કશ્મીર અંગે વિદેશી મિડિયા અને કોંગ્રેસ પ્રમુખપદ



ભારતના સ્વાતંત્ર્ય દિનની આસપાસ પાકિસ્તાની બગલબચ્ચા જેવા આતંકવાદીએા પુલવામા જેવો મોટો હુમલો કરવાની વેતરણમાં છે એવા ગુપ્તચર ખાતાના અહેવાલ વચ્ચે બે સંવેદનશીલ મુદ્દાની વાત કરવી છે. પહેલો મુદ્દો જમ્મુ કશ્મીર અંગે વિદેશી મિડિયાના એકપક્ષી અહેવાલનો છે. ખાસ કરીને અમેરિકાના 'ન્યૂયોર્ક ટાઇમ્સ' અને લંડનના બીબીસીએ એવા અહેવાલો પ્રગટ કર્યા કે જમ્મુ કશ્મીરમાં બિલકુલ શાંતિ નથી.
હજારો લોકો ૩૭૦મી કલમ દૂર કરવાના વિરોધમાં સડકો પર ઊતરી આવ્યા છે અને સિક્યોરિટી દળો સાથે અથડામણમાં ઊતર્યા છે. ન્યૂયોર્ક ટાઇમ્સે બે વર્ષ પહેલાંનો એક જૂનો ફોટોગ્રાફ અહેવાલ સાથે પ્રગટ કર્યો જેમાં થોડા ટીનેજર્સ સિક્યોરિટી જવાનો પર પથ્થરમારો કરી રહ્યા હોય એવું દેખાય છે.

બીજી બાજુ બીબીસીએે પણ એવો વિવાદાસ્પદ અહેવાલ આપ્યો છે કે જમ્મુ કશ્મીરમાં હિંસક દેખાવો થઇ રહ્યા છે અને સ્થાનિક લોકો પર અત્યાચાર ગુજારાઇ રહ્યા છે.  આ બંને આંતરરાષ્ટ્રીય મિડિયા પક્ષપાતભર્યા અહેવાલો માટે જાણીતા છે. છેક ચોથી ઑગસ્ટથી સમગ્ર જમ્મુ કશ્મીરમાં કર્ફ્યૂની સ્થિતિ હોય તો હજારો લોકો ક્યારે બહાર નીકળ્યા અને કોણે, ક્યારે તેમના પર અત્યાચારો કર્યા ? એ આ બંનેએ સાબિત કરી બતાવવું જોઇએ અથવા ભારતે આ બંને સામે બદનામીનો કેસ કરવો જોઇએ.
બોફર્સ મામલે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પર ગલત આક્ષેપ થયા ત્યારે અમિતાભે ધીરજભેર અદાલતમાં સંબંધિત મિડિયાને પડકારીને માફી મગાવી હતી. કેન્દ્ર સરકાર વિદેશી મિડિયા સામે મૌન સેવે તો મૌનનું અર્થઘટન એવું પણ થઇ શકે કે મિડિયા રિપોર્ટ સાચા છે.
બીજો મુદ્દો કોંગ્રેસ પક્ષના પ્રમુખપદનો છે. છેલ્લી થોડી વિધાનસભાની ચૂંટણી જીતવા છતાં કોંગ્રેસનો આત્મવિશ્વાસ સાવ તળિયે છે. બાકી હતું તે જમ્મુ ક્શ્મીર મુદ્દે કેન્દ્ર સરકારે લીધેલા પગલાએ પૂરું કર્યું. આ મુદ્દે પક્ષમાં બે ભાગ પડી ગયા. નજીકના ભવિષ્યમાં અન્ય ચાર પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી છે.

