૧૯૮૦ના દાયકામાં આશા ભોંસલેએ
બ્રિટિશ ગાયક બૉય જ્યોર્જ સાથે ઇંગ્લેંડમાં એક આલ્બમ રેકોર્ડ કર્યું હતું. એમાં
બૉયનંુ એક ગીત 'બાઉ ડાઉન મિસ્ટર' હિટ
નીવડયું હતું. લંડનથી પાછાં ફર્યા બાદ આશાજીએ વાતવાતમાં એક ટેક્નોલોજી વિશે
જણાવેલું. એનો સાર આ રહ્યો- એક ગીતમાં સાવ નગણ્ય કહેવાય એવી ભૂલ આશાજીથી ગાતી વખતે
થઇ હતી. લંડનના સાઉન્ડ એંજિનિયરે રિટેક
(ફરી ગવડાવ્યા) વિના લેટેસ્ટ ટેક્નોલોજીની મદદથી એ ભૂલ સુધારી લીધી હતી. ત્યારબાદ
એક એવું યંત્ર આવ્યું જેમાં સડક પરનો કોઇ કોમનમેન સંગીત ન જાણતો હોવા છતાં ગીત ગાય
એને ટેક્નોલાજીની મદદથી મુહમ્મદ રફી કે કિશોર કુમારના કંઠમાં ગવાયું હોય એ રીતે
રજૂ કરી શકાય. આ તો માત્ર દાખલો આપ્યો. આજે તો દોઢસો-બસો ટ્રેક પર રેકોર્ડિંગ થાય
છે. ગાયક ગાઇ જાય, જુદા જુદા સાજિંદા પોતપોતાની અનુકૂળતાએ
આવીને વગાડી જાય અને છેલ્લે આ બધાનું મિક્સીંગ ફિલ્મ સર્જકની જરુરિયાત મુજબ કરી
લેવામાં આવે.
આ વાત કરવા પાછળનો ચોક્કસ ઉદ્દેશ
છે. ૧૯૪૦ના દાયકાના ઉત્તરાર્ધમાં શંકર જયકિસન સંગીતકાર તરીકે ઊભર્યા ત્યારે ગીતના
રેકોર્ડિંગ માટે માત્ર અને માત્ર એક માઇક્રોફોન મળતું. શંકર જયકિસનની પહેલાં આવેલા
સંગીતકારોને બહુ વાંધો આવતો નહોતો કારણ કે
એમની સાથે ચાર પાંચ સાજિંદા રાખતા. શંકર જયકિસન સાથે પહેલીજ ફિલ્મથી પોણો સો-સો
જેટલા સાજિંદા હતા. ગાયક અને સાજિંદા વચ્ચે ફક્ત એક માઇક અને તે પણ સાવ જૂનીપુરાણી
ટેક્નોલોજી ધરાવતું. આમ છતાં આ બંને જણ ફિલ્મ સંગીતના સુવર્ણયુગના પ્રણેતા બન્યા.
તમે તમે એમના સોલો, ડયુએટ કે કોરસ સાંભળો. ગીતના પ્રિલ્યુડ તરીકે વાગતાં ત્રીસ
પાંત્રીસ વૉયલીન કે તબલાં-ઢોલક અને સાઇડ રિધમ સાંભળો. સાવ ટાંચાં સાધનો અને બાવા
આદમના જમાનાની ટેક્નોલોજી સાથે આ બંનેએ જે કામ કર્યું છે એને ૧૯૮૦ પછીના સંગીતકારો
સાથે મૂલવો. કલ્પના કરી જુઓ, આ બંનેએ કેવું અજોડ કામ કર્યું
છે !
આર ડી બર્મન-પંચમ સાથે કામ કરી
ચૂકેલા સાજિંદાઓ કહે છે કે એ વિરલ સાઉન્ડના બેતાજ બાદશાહ હતા. ફર્નિચર પર કાચ કાગળ
ઘસવાનો જે ધ્વનિ પ્રગટે કે કાચના ગ્લાસમાં ચમચી ટકરાવાથી જે ધ્વનિ પ્રગટે એ સચોટ
રીતે રજૂ કરવાની આરડીની કમાલ હતી. આરડી માટેના ખૂબ માન-આદરભાવ સાથે એક વાત કરવી
છે. સાવ પાંખી ટેક્નોલોજી સાથે શંકર જયકિસને જે વૈવિધ્ય સર્જ્યું એમાંના કેટલાંક
ગીતો ધ્યાનથી સાંભળી જુઓ. તમને ખ્યાલ આવશે કે લેટેસ્ટ ટેક્નોલોજી સાથે આરડીએ પછીના
દાયકાઓમાં જે કામ કર્યું એ શંકર જયકિસને અગાઉ ક્યારનુંય કરી નાખ્યું હતું. આ
સિદ્ધિ જેવી તેવી નથી. કાચના ટુકડા, ખંજરી,
ટ્રાયન્ગલ અને ડફ જેવાં પરંપરાગત વાદ્યો સાથે સેક્સોફોન કે (ફિલ્મ
સંગમ ફેમ ) બેગપાઇપ જેવાં વાદ્યોનો જે
સુભગ સમન્વય આ બંનેએ કર્યો એનું અત્યંત વિકસિત સ્વરૃપ બેશક આરડી પંચમમાં
જોઇ શકાય. પૂર્વ અને પશ્ચિમનાં વાદ્યોને એક સાથેે રાખીને શંકર જયકિસને જે જાદુ
સર્જ્યો એ ૧૯૫૦ના દાયકામાં એમની કારકિર્દીના આરંભે બહુ મોટી વાત હતી. થોડી
અતિશયોક્તિ સાથે એમ કહી શકાય કે પોતાના સમય કરતાં આ બંંને ખૂબ આગળ હતા.
કારકિર્દીના મધ્યાહ્ને હતા
ત્યારે આ બંનેએ રાગ-જાઝ નામે એક પ્રયોગ કર્યો હતો જેમાં શુદ્ધ ભારતીય શાસ્ત્રોક્ત
રાગ રાગિણી સાથે વિદેશી વાદ્યોનો ઉપયોગ કરીને તદ્દન નવો વળાંક સર્જ્યો હતો. સવારથી
રાત સુધીના રાગોને આગવી રીતે રજૂ કરીને આજે જેને ફ્યૂઝન કહેવામાં આવે છે એવો અખતરો
આ બંનેએ ૧૯૬૦ના દાયકામાં કર્યો હતો. એ સમયે તો ફ્યૂઝનનું કોઇએ નામ સુદ્ધાં
સાંભળ્યું નહોતું. એમના આ પ્રયોગની એક એલપી પણ એચએમવીએ બહાર પાડી હતી જે આજે
દુર્લભ છે. શંકર જયકિસનના સાચ્ચા ચાહકો પાસે કદાચ મળી આવે.ગરમાગરમ દાલવડાની જેમ આ
એલપી ચપોચપ ખપી ગઇ હતી. એ દ્રષ્ટિએ જુઓ તો પણ શંકર જયકિસન પોતાના સમય કરતાં ખાસ્સા
આગળ હતા અને સુવર્ણયુગના પાયાના પ્રણેતા તરીકે એ બંનેએ જે કામ કર્યું એની પૂરતી
નોંધ એ સમયે લેવાઇ નહીં એ પણ હકીકત છે.
---------------
Comments
Post a Comment