રાજ કપૂરના આવારા ફિલ્મના ટાઇટલ ગીત અને ફિલ્મ દાગના અય મેરે દિલ કહીં ઔર
ચલમાં એકોર્ડિયન જેવી આભા સર્જતું હાર્મોનિયમ પોતે પેરિસ સૂરની રીડથી વગાડેલું એવો
સદ્ગત વી બલસારાનો દાવો હતો. એ વાત ગયા શુક્રવારે આપણે કરેલી. બલસારાને નિકટથી
પિછાણતા કિશોર દેસાઇ જેવા સિનિયર વાદ્યકારો કહે છે કે બલસારા વૉઝ અ જિનિયસ.
હાર્મોનિયમ, એકોર્ડિયન, પિયાનો
વગેરે વાદ્યો પર એમનો અદ્ભુત કાબુ હતો. આપણી મૂળ વાત એકોર્ડિયનના કલાત્મક ઉપયોગ
દ્વારા યાદગાર બનેલાં ગીતોની હતી. એકોર્ડિયન અને એ વગાડતા કલાકારોની વાતમાં થોડું
લંબાઇ જતાં એ ગીતોની વાત રહી જવા પામી હતી. આજે પૂરી કરીએ.
ફિલ્મ સંગીતના ચંદ્રશેખર વૈદ્ય જેવા ઊંડા અભ્યાસીઓ માને છે કે કયા ગીતમાં કયું
વાજિંત્ર કેાણે વગાડેલું એની ચર્ચા કરવા કરતાં ગીતનો આસવાદ લઇ લેવો વધુ ઇચ્છનીય
ગણાય. વાત વિચારવા જેવી છે. ફિલ્મ સંગીતના સુવર્ણયુગના જે કલાકારો આજે હયાત છે એ
મોટે ભાગે આવરદાના નવમા દાયકામાં છે. એમની યાદદાસ્ત સો ટકા સાથ આપે એવી કોઇ ગૅરંટી
હોતી નથી. એટલે આપણે કયા ગીતમાં કોણે એકોર્ડિયન છેડેલું એની ચર્ચા કરવાને બદલે
એકોર્ડિયનની હાજરી ગીતમાં તરત વર્તાય એવાં થોડાં મુખડાં માણીએ. અમુક ગીતમાં
આવારાના ટાઇટલ ગીત કે સંગમના હર દિલ જો પ્યાર કરેગાની જેમ આરંભે એકોર્ડિયનનો જાદુ
છવાયેલો છે તો બીજાં કેટલાંક ગીતોમાં મુખડા અને અંતરાની વચ્ચેના ઇન્ટરલ્યૂડમાં
એકોર્ડિયન ગૂંજે છે. આ દરેક ગીત એકોર્ડિયનની સૂરાવલિથી વધુ કર્ણપ્રિય બન્યાં છે એમ
કહી શકાય.
ફિલ્મ સંગીતને લગતા ઇન્ડિયન આઇડલ અને સુપર સિંગર જેવા ટીવી શો તમે
જોતાં-માણતાં હો તો તમારા ધ્યાનમાં આવ્યું હશે. ગયા વર્ષના ડિસેંબરની આઠમીએ
ઇન્ડિયન આઇડલ-૧૦ ના સેટ પર આરકેનાં ગીતોનો ખાસ શો હતો. એમાં રણધીર કપૂર (ડબ્બુ)
હાજર રહ્યા હતા. ડબ્બુએ જરાય શબ્દો ચોર્યા વિના આર. કે. બેનર તળે બનેલી ફિલ્મોની
સફળતામાં શંકર જયકિસનના સંગીતનો માતબર ફાળો હોવાનું કહ્યું હતું. અગાઉ જે બે
મુખડાની વાત કરી એ ઉપરાંત આજા સનમ મધુર ચાંદની મેં હમ (ચોરી ચોરી), અય મેરે દિલ કહીં ઐાર ચલ (દાગ- આ ફિલ્મમાં દિલીપ કુમાર હીરો
હતા), વો ચાંદ ખિલા યે રાત હસીં અને તેરા જાના દિલ કે
અરમાનોં કા લૂટ જાના (અનાડી), કાહે ઝૂમ ઝૂમ રાત યે સુહાની
(લવ મેરેજ- આ ફિલ્મમાં દેવ આનંદ હીરો હતા), કહાં જા રહે થે..
