સ્વતંત્રતાના પ્રાતઃકાળે થોડાંક આકરાં પગલાં લેવાયાં હોત તો ભ્રષ્ટાચારનો ભસ્માસુર ડામી શકાયો હોત...



એક સમયે દેશના સૌથી વધુ સમર્થ ગણાતા ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી ચિદંબરમના કહેવાતા ભ્રષ્ટાચારની તપાસ ચાલી રહી છે. સ્વાબાવિક રીતેજ વિપક્ષો એને કિન્નાખોરીનું રાજકારણ ગણાવી રહ્યા છે.

રાજકારણ હોય કે ભ્રષ્ટાચાર હોય, જે હોય તે, કેટલાક સવાલોનો જવાબ તરત મળતો નથી. આજે તળિયેથી ટોચ સુધી માનવ જીવનના દરેક ક્ષેત્રમાં નગાધિરાજ હિમાલયને શરમાવે એેવો ભ્રષ્ટાચારનો પર્વત દેખાતો હોય તો એનાં મૂળ સુધી નજર કરવી પડે. આજની પેઢીનાં ઊછરતાં બાળકો-ટીનેજર્સને કલ્પના સુદ્ધાં નહીં આવે કે ભ્રષ્ટાચારનો આરંભ દેશની આઝાદીની સાથે જન્મ્યો હતો. આધુનિક દેશના ભાગ્યવિધાતા ગણાતા પંડિત જવાહરલાલ નહેરુના શાસનકાળમાં ૧૯૫૬-૫૭માં ભ્રષ્ટાચારનો પહેલો કેસ બન્યો હતો. 

કલકત્તાના એક ઉદ્યોગપતિ અને સટોડિયા હરિદાસ મુંદરાએ પોતાની ડૂબી રહેલી કંપનીઓને ઊગારવા જીવન વીમા નિગમને ૧,૨૬,૮૬,૧૦૦ (એક કરોડ છવ્વીસ લાખ, છ્યાંસી હજાર એકસો) રુપિયા રોકવાની (સરકારી દબાણ દ્વારા) ફરજ પાડી હતી. ગાડાના પૈડા જેવો ગણાતો રુપિયો અને એ સમયની સોંઘવારી જોતાં આજના હિસાબે આ રકમ પચાસ કરોડથી પણ વધી જાય.

રસપ્રદ વિગત એ કે આ કૌભાંડ ખુદ પંડિત જવાહરલાલ નહેરુના જમાઇ (ઇંદિરા ગાંધીના પતિ) અને સાંસદ ફિરોઝ ગાંધીએ ખુલ્લું પાડયું હતું. ઇતિહાસમાં કદી 'જોે' અને 'તો' હોતાં નથી. પરંતુ આજે એમ લાગે છે કો જો પંડિત નહેરુએ એ સમયે કડક પગલાં લીધાં હોત અને જવાબદારોને સજા કરી હોત તો ભ્રષ્ટાચાર ઊગતો શમી ગયો હોત. દુર્ભાગ્યે એવું ન બન્યું. એક અનિવાર્ય અનિષ્ટના શ્રી ગણેશ મંડાઇ ચૂક્યા.

પછી આવ્યાં ઇંદિરા ગાંધી. તેમણે ભ્રષ્ટાચારને નવાં કલેવર બક્ષ્યાં. કાયાકલ્પ કરાવ્યો. અગાઉ એવું હતું કે દેશની ટોચની કંપનીઓ અને ઉદ્યોગપતિએા ચૂંટણી ટાણે જે તે રાજકીય પક્ષને ભંડોળ આપતાં. વળતર રુપે એ લોકો કેટલાક કિસ્સામાં લાભ મેળવતા. ઇંદિરાજીએ દેશની કંપનીઓ પાસેથી ભંડોળ લેવાને બદલે વિદેશી કંપનીઓ સાથે થતા ડિફેન્સના સોદામાં કટકી લેવાની પરંપરા શરુ કરી. એક કાંકરે બે પક્ષી માર્યા.

ચૂંટણી ભંડોળ મળતું હતું પણ દેશના ઉદ્યોગપતિઓના ઓશિંગણ રહેવાની ગરજ રહેતી નહોતી. સંરક્ષણ સોદાઓમાં કટકી લેવાની પરંપરા આપણને બહુ મોંઘી પડી. લશ્કરની ત્રણે પાંખોને એકસો ટકા સંતોષ થાય એવાં ઉચ્ચ ક્વોલિટીનાં શસ્ત્રો મળતાં બંધ થયાં, બીજી બાજુ બોફર્સ તેમજ ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર જેવાં ડઝનબંધ કૌભાંડો સર્જાયાં.  

આટલું ઓછું હોય તેમ ઇંદિરાજી કહેતાં, ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર શું કરો છો. 'કરપ્શન ઇઝ એન યુનિવર્સલ ફિનોમીના...' ભ્રષ્ટાચાર તો આખી દુનિયામાં છે... આમ એક અનિષ્ટ કાયમી બન્યું. પછીનો ઇતિહાસ તો આપણા સૌની સામે છે. આપણા વડીલો કહી ગયા છે કે રોગ અને શત્રુને ઊગતો ડામી દેવો. પરંતુ અગાઉ કહ્યું એમ સ્વતંત્રતાના પરોઢિયે થયેલા મુંદરાા કૌભાંડ વખતે કડક પગલાં લેવાયાં નહીં. પરિણામે ભ્રષ્ટાચારનો ભોરિંગ વધુ ને વધુ ઝેરી થતો ગયો. આજે એને નાથવાનું કોઇ કહેતાં કોઇનું ગજું નથી.

ઇંદિરાજીના શાસનકાળ દરમિયાન ગેરરીતિ અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઊઠાવનારા લોકનાયક જયપ્રકાશ નારાયણના એક સમયના સાથીદાર લાલુ યાદવને આજે જોઇ લો. ૩૬૦ ડિગ્રીનું શીર્ષાસન થઇ ગયું છે. બીજા અસંખ્ય લાલુ આ દેશમાં છે. હવે તો દરેક રાજકીય પક્ષમાં 'લાલુ-ગુણ' ધરાવતા નેતાને પ્રથમ પસંદગી અપાઇ રહી હોય એવું નજરે પડે છે. ભ્રષ્ટાચાર એટલી હદે બેકાબુ થઇ ગયો છે કે ખુદ ગીતાકાર ભગવાન કૃષ્ણ ફરી અવતરે તો પણ નાથી શકે કે કેમ એ એક સવાલ છે.
સૌથી વધુ આઘાતજનક હકીકત એ છે કે હવે આ અસુર જીવનના દરેક ક્ષેત્રમાં ખાસ્સું ગજું કાઢી ગયો છે. શિક્ષણ હોય કે સ્વાસ્થ્ય હોય, બાળ કલ્યાણ હોય કે બ્લડ ડોનેશન હોય,  જેના રક્તના દરેક ટીપામાંથી બીજો અસુર પેદા થતો હતો એવા રાક્ષસની જેમ આ અનિષ્ટ સમાજને ફોલી નાખી રહ્યો છે.
દરેક નાગરિક પોતે દ્રઢ મનોબળથી આ અસુર સામે લડવાનો નિશ્ચય કરે તો...(અહીં ફરી જો અને તો આવી ગયા)  તો કદાચ આવતી પેઢીને સ્વચ્છ સમાજ મળે ખરો. આ નિરાશાવાદ નથી, નક્કર હકીકત છે.


Comments