રુબિયાનું અપહરણ આતંકવાદીઓને છોડાવવાનું નાટક માત્ર હતું
- કેન્દ્રના નાણાં ખાતાના એક રિપોર્ટ મુજબ દેશની કુલ વસતિનો માત્ર એક ટકો વસતિ (રાજ્યની કુલ વસતિ સવા કરોડ) ધરાવતું જમ્મુ કશ્મીર કેન્દ્રીય ફંડના દસ ટકા જેટલી મદદ સતત મેળવતું રહ્યું છે. ૨૦૦૦થી ૨૦૧૬નાં નવી સદીના પહેલા સોળ વર્ષ દરમિયાન દર વરસે પ્રત્યેક કશ્મીરી નાગરિક દીઠ રુપિયા ૯૧,૩૦૦ ફાળવાતા હતા જ્યારે દેશની સૌથી વધુ વસતિ ધરાવતા ઉત્તર પ્રદેશના નાગરિક દીઢ રુપિયા ૪,૩૦૦ ખર્ચાતા હતા. સદીના પહેલા સોળ વર્ષ દરમિયાન, જમ્મુ કશ્મીરને કુલ ૧,૧૪,૦૦૦ કરોડ (એક લાખ ચૌદ હજાર કરોડ ) રુપિયાની મદદ કેન્દ્ર સરકારે કરી હતી. આ દરેક રુપિયો મારા તમારા જેવા કરદાતાના ગજવામાંથી ગયો હતો.
બદલામાં આપણને શું મળ્યું ? આતંકવાદી હુમલા, સિક્યોરિટી દળો પર પથ્થરમારો, નિર્દોષોની હત્યા, સતત હિંસા અને કાયદો તથા વ્યવસ્થાની ઐસી તૈસી.... છતાં મૌની બાબા મનમોહન સિંઘની સરકારે જમ્મુ કશ્મીરના નેતાઓને ખોંખારીને કદી પૂછ્યું નહીં કે યહ ક્યા હો રહા હૈ ?...૧૯૪૭થી ૧૯૯૯ સુધી આપણે કશ્મીરના વિકાસ માટે આપેલા ખર્વો, નિખર્વો, શંકુ, કુશંકુ રુપિયાની વાત જવા દઇએ. નવી સદીના પહેલા સોળ વર્ષની વાત છે.
-ભારતીય લશ્કરના એક નિવૃત્ત વરિષ્ઠ અધિકારી કર્નલ લેફ્ટનંટ તથાગત રૉયે આ વર્ષના ફેબુ્રઆરીમાં ટ્વીટર પર લખ્યું હતું કે માત્ર એક વર્ષ માટે આપણે અમરનાથ અને વૈષ્ણોદેવી યાત્રાનો બહિષ્કાર કરી દો. કશ્મીરી પ્રજાની સાન ઠેકાણે આવી જાય. કર્નલ રૉય કશ્મીરના સંવેદનશીલ વિસ્તારોમાં ફરજ બજાવી ચૂક્યા છે અને મેઘાલયના ગવર્નર પણ રહી ચૂક્યા છે.....
આ બે મુદ્દા ધ્યાનમાં રાખીને આગળ વધીએ. ગયા સપ્તાહે જમ્મુ કશ્મીરમાં અચાનક સિક્યોરિટી વધારી દેવામાં આવી ત્યારે રાજ્યના મોટા ભાગના નેતાઓ પારેવાની જેમ ફફડી કેમ ઊઠયા હતા ? કારણ સ્પષ્ટ છે. આમાંના મોટા ભાગના નેતાઓ આપણું ખાઇને આપણું ખોદતા રહ્યા છે. તમને કદાચ યાદ હશે.