(એજ), દિલ તેરા દિવાના હૈ સનમ (દિલ તેરા દિવાના. આ ફિલ્મમાં
શમ્મી કપૂર હીરો હતા), મંજિલ વહી હૈ પ્યાર કી રાહી બદલ ગયે
(કઠપૂતલી, આ ફિલ્મમાં બલરાજ સાહની હીરો હતા)...
તમને યાદ કરાવી દઉં. આ માત્ર ઝલક છે. તમને ગમતાં બીજાં ઘણાં ગીતો હોઇ શકે.
શંકર જયકિસને કારકિર્દીમાં દિલીપ-રાજ-દેવ ઉપરાંત બીજા ડઝનબંધ કલાકારોની ફિલ્મોમાં
સંગીત પીરસેલું. જ્યાં જ્યારે તક મળી ત્યારે તેમણે ગીતના દ્રશ્ય, હીરો-હીરોઇનની ઇમેજ, ડાયરેક્ટરની
જરુરિયાત વગેરે સમજીને એકોર્ડિયન જેવા વાદ્યનો છૂટથી ઉપયોગ કરેલો. ફિલ્મ સંગીતના
સુવર્ણયુગના સ્ટેજ પ્રોગ્રામ્સ લગભગ દરેક મોટા શહેરમાં થતાં હોય છે. ત્યાં જીવન
સંધ્યા માણી રહેલા ઘણા સંગીત રસિકો સ્ટેજ સિંગર્સ દ્વારા રજૂ થતાં ગીતોને મોબાઇલ
ફોનમાં રેકોર્ડ કરી લે છે. હકીકતમાં સુવર્ણયુગનાં મોટા
ભાગનાં ગીતો યુ ટયુબ કે ગાના ડૉટ કોમ પર સહેલાઇથી ઉપલબ્ધ છે. મૂળ ગીતને માણવાનો
આનંદ અનેરો હોય છે. અલબત્ત, સ્ટેજ સિંગર્સ પણ ખૂબ મહેનત
કરીને ગાતાં હોય છે. પરંતુ અસલ તે અસલ.
મૂળ વાત શંકર જયકિસનના સર્જનની છે. એકસો સાજિંદા વચ્ચે વહેંચાયેલા ચાલીસ
પિસ્તાલીસ દેશી વિદેશી વાદ્યોમાંથી ગીતને યાદગાર બનાવે એેવાં વાજિંત્રો પસંદ કરીને
એનો ઇન્ટ્રો, મુખ્ય ગીત, ઇન્ટરલ્યૂડ
કે કાઉન્ટર મેલોડી તરીકે ઉપયોગ કરવા માટે ધીંગી સૂઝ જોઇએ. માત્ર એક દાખલો નોંધવો
હોય તો ગુરુ દત્ત, મીના કુમારીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી
ફિલ્મ સાંઝ ઔર સવેરાનું આ ગીત સાંભળો- અજહું ન આયે બાલમા સાવન બીતા જાય... આ ગીતના
ઇન્ટરલ્યૂડમાં જે રીતે વાદ્યોનો ઉપયોગ કરાયો છે એના જેટલા વખાણ કરીએ એટલા ઓછા.
એમાંય પાછળ કાઉન્ટર મેલોડી તરીકે જે રીતે એકોર્ડિયનના ટુકડા જોડાય છે એ ચમત્કાર તો
શંકર જયકિસન કરી શકે.
------------
સરસ માહિતી.
ReplyDelete