પુત્ર અને કૂતરો બંને સરખાં ...?


રોઝીએ પોતાના કૂતરા અને પટ્ટો બાંધેલા પુત્રના ફોટા પણ શૅર કર્યા હતા. એ જોઇને હજ્જારો લોકોએ આંચકો અને આઘાત વ્યક્ત કર્યાં હતાં
'હું સાવ સ્વાભાવિક સંયત સ્વરે મારા ત્રણ વર્ષના પુત્ર સેન્ટિનોને આદેશ આપું છું,  બેસી જા...એ ડાહ્યો ડમરો થઇને બેસી જાય છે. હું શોપિંગમાં જાઉં ત્યારે અમારો ડૉગી અને સેન્ટિનો બંને મારી સાથે હોય છે. બંનેમાંથી કોઇ જરાય અટકચાળું કરતાં નથી. કારણ જાણો છો ? હંુ એક ડૉગ ટ્રેનર કમ સાઇકિયાટ્રીસ્ટ (મનોચિકિત્સક) છું. મારા અનુભવે હું એમ સમજી છું કે તમારા બાળકને સાવ કૂમળી વયથી શિસ્તબદ્ધ બનાવવું હોય તો એને પણ કૂતરાની જેમ ઊછેરો. ભલે સાંકળ ન વાપરો, પટ્ટો વાપરો....પણ એક વાત સમજી લો. કૂતરાને અને બાળકને ઊછેરવાની સિસ્ટમ એક સરખી છે...'

આટલું વાંચીને તમે ચમકી ગયા હો તો નવાઇ નહીં. બ્રિટનની પ્રતિષ્ઠિત ચેનલ ફોર ટેલિવિઝન  પ્રસારિત થતાંની સાથે ખળભળાટ મચાવી દેનારા એક પ્રોગ્રામની આ ઝલક છે. રોઝી હેફન્ડન નામની એક મનોચિકિત્સક આ પ્રોગ્રામની એન્કર છે. હજુ તો પ્રોગ્રામની ઝલક રજૂ થઇ ત્યાં તો બ્રિટનના ટોચના વેટર્નરી ડૉક્ટર્સ (પશુ ચિકિત્સકો) અને બાળકોના અધિકાર માટે લડતી એનજીઓના પ્રતિનિધિએાએ આ પ્રોગ્રામ પ્રસારિત થતો અટકાવવા કોર્ટના દરવાજા ખખડાવવાની જાહેરાત કરી હતી. લંડનના પ્રતિષ્ઠિત અખબારોએ એના વિશે ખાસ અહેવાલ અને લેખો પ્રગટ કરવા માંડયા હતા.

આપણે ત્યાં અમેરિકા અને યૂરોપના કેટલાક પ્રોગ્રામનું 'ભારતીયકરણ' દ્વારા રજૂ કરાતા થયા છે. એવા થોડાક પ્રોગ્રામ જબરદસ્ત લોકપ્રિય પણ નીવડયા છે. જેમ કે કૌન બનેગા કરોડપતિ, ખતરોં કે ખિલાડી, ઇન્ડિયન આઇડલ અને સુપર ડાન્સર-સુપર સિંગર. જો કે ગયા પખવાડિયે કવિ-ગીતકાર-સંગીતકાર રિષભ મહેતાએ સોશ્યલ મિડિયા પર રાવ કરી હતી કે સુપર સિંગર પ્રોગ્રામ પર અત્યંત આઘાતજનક દ્રશ્યો રજૂ કરાયાં હતાં. ભારતી સંગીત કે સંસ્કૃતિનું આ પ્રોગ્રામમાં છડેચોક અપમાન થતું હતું. તેમની ફરિયાદને સોશ્યલ મિડિયા પર ટેકો સુદ્ધાં મળ્યો હતો. જો કે આપણે ત્યાં તો સ્ટેન્ડ અપ કોમેડીના નામે પણ સ્ત્રીવેશમાં રજૂ થતા પુરુષ અદાકારો છીછરા અને અરુચિકર પ્રોગ્રામ રજૂ કરે છે.

