બ્રિટિશ સાંસદો પણ પોર્ન પ્રેમી !





લગભગ સોએ સો ટકા સાંસદો, તેમના સહાયકો અને સંસદના કર્મચારીઓ પોતપોતાના કોમ્પ્યુટર્સ પર પોર્ન વેબસાઇટ્સ શોધતા હોવાની વિગતો જાહેર થઇ ગઇ
ઇંગ્લેંડની સંસદનાં બંને ગૃહોના સાંસદો સરકારી કામ માટે અપાયેલા કોમ્પ્યુટર્સમાં પોર્ન વેબસાઇટ્સ શોધતા હોવાના અહેવાલે તાજેતરમાં બ્રિટનમાં ખળભળાટ સર્જ્યો. રાઇટ ટુ ઇન્ફર્મેશન (માહિતી મેળવવાના અધિકાર) હેઠળ માગવામાં આવેલી માહિતીનો સાર એટલો હતો કે ૨૦૧૮ના એેક જ વર્ષમાં બ્રિટિશ સાંસદોએ ઓછામાં ઓછા ત્રણ લાખ વખત ઇન્ટરનેટ પર એડલ્ટ વેબસાઇટ્સ શોધવાનો 'પુરુષાર્થ' કર્યો હતો. કેટલાને સફળતા મળી એ આંકડો જાહેર કરાયો નહોતો.

અત્યારે તો જો કે બ્રિટનમાં બ્રેક્સીટના મુદ્દે સરકાર બદલાઇ ચૂકી છે. ડેવિડ કેમેરોન વડા પ્રધાન હતા ત્યારે સાંસદોને ઇન્ટરનેટના કનેક્શન સાથેના કોમ્પ્યુટર્સ અપાયાં હતાં જેથી સાંસદો પોતાનું સરકારી કામકાજ સારી રીતે કરી શકે. કયા સાંસદે કેટલું સરકારી કામ આ કોમ્પ્યુટર પર કર્યું એના રેકોર્ડ હજુ જાહેર થયા નથી, પરંતુ લગભગ સોએ સો ટકા સાંસદો, તેમના સહાયકો અને સંસદના કર્મચારીઓ પોતપોતાના કોમ્પ્યુટર્સ પર પોર્ન વેબસાઇટ્સ શોધતા હોવાની વિગતો જાહેર થઇ ગઇ.
માહિતી મેળવવાના અધિકાર હેઠળ અપાયેલી વિગતો મુજબ સંસદનો સંબંધિત વિભાગ આ દૂષણને ડામવા રોજ ઓછામાં ઓછી સાડા આઠસો પોર્ન વેબસાઇટ્સ બ્લોક્ડ કરતો હતો. મિડિયામાં આ અંગેનો પ્રાથમિક રિપોર્ટ પહેલીવાર પ્રગટ થયો ત્યારે ડેવિડ કેમેરોન શરમજનક પરિસ્થિતિમાં મૂકાઇ ગયા હતા.

એનું કારણ સમજવા જેવું છે. બાળકોને ઓનલાઇન અભદ્ર સામગ્રી જોતાં અટકાવવા કેમેરોને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને હાકલ કરી હતી. બાળકોને બદલે અહીં તો આમ સભા (હાઉસ ઑફ કોમન્સ ) અને ઉમરાવ સભા (હાઉસ ઑફ લોર્ડઝ્) પોર્ન સામગ્રી માણતાં હોવાના મિડિયા રિપોર્ટ હતા. જો કે રીઢા પોલિટિશ્યનોમાં આવી શરમ લાંબો સમય ટકતી નથી. ફ્રીડમ ઑફ ઇન્ફર્મેશન હેઠળ ૨૦૧૨ના મે માસથી ૨૦૧૯ના જુલાઇ માસ સુધીની વિગતો માગવામાં આવી હતી.
રસપ્રદ વિગત તો એ હતી કે લગ્નબાહ્ય સંબંધ બાંધવા ઇચ્છતા લોકો માટે 'આઉટ ઑફ ટાઉન અફેર્સ' નામની એક વેબસાઇટ છે. બ્રિટિશ સાંસદોએ સાત મહિનામાં બાવન હજાર વખત આ સાઇટનો સંપર્ક સાધ્યો હતો. એટલે કે મોટા ભાગના સાંસદોને લગ્નબાહ્ય મોજમજામાં રસ હતો.

વધુ રમૂજી વાત એ હતી કે બ્રિટિશ સંસદના પ્રવક્તાએ કહ્યું કે પોર્ન વેબસાઇટ કોને કહેવી એ વિશે અમને સ્પષ્ટ વ્યાખ્યા બાંધી આપવામાં આવી નથી એટલે કઇ વેબસાઇટ બ્લોક કરવી અથવા ન કરવી એનો નિર્ણય કરવાનું અમારે માટે મુશ્કેલ બની જાય છે. ઊલટું હાઉસ ઑફ કોમન્સના પ્રવક્તાએ તો એથી પણ આગળ વધીને ઔર એક હાસ્યાસ્પદ વાત કરી હતી કે અમે માનનીય સાંસદોને 'રિસર્ચ' કરતાં અટકાવવાના નથી.
ઇંગ્લેંડમાં કોઇ પણ પ્રકારની સેન્સરશીપનો વિરોધ કરતી એક એનજીઓ 'ઓપન રાઇટ્સ ગુ્રપ'ના પ્રવક્તા જીમ કિલોકે હફીંગ્ટન પોસ્ટ નામના અડધિયા અખબાર સાથે વાત કરતાં એવો દાવો કર્યો હતો કે સરકારની પોર્ન ફિલ્ટર્સ (આવી વેબસાઇટ્સને અટકાવતી ગળણી) જ બિનકાર્યક્ષમ છે.

અન્ય એક એનજીઓ ધ ટેક્સ પેયર્સ અલાયન્સના પ્રવક્તાએ આટલા બધા સાંસદો પોતપોતાના મતવિસ્તારની ચિંતા કરવાને બદલે પોર્ન વેબસાઇટ્સ જોવામાં સમય વેડફી નાખે એ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે મિડિયા સાથેની વાતચીત દરમિયાન આક્રોશપૂર્વક કહ્યું કે આ તો અમે ભરેલા કરવેરાનો ગુનાહિત દુરુપયોગ છે. આપણે કંઇ આવાં દુઃસાહસો માટે ટેક્સ ભરીએ છીએ ? મિડિયાએ આ રિપોર્ટ પ્રગટ કરીને કરદાતાઓની સારી સેવા કરી છે. ફ્રીડમ ઑફ ઇન્ફર્મેશન હેઠળ આ માહિતી મેળવનાર અને મિડિયાને આપનારે પણ સમાજની બહુ સારી સેવા કરી છે.
 અહીં ઔર એક મુદ્દો જોવા જેવો છે. સંસદનાં બેમાંથી એક પણ ગૃહના સભ્યે કે કર્મચારી સ્ટાફે આ મિડિયા રિપોર્ટ સામે રહસ્યમય મૌન સેવી લીધું હતું. એક પણ સાંસદ કે સંસદીય કર્મચારી મિડિયા સાથે વાત કરવા તૈયાર નહોતા.


Comments