મહેબૂબા મુફ્તીના પિતા સૈયદ મુફ્તી મુહમ્મદ ૧૯૮૯માં દેશના ગૃહ પ્રધાન હતા ત્યારે એક તરફ કશ્મીર ખીણ વિસ્તારમાંથી પંડિતોની હકાલપટ્ટી શરુ થઇ હતી અને બીજી બાજુ મુફ્તીની પુત્રી રુબિયાનું 'કહેવાતું અપહરણ' થયું હતું. રુબિયાને છોડાવવાના બદલામાં ત્યારના વડા પ્રધાન વી પી સિંઘે પાંચ રીઢા આંતકવાદીઓને મુક્ત કર્યા હતા. પાછળથી ગુપ્તચર રિપોર્ટમાં એવી ચોેંકાવનારી માહિતી મળી હતી કે રુબિયાનું અપહરણ આતંકવાદીઓને છોડાવવાનું નાટક હતું.
આવીજ બેવડી નીતિ પાકિસ્તાનના પીઠ્ઠુ જેવા વિભાજનવાદી નેતાઓ અને નેશનલ કોન્ફરન્સનો અબ્દુલ્લા પરિવાર રમી રહ્યો હતો. આ બધી રાજરમત સામે કોંગ્રેસ શાહમૃગી નીતિ અપનાવી રહી હતી. તાજેતરની સંસદીય ચૂંટણીમાં જોઇતી બહુમતી મેળવી લીધા બાદ એનડીએ સરકારે કશ્મીર મુદ્દે આરપારની રમત રમી નાખવાનો આકરો નિર્ણય કર્યો હતો.
એ નિર્ણયના એક ભાગ રુપે ગયા સપ્તાહે રાતોરાત સિક્યોરિટી વધારવામાં આવી. રાજ્યના ખૂણે ખાંચરે છૂપાયેલા આતંકવાદીઓનો સફાયો કરવાનો દ્રઢ નિર્ણય અમલમાં મૂકાયો. સ્વાભાવિક છે કે લેખમાં અન્યત્ર ગણાવેલા તકસાધુ નેતાઓ ફફડી ઊઠે. મહેબૂબા તો ત્યાં સુધી બોલી કે અમારી ઓળખ (આઇડેન્ટિટી) નષ્ટ કરવાની લડાઇ શરુ થઇ ચૂકી છે.
જો કે એક વરિષ્ઠ નિરીક્ષકે તાજેતરમાં કહ્યું હતંુ એમ ૧૯૮૯માં ખીણ વિસ્તારમાંથી હાંકી કઢાયેલા ત્રણ લાખ પંડિત પરિવારોનાં મકાનો અને જમીન પચાવી પાડીને બેઠેલા લોકોને ત્યાંથી ખાલી કરાવીને પંડિતોને તેમની સ્થાવર સંપત્તિ પાછી આપવાનું કામ અત્યંત મુશ્કેલ બની રહેવાનું છે. ત્રીસ ત્રીસ વર્ષ પછી સ્થાયી થઇ ગયેલા લોકો એ સંપત્તિ સ્વેચ્છાએ છોડવા તૈયાર થાય એ વાતમાં માલ નથી. કશ્મીર મુદ્દો હલ કરવો એ લોઢાના ચણા ચાવવા જેવું છે.
કદાચ ચાવી નાખો તો પચાવવાનું એથી પણ વધુ મુશ્કેલ છે. કશ્મીરી રાજનેતાઓના પૂજ્ય પિતાશ્રીનો ગરાસ લૂંટાઇ જવાનો હોય એવી કાગારોળ મચાવવાનો આરંભ આ લખાતું હતું ત્યારે (રવિવારે ચોથી ઑગસ્ટે સાંજે ) થઇ ચૂક્યો હતો. જોવાનું છે કે કેન્દ્ર સરકારના પ્રયાસો કેટલી હદે કામિયાબ નીવડે છે. આપણે તો સિક્યોરિટીને બેસ્ટ ઑફ લક કહી શકીએ, બીજું શું !
Comments
Post a Comment