કૃષ્ણ આર્યાવર્તના સર્વપ્રથમ ગીતાગાયક-લોકનાયક


માત્ર ગોખણિયા પાઠ કરી જવાથી ગીતા ગળે ઊતરતી નથી. એનો શબ્દે શબ્દ અમૂલ્ય છે. એ સમજાય તો જીવનમાં ક્યાંય વિસંગતિ, વિરોધ કે વેરઝેર રહે નહીં

'માનુષ હૌં તો વહી રસખાનિ, બસૌં બ્રિજ ગોકુલ ગાંવ કે ગ્વારન, જો પસુ હૌં તો કહા બસુ મેરો ચરૌં નીત નંદ કી ધેનુ મંઝારન...' વ્રજ ભાષામાં રચાયેલા આ પદનો ઉમળકો તો જુઓ. કદાચ ને ફરી મને માનવ જન્મ મળે તો ગોકુળના ગોવાળિયા તરીકે જન્મ આપજો, જેથી કનૈયાની નિકટ રહેવા મળે. પશુ તરીકે મને જન્મ મળવાનો હોય તો નંદ રાજાની ગાય બનાવજો, કનૈયો રોજ મારી પીઠ પર હાથ તો ફેરવે... સૈયદ ઇબ્રાહિમ ખાન કહો તો કોઇ કદાચ ન ઓળખે. પણ રસખાન કહો તો તરત યાદ આવે કે આ તો કૃષ્ણભક્ત પઠાણ કવિની વાત છે.

વિશ્વના તમામ ધર્મો પ્રત્યે પૂરેપૂરા માન આદર સહિત એક વાત કરવી છે. વિશ્વના બીજા કોઇ પણ દેવી-દેવતાએ આટલી હદે રીતે વિધર્મીઓને આકર્ષ્યા નથી. હાલ હાસ્પિટલમાં ગંભીર રીતે બીમાર એવા સંગીતકાર ખય્યામે છેક ૧૯૬૦ના દાયકાની આખરમાં મુહમ્મદ રફીના કંઠે 'તેરે ભરોસે નંદલાલ' નામે કૃષ્ણ ભજનોની એલપી તૈયાર કરેલી. એનું સૌથી વધુ વેચાણ પાકિસ્તાનમાં થયેલું એમ કહેવાય છે.
શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધમાં વર્ણવેલી બાળકૃષ્ણની લીલા જુઓ કે મહાભારતમાં કૌરવસભામાં દ્રૌપદીને નવસો નવાણું ચીર પૂરતા કૃષ્ણને જુઓ. હરિવંશ પુરાણ વાંચો કે વિષ્ણુ પુરાણ વાંચો. કૃષ્ણના બહુઆયામી (મલ્ટિ-ડાયમેન્શનલ) વ્યક્તિત્વમાં નીત નવી ઝાંખી થાય. કંસના જુલમી શાસનને કરવેરા રૂપે દૂધ-દહીં, ઘી-માખણ નહીં મોકલીને સર્વપ્રથમ અહિંસક અસહકાર આંદોલનનો આરંભ કૃષ્ણે કરેલો.બત્રીસ લક્ષણા માણસની કલ્પના કદાચ કૃષ્ણ પરથીજ ઉવી હોય તો નવાઇ નહીં.

ચાર દિવસ પછી આપણે જન્માષ્ટમી ઊજવીશું. એ દરમિયાન કૃષ્ણની ભક્તિમાં ઠેર ઠેર લોકો રમમાણ થશે. કોક વળી બાવન પાનાંની ગીતા (ગંજીફો) વાંચશે તો કોઇ શનિરવિની રજા છે એમ કહીને પ્રવાસ પર્યટને ઊપડી જશે. મંદિરોમાં બેસુમાર ભીડ થશે. જ્ઞાાાન-ભક્તિ અને કર્મના ત્રિવેણી સંગમ જેવી ભગવદ્ ગીતા વિશ્વની લગભગ તમામ ભાષાઓમાં અનુવાદિત થઇ છે. જીવન જીવવાની સાચી કલા (આર્ટ આફ લિવિંગ) ગીતામાં છે. માત્ર ગોખણિયા પાઠ કરી જવાથી ગીતા ગળે ઊતરતી નથી. એનો શબ્દે શબ્દ અમૂલ્ય છે. એ સમજાય તો જીવનમાં ક્યાંય વિસંગતિ, વિરોધ કે વેરઝેર રહે નહીં.
ઔર એક વાત. કૃષ્ણ વિશે કદાચ સૌથી વધુ ગેરસમજ પણ થઇ છે. સ્યમંતક મણીની ચોરીથી માંડીને સોળ સહ પત્ની જેવી બાબતો ઘણાને સમજાતી નથી. સ્વાભાવિક છે. આપણાં પ્રાચીન ગ્રંથો કવિતામાં રૂપક કે ઉપમાની રીતે વર્ણવાયા છે.

એક પ્રસંગ સૌથી વધુ પ્રેરક લાગ્યો છે. જ્યારે જ્યારે પાંડવોને મળીને કૃષ્ણ પાછા ફરવાના હોય ત્યારે એ કુંતામાતાને મળવા જાય છે. કુંતાજીને કહે છે, ફોઇ, કંઇ જોઇતું કારવતું હોય તો કહો. કુંતામાતા સરસ માગણી કરે છે- 'વિપદઃ સન્તુ નઃ શાશ્વત...' સતત વિપત્તિઓનો વરસાદ અમારા પર વરસાવતો રહેજે. કેમ ? એવી માગણી કેમ ? તો જવાબમાં મધ્યકાલીન ભક્ત કવિ કહે છે, 'દુખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઇ, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોઇ....' મહાભારતનો આ પ્રસંગ ઘણાને સદા પ્રેરણાદાયક લાગે છે. પૂરું કરવા પહેલાં એક સરસ ભાવાનુવાદની વાત કરીએ.

ભગવદ્ ગીતાનો એક શ્લોક છે- 'યે યથા મામ્પ્રપધ્યન્તે તામ્તથૈવ ભજામ્યહમ્..' ગાંધીવાદી કવિ કરસનદાસ માણેકે એનો ગઝલના છંદમાં કરેલો ભાવાનુવાદ જુઓ- 'જે દિવાના મુજ પરે એ પર દિવાનો થાઉં છું, હું જશોદાનું જીવન રાધાનો ક્હાનો થાઉં છું.... હારેલાની હામ થાઉં, ને જીતેલાની લગામ, તરસ્યાનું વારિ અને ભૂખ્યાનો દાણો થાઉં છું... હું જશોદાનું જીવન રાધાનો ક્હાનો.....'

Comments