મોટાં જહાજોની અવરજવર સેંકડો વર્ષ જૂનાં લાકડાનાં મકાનો અને શિલ્પ-સ્થાપત્યોને સુધારી ન શકાય એવું નુકસાન પણ કરે છે
દસ દસ વરસથી આ લોકઆંદોલન ચાલી રહ્યું હતું. આખરે લોકોની લાગણીનો વિજય થયો. વાત છે ઇટાલીના જગમશહૂર શહેર વેનિસની. વિશ્વના સૌથી સુંદર શહેરોમાં જેની ગણતરી થાય છે એે વેનિસ શહેરના લોકો એક દાયકાથી લડત ચલાવી રહ્યા હતા કે અમારે આંગણે લક્ઝરી ક્રૂ કે તરતા રાજમહેલ જેવા વિરાટ જહાજો લાંગરવા ન જોઇએ.
તમે પ્રવાસ શૉખીન હો અને દૂબઇ કે અન્યત્ર ફરવા જવાની જાહેર ખબરો વાંચો તો એક વાત અચૂક નોંધી હશેઃ 'એક રાત લક્ઝરી ક્રૂ પર માણવાની સોનેરી તક મળશે....' હોલિવૂડની 'ટાઇટેનિક' ફિલ્મ જોઇ હોય તો ખ્યાલ હશે કે લક્ઝરી ક્રૂ એટલે શું ? કોઇ પણ ફાઇવ સ્ટાર હૉટલને ટક્કર મારે એવી વૈભવશાળી સગવડો સાથે મહાસાગરમાં તરતો મહેલ ! વિશ્વમાં આવી ડઝનબંધ અત્યંત વૈભવશાળી ક્રૂ અત્યારે તરી-ફરી રહી છે. વેનિસના લોકો આવા તરતા મહેલના કટ્ટર વિરોધી રહ્યા છે.
સાવ ટૂંકમાં વાત કરીએ તો વેનિસ શહેર ૧૧૮ ટાપુઓને પુલ દ્વારા જોડીને બનાવાયેલું ઇટાલીનું એક રમણીય શહેર છે. શહેરની વચ્ચેથી નદી-નાળાં પસાર થાય છે. આ શહેરમાં કુદરતે અભૂતપૂર્વ સૌંદર્ય બક્ષ્યું છે. વેનિસ શહેરમાં ફરવું હોય તો એકજ વાહન છે- નૌકા. તમે નૌકામાં બેસીનેજ આ શહેરની અસલી મોજ માણી શકાય. કલરફૂલ વૃક્ષ-વનસ્પતિ ઉપરાંત એવાંજ આકર્ષક-નયનરમ્ય મકાનો.
એમ કહેવાય છે કે છેલ્લાં છસો વર્ષથી લાકડાનાં બનેલાં આ સ્થાપત્યો અડીખમ ઊભાં છે. દુનિયાભરમાં ઇટાલીના પીઝા-પાસ્તા મશહૂર છે. બીજી પણ અહીં ઘણી વાનગીઓ સ્વાદિષ્ટ ગણાય છે. બિનશાકાહારી પ્રવાસીઓ માટે તો અહીં રીતસર જ્યાફત હોય છે. માત્ર ફરવાની વાત નથી, અહીં કુદરતી સૌંદર્યની સાથોસાથ મોંમાં પાણી ઝરે એવી વિવિધ વાનગીઓનો પાર નથી. આવાં રમણીય શહેરમાં લક્ઝરી ક્રૂ માટે અણગમો શા માટે ? વાત એવી છે કે આ વર્ષના જૂનમાં એમએસસી ઓપેરા નામની એક લક્ઝરી ક્રૂએ વેનિસ જોવા નીકળેલી એક નાનકડી નૌકાને અડફેટમાં લીધી હતી. નૌકામાં વિદેશી પ્રવાસીઓ હતા. પાંચેક જણને નાની-મોટી ઇજા થઇ. લગભગ એ જ સમયગાળામાં અન્ય એક ક્રૂ લોકલ રેસ્ટોરાં સાથે અથડાતાં જરાક માટે રહી ગયું હતું. લોકો વિફર્યા.
અગાઉ પણ એક બે વખત આવી લક્ઝરી ક્રૂ પ્રાચીન સ્થાપત્યોને ટકરાવાથી એ હેરિટેજ ઇમારતોને નુકસાન થયું હતું. લાંબા સમયથી લોકો આ મુદ્દે સરકાર સાથે લડી રહ્યા હતા કે વેનિસમાં વિરાટ કદના લક્ઝરી ક્રૂના આગમન પર પ્રતિબંધ ફરમાવો. લક્ઝરી ક્રૂમાં હજારો વિદેશી પર્યટકો આવતા એટલે ઇટાલીની સરકાર આ મુદ્દે વેનિસવાસીઓની વિનંતીને ધ્યાનમાં લેતી નહોતી. પ્રવાસ પર્યટન ઉદ્યોગની આવક મબલખ હતી.
વેનિસવાસીઓ અહિંસક રીતે આંદોલન કરી રહ્યા હતા. મિડિયાનો પૂરો ટેકો હતો. બીબીસી અને ન્યૂયોર્ક ટાઇમ્સ જેવા મિડિયાએ વેનિસવાસીઓની તકલીફો વિશે અગાઉ લેખો પ્રગટ કર્યા હતા. લગભગ છેલ્લાં દસ વર્ષથી લોકો આ અહિંસક આંદોલન ચલાવી રહ્યા હતા. વેનિસની હાલની વસતિ પંચાવન હજારની હોવાનો અંદાજ છે. આ લોકોની દલીલ હતી કે યૂરોપના સમરમાં અહીં રોજના સરેરાશ ૬૦ હજાર પર્યટકોની અવરજવર રહે છે.
એમાંના ઘણા અહીં રાતવાસો પણ કરે છે. પરિણામે અરાજકતા સર્જાવાનો ભય રહે છે. પર્યટકોની આવજાથી અર્થતંત્રને મોટો ટેકો મળે છે એ વાત સાચી, પરંતુ મોટાં જહાજોની અવરજવર સેંકડો વર્ષ જૂનાં લાકડાનાં મકાનો અને શિલ્પ-સ્થાપત્યોને સુધારી ન શકાય એવું નુકસાન પણ કરે છે. રાષ્ટ્રીય અર્થતંત્રને માતબર લાભ થતો હોવાથી ઇટાલીની સરકાર આ આંદોલન સામે આંખ આડા કાન કરતી હતી.
લોકો પણ જરાય થાક્યા વિના ગાંધીવાદી માર્ગે આંદોલન પ્રસારતા રહ્યા હતા. ધીરે ધીરે આંદોલનની વિગતો વિદેશી મિડિયામાં પણ પ્રગટ થતી જતી હતી એટલે ઇટાલીની સરકારની મૂંઝવણ વધારતી જતી હતી. આખરે ગયા સપ્તાહે ઇટાલીની સરકારે જાહેર કર્યું કે હવેથી વેનિસમાં વિરાટ કદના લક્ઝરી ક્રૂને લાંગરવાની રજા નહીં આપવામાં આવે.
આવતી કાલે ભારતનો સ્વતંત્રતા દિન છે ત્યારે અહિંસક લોકજુવાળ કેવો ઇતિહાસ સર્જે છે એનો આ દાખલો મમળાવવા જેવો છે.
Comments
Post a Comment