અગાઉ રાહુલ ગાંધી પરાજય મેળવીને પુરવાર કરી ચૂક્યા છે કે એ કોંગ્રેસને નવજીવન આપી શકે એમ નથી. એમની તુલનાએ પ્રિયંકા તો સાવ શીખાઉ છે. એમને ચૂંટણી લડવાનો કોઇ અનુભવ નથી. વળી, એમના પતિદેવ વિવિધ કૌભાંડોમાં ખરડાયેલા છે. એ સંજોગોમાં અત્યારે તો પક્ષ પ્રમુખપદનો કાંટાળો મુગટ ફરી સોનિયા ગાંધીના શિર પર મૂકાયો છે. હકીકતમાં અન્ય કોઇ નેતા પ્રમુખપદ લેવા તૈયાર કેમ ન થયા એ વિચારવાનું છે.
કોંગ્રેસ માટે અત્યારે બે મુદ્દા મહત્ત્વના છે- એક, પક્ષને સંગઠિત રાખવો અને બે, વિધાનસભાઓની આગામી ચૂંટણી જીતવી. કોઇ કહેતાં કોઇ નેતામાં એટલી હિંમત નથી કે પ્રમુખપદ સ્વીકારી શકે ? જે બે મુદ્દા વર્ણવ્યા એ ગાંધી પરિવાર સિવાય સૌને ડરાવે છે. પક્ષને સંગઠિત કરવો એ સૌથી મુશ્કેલ કામ છે.
એકવાર સંગઠિત થઇને લડત આપે તો મધ્ય પ્રદેશ અને રાજસ્થાન વિધાનસભાની જેમ આવી રહેલી ચૂંટણીમાં વિવિધ મુદ્દા મતદારો સમક્ષ રજૂ કરીને વિજેતા નીવડી શકાય. પરંતુ ટોચથી તળિયા સુધીના નેતાઓ અને કાર્યકરોમાં આત્મવિશ્વાસ ન રહ્યો હોય તો આ 'ભગીરથ' કાર્ય શી રીતે પાર પડે ? નહીંતર કોંગ્રેસ પાસે કેટલાક  ચૂંટણીલક્ષી મુદ્દા હાથવગા છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં આવેલાં ંભીષણ પૂર, મોબ લિંચિંગ, અયોધ્યા વિવાદ, વધી રહેલી બેરોજગારી અને મોંઘવારી... વગેરે મુદ્દા તર્કબદ્ધ રીતે રજૂ કરીને સરકારની મર્યાદા મતદારો સમક્ષ મૂકી શકાય.
પક્ષ પ્રમુખ થાય એણે પક્ષને સંગઠિત કરવાનો પડકાર સૌથી પહેલાં ઝીલવો પડે. જો કે કેટલાક કાર્યક્ષમ નેતાઓ એ વાતે પણ મનોમન ડરતા હોય કે ગાંધી પરિવારના નબીરાની આગેવાની સંસદીય ચૂંટણી ન જીતી શકી તો અમારું શું ગજું ? પરિણામે કોઇ યુવાન નેતા જવાબદારી  સ્વીકારવા તૈયાર નથી થતો.

ખૂણેખાંચરે એવી દરખાસ્ત થઇ હતી કે જ્યોતિરાદિત્ય સિંધિયાને પક્ષપ્રમુખ બનાવવા. પરંતુ અહીં એક સૌથી મોટી મર્યાદા છેક ઇંદિરા ગાંધીના દિવસોથી ચાલી આવે છે કે ગાંધી પરિવાર કોઇ તેજસ્વી નેતાને સાંખી શકતો નથી. ઇંદિરાજી અને હેમવતીનંદન બહુગુણાનો કિસ્સો જાણીતો છે.
 ધારો કે કોઇ અન્ય નેતા પક્ષ પ્રમુખ બને તો સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી એના આદેશોનંુ પાલન કરે ખરા ? એને પૂરતું પીઠબળ આપે ખરા ? ગંાધી પરિવારને જાણતા લોકો ચોખ્ખી ના પાડે છે. તો કોઇ કેવી રીતે આગળ આવે ? શા માટે આવે ?


Comments