ફિલ્મ સંગીતમાં પગની પાનીથી મસ્તકના તાળવા સુધી ક્રાન્તિ કરી નાખનારા સંગીતના બેતાજ બાદશાહ શંકર જયકિસન જાણ્યે અજાણ્યે પોતાના ઇન્ટયુશનને કેવી રીતે અનુસરતા એ ભલભલા સંગીત સમીક્ષકોેને મૂંઝવી નાખે એવી વાત છે. વાત જરા જુદા પ્રકારની છે. પોતાને અપાયેલા ગીતની સૂરાવલિ સર્જતી વખતે આ બંનેએ સબ-કોન્શ્યસલી (અર્ધ-જાગ્રતપણે) કેવા કેવા પ્રયાગો કરી નાખ્યા એની માત્ર ઊડતી ઝલક આજના એપિસોડમાં આપવી છે.
અગાઉના સંગીતકારો કે સમકાલીનોએ જે વાદ્યોનો ઓછોે ઉપયોગ કર્યો હોય અથવા ઉપયોગ ટાળ્યો હોય એવાં, દેશી-વિદેશી વાદ્યોને શંકર જયકિસને અજાણતાંમાં જબરા લાડ લડાવ્યા. તમે એમનાં ડફ આધારિત ગીત સાંભળો, સેક્સોફોન આધારિત ગીતો સાંભળો કે ફિલ્મ સંગમના એક ગીત માટે વાપરેલું બેગપાઇપ નામનું વાજિંત્ર સાંભળો. અન્ય સંગીતકારોએ જેની કલ્પના સુદ્ધાં ન કરી હોય એેવા આ પ્રયોગો હતા.
તાજેતરમાં યુવાન સેક્સોફોનવાદક જીત વાઝ સાથે આ અંગે વાત નીકળી કે તરત આંખના પલકારામાં એણે પોતાના સાજ સાથેના શંકર જયકિસનનાં દસ-બાર મુખડાં સંભળાવ્યાં. એના આ ઉત્સાહમાં બે વાત દેખાઇ. પોતાના સાજ પ્રત્યેના સમર્પણ ભાવ ઉપરાંત શંકર જયકિસનના સંગીત પ્રત્યેનો એનો પ્રેમ. શંકર જયકિસને વાપરેલા દરેક સાજ અને એનાં ગીતોની વિગતે ચર્ચા દર વખતે કરવાનું આપણા માટ ેશક્ય ન પણ બને.પરંતુ એક વાત નક્કી કે સેક્સોફોન, ડફ કે બેગપાઇપ જેવાં વાદ્યોનો આ બંને જેવો કલાત્મક ઉપયોગ બહુ ઓછા સંગીતકારોએ કર્યો. સેક્સોફોન આધારિત ગીતોના કેટલાંક મુખડાંમાં તમને મોેટે ભાગે હિટ ગીતોની ઝલક મળી શકે.
એવા એક ગીતનો ઉલ્લેખ આપણે સાવ જુદા સંદર્ભમાં કર્યો હતો. તમને યાદ હશે. આજની પેઢી જેમને ટીવી સિરિયલ 'રામાયણ'થી પિછાણે છે એવા ફિલ્મ સર્જક રામાનંદ સાગરની ફિલ્મ 'આરઝૂ'ના લતાજીએ ગાયેલા ગીત 'બેદર્દી બાલમા તુઝ કો મેરા મન યાદ કરતા હૈ'ની આ વાત છે. માત્ર છ માત્રાના દાદરા તાલમાં અને રાગ ચારુકેશીમાં નિબદ્ધ આ ગીત ઘણી રીતે વિશિષ્ટ છે. નાયિકાની ઘુંટાયેલી વિરહ વેદનાને લતાજીએ કંઠના બહેલાવથી જે રીતે ઘુંટી છે એને મનોહારીજીના સેક્સોફોને વધુ ઘટ્ટ કરી હતી એમ કહીએ તો ચાલે. એના કરતાં સહેજ જ ઓછી વેદના મુહમ્મદ રફીના કંઠમાં રજૂ થયેલા ગીત 'તુમ મુઝે યું ભૂલા ન પાઓગે...' (પગલા કહીં કા)માં છે.
આ બંને ગીતો વધતે ઓછે અંશે વેદનાનો અહેસાસ કરાવે છે. રસપ્રદ વાત તો એ છે કે આરઝૂ ફિલ્મમાં વેદનાના અન્ય એક ડાયમેન્શન-આયામને રજૂ કરતું ગીત પણ મદદ તો સેક્સોફોનની લે છે- 'અજી રુઠ કર અબ કહાં જાઇયેગા, જહાં જાઇયેગા હમેં પાઇયેગા..' ચર્ચાને લંબાવવી નથી પરંતુ એક વાત તમારા ધ્યાનમાં પણ આવી હશે કે સામાન્ય રીતે વિરહવેદના કે પીડા વ્યક્ત કરવા મોટાભાગના (હા, મોટા ભાગના, બધા નહીં) સંગીતકારોે બાંસુરી કે શરણાઇ વાપરે છે. શંકર જયકિસને એ કામ વિદેશી સાજ સેક્સોફોન પાસેથી જબરદસ્ત સફળતાથી કરાવ્યું.
તો બીજાં કેટલાંક ગીતોમાં હર્ષ-ઉલ્લાસ અને ધમાચકડી વ્યક્ત કરતી તર્જોમાં પણ શંકર જયકિસને અન્ય વાજિંત્રો સાથે સેક્સોફોનને કામે લગાડી દીધું છે. એવાં માત્ર બે ત્રણ મુખડાં આપું- દિલ તેરા દિવાના હૈ સનમ, (દિલ તેરા દિવાના), આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હૈં જબાન પર (બ્રહ્મચારી) અને હા, અજી ઐસા મૌકા ફિર કહાં મિલેગા, હમારે જૈસા દિલ કહાં મિલેગા આઓ તુમ કો દિખલાતા હું પેરિસ કી એક રંગીં શામ... યોગાનુયોગે ત્રણે ગીત શમ્મી કપૂરની ફિલ્મોનાં છે. ત્રણે હિટ નીવડયાં હતાં.
આરંભે કહ્યું એમ આ માત્ર ઝલક છે. તમને ઇશારો કરી દીધો. તમને રસ હોય તો આ સાજ સાથેનાં શંકર જયકિસનનાં બીજાં ગીતો શોધીને માણી શકો. સુપરહિટ ફિલ્મ સંગીતકાર થવા માટે માત્ર સ્વરનિયોજન કરવાની આવડત પૂરતી નથી. વાદ્યવૃન્દનું સંચાલન કરવાના અભ્યાસ ઉપરાંત ક્યાં કયું વાદ્ય કયા રસની નિષ્પત્તિ માટે કેવી રીતે વાપરવું એની કલા પણ આવડવી અનિવાર્ય છે. શંકર જયકિસનમાં આ આવડત ભારોભાર હતી એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.
Comments
Post a Comment