા
માબાપને વૃદ્ધાશ્રમોમાં મોકલી આપવાની માનસિકતા વધતી જાય છેે ત્યારે માબાપનો મહિમા
ગણેશજીએ પોતાના વર્તન દ્વારા સમજાવ્યો છે. આજે તમે માબાપને ઘરડાઘરમાં મોકલો છો.
આવતી કાલે તમારું સંતાન પણ તમારી સાથે એવું કરી શકે છે. સાનમાં સમજો તો સારું. અમ
વીતી તમ વીતશે ધીરી બાપુડિયાં...
સાંપ્રત સમયની એક માગ
જાતિ-જ્ઞાાતિ-ધર્મ-ભાષા ભૂલીને સાચા અર્થમાં સંગઠિત થવાની છે એ ધ્યાનમાં રાખીએ તો
આ ગણેશોત્સવ આપણને સૌને અંગત મતભેદો ભૂલીને સંગઠિત થવાની તથા એક અખંડ ભારત રચવાની
પ્રેરણા આપે એવી પ્રાર્થના કરીએ. પરથમ પહેલાં સમરીયે સ્વામી તમને સૂંઢાળા....
-------------
Comments
Post a Comment