ખેર, ચેનલ ફોર તો ખરેખર ઉત્તમ પ્રોગ્રામ્સ રજૂ કરવા માટે દુનિયાભરમાં પંકાયેલી છે. એના સંચાલકો રોઝી હેફન્ડનના આ અભિપ્રાય કે 'સિદ્ધાંત'ને રજૂ કરવાની પરવાનગી શી રીતે આપી શકે એવો સવાલ લંડનમાં પૂછાઇ રહ્યો છે અને કેટલીક એનજીઓએ તો જાહેર આંદોલન કરવાની ધમકી સુદ્ધાં આપી છે.

એમનો તર્ક સ્વાભાવિક છે કે માનવબાળને તમે કૂતરાની જેમ પટ્ટો બાંધીને શી રીતે ઊછેરી શકો ? રોઝીએ પોતાના કૂતરા અને પટ્ટો બાંધેલા પુત્રના ફોટા પણ શૅર કર્યા હતા. એ જોઇને હજ્જારો લોકોએ આંચકો અને આઘાત વ્યક્ત કર્યાં હતાં. કેટલાક મનોચિકિત્સકોએ તો કટાક્ષ કરતાં કહ્યું હતું કે ખુદ રોઝીને માનસિક ચિકિત્સાની જરુર હોય એવું લાગે છે. એની માનસિકતા શિક્ષિત વ્યક્તિ જેવી નથી. સાવ ધાવણા બાળકને તમે પટ્ટો શી રીતે પહેરાવી શકો અને કૂતરાની જેમ ક્લીટરની મદદથી શી રીતે ઊછેરી શકો ? આ તો એક પ્રકારની વિકૃતિ છે.

બાય ધ વે, ક્લીટર એ ટકટક અવાજ કરતું રમકડા જેવું સાધન છે. અગાઉ આપણે ત્યાં પણ ફુગ્ગાવાળા ટીક ટીક કરતું નાનકડું સાધન વેચતા.  તોફાની બાળકો વર્ગમાં પગ નીચે એ સાધન રાખીને ટીક ટીક અવાજ કરતા. ચાર પાંચ દાયકા અગાઉ એ ટકટકિયું ધાતુનું આવતું. હવે પ્લાસ્ટિક અને ફાઇબરનું પણ મળે છે. કૂતરાને તાલીમ આપનારા ડૉગ ટ્રેનર્સ કહે છે કે ડૉગી તમારા આદેશનું પાલન કરે ત્યારે એને બિસ્કીટનું ઇનામ આપો. ક્લીટર પર એક ટીક વગાડો. પછી ક્લીટરના ધ્વનિથી ડૉગી સમજી જશે કે આ આદેશ જમવાનો છે કે બહાર લટાર મારવા (ખરેખર તો મળવિસર્જન કરવા)નો છે, મહેમાનો સામે બે પગે ઊભા થઇને ડાન્સ કરવાનો છે કેે બીજું કંઇ છે. 

રોઝી કહે છે કે જેમ ક્લીટરથી તમે કૂતરાને કાબુમાં રાખી શકો એમ તમારા બાળકને રાખતાં જાઓ. બાળક ડાહ્યું ડમરું થઇને તમારા આદેશોનું પાલન કરશે. આદર્શ બાળ ઊછેરમાં માનતી એનજીઓની દલીલ એવી છે કે તો પછી કૂતરામાં અને તમારા બાળકમાં ફેર શો રહ્યો ?
ચેનલ ફોર પર આ પ્રોગ્રામ 'હાઉ ટુ ટ્રેઇન યોર ચાઇલ્ડ લાઇક અ ડૉગ' નામે પ્રસારિત થવાનો હતો. એને અટકાવવા ઓનલાઇન વિરોધ ઝુંબેશ શરુ થઇ હતી અને આ લખાતું હતું ત્યારે વિરોધપત્ર પર ચાલીસ હજારથી વધુ માતાપિતાએ સહી કરી હતી. અમુક વિરોધીઓ આ પ્રોગ્રામ સામે પોલીસ ફરિયાદ પણ કરવાના હતા.

Comments